ગુજરાતમાં મેઘ મહેર: અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, નવસારીમાં ઍલર્ટ
Gujarat Rain: ગુજરાતમાં ધીમા પગલે ચોમાસું પ્રવેશી રહ્યું છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ઘણાં દિવસોથી અવરિત મેઘ મહેર થઈ રહી છે. ત્યારે આજે (18મી જૂન) પણ અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો. આ ઉપરાંત નવસારી. જૂનાગઢ, ભરૂચ, ગીર સોમનાથ, સુરત સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો.
અમરેલી જિલ્લામાં સતત ત્રણ દિવસથી વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ધારી, ચક્કરગઢ, દેવભૂમિ દેવળીયા સહિત ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના પગલેદેવભૂમિ દેવળીયાની નદીમાં પૂર આવ્યું છે. બીજી તરફ જૂનાગઢના વિસાવદરમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતી.
અંબિકા નદીમાં નવા નીરનું આગમન
નવસારી જિલ્લા તથા તેની આસપાસના ઉપરવાસમાં વરસાદ વરસતા નદીઓમાં નવા નીરની આવક થઈ છે. ત્યારે ગણદેવી તાલુકામાં આવેલા દેવધા ડેમના 20 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેથી અંબિકા નદીના કિનારે આવેલા 19થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની પધરામણી
આજે સવારથી જ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદે પધરામણી કરી હતી. સુરત જિલ્લામાં આવેલા પીપલોદ, ઉમરા, રાંદેર, ડુમસ, અઠવા ગેટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતી. ભરૂચ જિલ્લામાં પણ મેઘરાજાએ પધરામણી કરી હતી. અંકલેશ્વર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં કાપોદ્રા, ગડખોલ, ભડકોદ્રા, પીરમાણ, કોસમડી સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે વાવણીલાયક વરસાદ શરૂ થતાં જ જગતના તાતમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.
આ જિલ્લામાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, 19મી જૂનના રોજ ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે જ્યારે જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. જ્યારે 20મી અને 21મી જૂનના રોજ વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ જ્યારે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે, 'ચોમાસું સક્રિય થઈ ગયું છે અને આગળ પણ વધી રહ્યું છે. અરબી સમુદ્રમાંથી આવતી શાખા મંદ ગતિથી આગળ વધી રહી છે. જેના કારણે આજથી મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે.'