દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર: રાજ્યના 13 તાલુકામાં સવારથી જ ધોધમાર વરસાદ, કપરાડામાં 1.3 ઈંચ
Gujarat Rain: ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસું જામી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. આજે (20મી જૂન) સવારથી જ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે. વલસાડ, સુરત, નવસારી, ભરૂચ, ડાંગ તથા વડોદરામાં વરસાદ પડ્યો હતો. બીજી તરફ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી તથા ભાવનગરમાં પણ વરસાદ પડ્યો હતો.
રાજ્યના 13 તાલુકામાં વરસાદ નોંધાયો
આજે સવારથી જ રાજ્યના 13 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના કપરાડામાં સવા ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. તો નર્મદા જિલ્લાના નાંદોદમાં અડધા ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ સિવાય અન્ય તાલુકાઓમાં 1થી 9 મિ.મી. સુધીનો વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગની આગાહી
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર તરફ અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સરક્યુલેશન બની રહ્યું છે. જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, 22મી જૂનથી 29મી જૂન સુધીમાં ચોમાસું રાજ્યમાં દરેક જિલ્લામાં પહોંચી જશે. તેથી 20મીથી 30મી જૂન દરમિયાન સાર્વત્રિક વરસાદનુ અનુમાન છે.
આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલે 21મી અને 22મી જૂને ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ તેમજ તાપીમાં ક્યાંક હળવાથી મધ્યમ તેમજ છુટાછવાયા વરસાદની સંભાવના છે.