ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ, કલ્યાણપુરમાં સૌથી વધુ, આ જિલ્લામાં એલર્ટ
Gujarat Rain Updates: રાજ્યના સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં પોરબંદર, રાજકોટ, દ્વારકા, ગીર સોમનાથ સહિત જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી હતી. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમી દ્વારકાના કલ્યાણપુરમાં સાડા 11 ઈંચ, માણાવદરમાં 10 ઈંચ અને વિસાવદરમાં 8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (23મી જુલાઈ) રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને સૌરાષ્ટ્રના ભાવનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, જામનગર જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના નવસારી અને ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત રાજ્યના 19 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જેમાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, બોટાદ, રાજકોટ, આણંદ, ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, સુરત, ગાંધીનગર સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચો: દ્વારકામાં ફરી મેઘતાંડવ: કલ્યાણપુરમાં 11 ઈંચ વરસાદ, આખો વિસ્તાર પાણીમાં ડૂબ્યો
વલસાડના ઉમરગામમાં શાળા-કોલેજો બંધ રહેશે
અતિભારે વરસાદના કારણે વલસાડ જિલ્લા કલેક્ટરે મહત્ત્વનો નિર્ણય લીધો છે. આજે (23મી જુલાઈ) ઉમરગામ તાલુકાની આંગણવાડી, શાળા, કોલેજ અને ITI બંધ રહેશે, તેમજ જિલ્લાના બાકીના તાલુકાઓમાં સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવાશે.
ઉપલેટાના તલંગાણામાં પૂર જેવી સ્થિતિ
રાજકોટ જિલ્લાના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે જિલ્લાના અનેક તાલુકાઓ અને ગામડાઓમાં અતિભારે વરસાદી માહોલ વચ્ચે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે, ત્યારે ઉપલેટાના લાઠ ગામ પછી તલંગાણામાં અતિભારે વરસાદને પગલે ગામમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે. જેમાં ગામના અનેક ઘરોમાં પાણી ભરાયા છે.