સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની પધરામણી, સુરત-ભરૂચ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
 Heavy rain in Bharuch


Gujarat Rain: ગુજરાતમાં ધીમા પગલે ચોમાસું પ્રવેશી રહ્યું છે. સોમવારે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદે પધરામણી કરી હતી. સુરત, ભરૂચ સહિતના જિલ્લામાં ધોધમાર વરસતા ખેડૂતોમાં ખૂશીનો માહોલ છવાઈ ગયો હતો.

આ વિસ્તારોમાં વરસ્યો વરસાદ

સુરત જિલ્લામાં આવેલા પીપલોદ, ઉમરા, રાંદેર, ડુમસ, અઠવા ગેટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. તો ભરૂચ જિલ્લામાં પણ મેઘરાજાએ પધરામણી કરી છે. અંકલેશ્વર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં કાપોદ્રા, ગડખોલ, ભડકોદ્રા, પીરમાણ, કોસમડી સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે વાવણીલાયક વરસાદ શરૂ થતાં જ જગતના તાતમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે. જેમાં અમરેલીના બાબરામાં બે ઈંચ વરસાદ વરસ્યો છે.  ડાંગ, અમરેલી,  રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકા સહિતના કેટલાય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

આજે આ જિલ્લામાં વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે  (18મી જૂન) જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદની શક્યતા છે.

19મી જૂનના રોજ ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે જ્યારે જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. જ્યારે 20મી અને 21મી જૂનના રોજ વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા,  સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ જ્યારે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે, 'ચોમાસું સક્રિય થઈ ગયું છે અને આગળ પણ વધી રહ્યું છે.  અરબી સમુદ્રમાંથી આવતી શાખા મંદ ગતિથી આગળ વધી રહી છે. જેના કારણે આજથી મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે.'


Google NewsGoogle News