ગુજરાત પર વરસાદી આફતથી 90 ટ્રેનો રદ, 40 હજાર મુસાફરોને પડી હાલાકી, હવે રેલવે આપશે રિફંડ

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
Trains Cancelled Due To Rain


Trains Cancelled Due To Rain : ગુજરાતમાં મેઘરાજાએ હાહાકાર મચાવી દીધો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી છ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન ભારે વરસાદી માહોલ વચ્ચે ટ્રનોની અવરજવરમાં ખાસી અસર પહોંચી છે, ત્યારે 90થી વધુ ટ્રેનો રદ થતાં 40 હજાર મુસાફરોને પડી હાલાકી પડી. આ સાથે કેટલીક ટ્રેનના રૂટ બદલવામાં આવ્યાં છે. જેમાં વંદે ભારત, રાજધાની, શતાબ્દી, તેજસ ટ્રેનોનો સમાવેશ થાય છે. જ્યારે ખેડામાં સતત વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગુજરાતમાં ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં 35 લોકોના મોત થયા છે. આવતી કાલે (30 ઑગસ્ટે) કચ્છ સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે રાજકોટમાં તમામ શાળાઓ બંધ રહેશે.

આ પણ વાંચો : ગુજરાતમાં મેઘકહેર વચ્ચે હવામાન વિભાગે કરી ફરી વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં કઈ તારીખે પડશે વરસાદ

50થી વધુ ટ્રેનો સુરતમાંથી પસાર થશે

ભારે વરસાદના કારણે 50થી વધુ ટ્રેનો સુરતમાંથી પસાર થવાની છે. જ્યારે ટ્રેનો રદ થવાને કારણે આશરે 40 હજારથી વધુ મુસાફરો મુસાફરી કરી શક્યા ન હતા. તેવામાં રેલવે દ્વારા આ મુસફારોને રિફંડ આપવામાં આવશે. IMDએ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

ભારે વરસાદ વચ્ચે રાજ્યની સ્થિતિને લઈને વડાપ્રધાને જાણકારી મેળવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ શેર કરતાં જણાવ્યું હતું કે, 'સમગ્ર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વડાપ્રધાને આજે (29 ઑગસ્ટે) સવારે પુનઃ એકવાર મારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને રાજ્યની સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી. આ સાથે રાજ્યના વિવિધ જિલ્લાઓના અસરગ્રસ્ત લોકો માટે રાહતના પગલાઓ સહિતની બાબતોની જાણકારી વડાપ્રધાને મેળવી હતી. વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂર અંગે ચિંતા વ્યક્ત કરીને તેમણે અસરગ્રસ્ત લોકોને આપવામાં આવી રહેલી રાહત અને સહાય અંગેની વિગતો મેળવી હતી. જે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોય ત્યાં સ્વચ્છતાની સ્થિતિ તેમજ જનઆરોગ્ય સહિતની બાબતોને ધ્યાને રાખીને જનજીવન ઝડપથી પૂર્વવત થાય તે અંગે વધાપ્રધાને માર્ગદર્શન આપીને કેન્દ્ર સરકાર તરફથી તમામ સહયોગની ખાતરી આપી હતી.'

છેલ્લા 24 કલાકમાં 238 તાલુકામાં વરસાદ ખાબક્યો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 238 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 295 મિ.મી., કચ્છના અબડાસામાં 275 મિ.મી., દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 263 મિ.મી., ખંભાળીયામાં 225 મિ.મી., દ્વારકામાં 215 મિ.મી., કચ્છના લખપતમાં 226 મિ.મી., નખત્રાણામાં 203 મિ.મી., માંડવીમાં 182, જામનગરના જામજોધપુરમાં 218 મિ.મી, વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજ્યના અન્ય 20 તાલુકાઓમાં 100 મિ.મી.થી વધુ વરસાદ ખાબક્યો છે.

આ પણ વાંચો : દ્વારકામાં ગોમતીઘાટ ડૂબ્યો, હેલિકોપ્ટરથી અપાયા ફૂડ પેકેટ: મેઘતાંડવ બાદ ગુજરાતમાં તારાજીના દ્રશ્યો

આવતી કાલની (30 ઑગસ્ટ) આગાહી

30 ઑગસ્ટે સૌરાષ્ટ્રના સાત જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબકશે. જેમાં કચ્છ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના 26 જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. 

વિશ્વામિત્રી નદીનું જળસ્તર ઘટ્યું

તાજેતરમાં ભારે વરસાદથી સૌથી વધુ અસરગ્રસ્ત શહેર વડોદરામાં પરિસ્થિતિમાં થોડો સુધારો થયો છે. જેમાં વિશ્વામિત્રી નદીનું જળસ્તર સવારે 37 ફૂટથી ઘટીને 32 ફૂટ થયું છે. જો કે, શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે. ભારે વરસાદ અને આજવા ડેમમાંથી પાણી છોડવાના કારણે મંગળવારે સવારે વિશ્વામિત્રી નદીનું જળસ્તર 25 ફૂટના ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગયું હતું.

આ પણ વાંચો : 'હાથ જોડીએ, જાઓ અહીંથી...' વડોદરામાં લોકોમાં રોષ જોઈને ભાજપના નેતાઓએ ચાલતી પકડી

18000 લોકોને સુરક્ષિત સ્થળોનું સ્થાળાંતર

રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની (SEOC)  અપડેટ મુજબ, ગુજરાતના પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી 18000થી વધુ લોકોનું અન્ય સુરક્ષિત સ્થળે સ્થાળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે લગભગ 1200 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ દરમિયાન, સુરક્ષા દળોએ કેટલાક લોકોને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત સ્થળોએ પહોંચાડ્યા હતા.

આર્મી, એરફોર્સ અને NDRFની ટીમ તૈનાત

અધિકારીઓએ જણાવ્યું કે, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF), આર્મી, ઈન્ડિયન એરફોર્સ અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ, સ્થાનિક વહીવટીતંત્ર સાથે વડોદરા જેવા રાજ્યના સૌથી વધુ પૂર પ્રભાવિત વિસ્તારોમાં કામ કરી રહ્યાં છે. જ્યારે દ્વારકા, જામનગર, રાજકોટ અને કચ્છ જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે.

ગુજરાત પર વરસાદી આફતથી 90 ટ્રેનો રદ, 40 હજાર મુસાફરોને પડી હાલાકી, હવે રેલવે આપશે રિફંડ 2 - image


Google NewsGoogle News