સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો: ખંભાળિયામાં 5 ઈંચ, લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા

Updated: Jun 16th, 2024


Google NewsGoogle News
heavy rain in Dwarka


Gujarat Rain: સૌરાષ્ટ્રમાં આજે (16મી જૂન) સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા અને ખંભાળિયામાં બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. આ ઉપરાંત પોરબંદરમાં ચાર કલાકમાં અઢી ઈંચ જેટલો વરસાદ ખાબકતા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. જેના કારણે લોકોને ઘણું નુકસાન થયું છે.

જૂનાગઢમાં ધીમીધારે વરસાદની એન્ટ્રી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં આજે વહેલી સવારે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. બે કલાકમાં જ ધોધમાર પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. ખંભાળિયામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ હતી. માત્ર બે કલાકમાં જ પાંચ ઈંચથી વધુ વરસાદ ખાબકતા શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા.  બીજી તરફ જૂનાગઢમાં બપોરના સમયે ધીમીધારે વરસાદની એન્ટ્રી થઈ હતી. શહેરના કાળવા ચોક, મધુરમ, ટીંબાવાડી, મોતીબાગ, સાબલપુર ચોકડી, દોલતપરા જોશીપરા તેમજ અન્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. નોંધનીય છે કે, આજે સવારે મુન્દ્રા અને ભુજ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં હળવાં ઝાપટાં પડ્યાં હતાં. 

છેલ્લા 24 કલાકમાં 13 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 13 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ ભાવનગર અને અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત રાજકોટ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, વલસાડ, સુરત, આણંદ, મોરબી, જામનગર અને છોટા ઉદેપુરમાં વરસાદ વરસ્યો છે.

આગામી પાંચ દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી

17મી જૂનના રોજ અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 18મી જૂનના રોજ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદની શક્યતા છે.

19મી જૂનના રોજ ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે જ્યારે જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. જ્યારે 20મી અને 21મી જૂનના રોજ વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા,  સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ જ્યારે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.


Google NewsGoogle News