ગુજરાત પર મેઘો મહેરબાન, છેલ્લા 24 કલાકમાં 78 તાલુકામાં વરસાદ, સૌથી વધુ કુકરમુંડામાં ખાબક્યો
Gujarat Rain : ગુજરાતમાં આ વર્ષે ગરમીએ ભુક્કા કાઢી નાખ્યા હતા. ત્યારે હવે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસતા લોકોએ રાહત અનુભવી છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. તેવામાં રાજ્યના છેલ્લા 24 કલાકમાં 78 તાલુકમાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આજે અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી કરી છે.
રાજ્યના 78 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી વરસાદની રાહ જોવાઈ રહી હતી. જો કે છેલ્લા ત્રણ ચાર દિવસથી દક્ષિણ ગુજરાત હળવાથી ભારે તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની થોડે અંશે રાહત મળી હતી. ત્યારે હવે ચોમાસું બરોબરનું જામ્યું હોય તેમ રાજ્યના 78 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં તાપીના કુકરમુંડામાં સૌથી વધુ ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત વ્યારા, વલસાડ, બોડેલી, નિઝર તેમજ નર્મદાના સાગબારામાં પણ વરસાદ વરસ્યો છે.
આજે આ જિલ્લામાં વરસાદની આગાહી
તાપી ઉપરાંત સુરતના માંગરોલ, વાલીયા, નસવાડી, હાલોલ અને ઉમરગામમાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જેના પગલે લોકોને રાહત મળી હતી. તેમજ ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. હવામાન વિભાગે આજે (23 જૂન) અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા તેમજ ભારે વરસાદની આગાહી કરી છે. હવમાન વિભાગના જણાવ્યાનુસાર આજે ગાંધીનગર, બનાસકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, વડોદરા તેમજ દક્ષિણના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. જ્યારે ગીર સોમનાથ, વલસાડ, દમણ માટે ઓરેન્જ એલર્ટ અને જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ માટે યલો એલર્ટની ચેતવણી અપાઈ છે.