Get The App

ભાદરવામાં મેઘરાજાએ ગુજરાતને ઘમરોળ્યું, વડોદરામાં જળબંબાકાર, જાણો ક્યા જિલ્લામાં કેટલો થયો વરસાદ

Updated: Sep 30th, 2024


Google NewsGoogle News
ભાદરવામાં મેઘરાજાએ ગુજરાતને ઘમરોળ્યું, વડોદરામાં જળબંબાકાર, જાણો ક્યા જિલ્લામાં કેટલો થયો વરસાદ 1 - image

Heavy Rain in  Vadodara: ચોમાસાની ઋતુ વિદાય લે તે પહેલાં વડોદરામાં મેઘરાજાએ રવિવારે (29મી સપ્ટેમ્બર) બપોરે ધમાકેદાર બેટિંગ કરી હતી. બપોરે માત્ર બે કલાકમાં 3 ઇંચ વરસાદ સાથે રવિવારે સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી કુલ 5 ઇંચ અતિ ભારે વરસાદ વીજળીના કડાકાભડાકા સાથે પડ્યો હતો. આ વરસાદની સાથે સમગ્ર શહેર જળબંબાકાર બની ગયું હતું. નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા.

રાજ્યના 118 તાલુકામાં વરસાદ 

ગુજરાતમાં રવિવારે 118 તાલુકામાં ચાર ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. જો કે, રાહતની વાત એ છે કે મંગળવારથી ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના નહિવત્ છે. વડોદરામાં બપોરે 2થી 4 દરમિયાન સૌથી વધુ 3 ઇંચ જ્યારે જૂનાગઢના વિસાવદરમાં સાંજે 6થી 8માં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય જૂનાગઢ શહેર, વડોદરાના પાદરા, ગીર સોમનાથના ગીર ગઢડા, અમરેલીના ખાંભા, નર્મદાના ડેડિયાપાડામાં પણ બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો.

આ પણ વાંચો: VIDEO : મેઘરાજાએ જૂનાગઢને બાનમાં લીધું, બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારો જળમગ્ન


આ સિવાય જ્યાં નોંધપાત્ર વરસાદ વરસ્યો તેમાં જૂનાગઢના ભેસાણ- મેંદરડા, બોટાદના ગઢડા-બરવાળા, ગીર સોમનાથના તલાલા, અમદાવાદના ધોલેરા-ધંધુકા, મહેસાણાના સતલાસણા, સાબરકાંઠાના વડાલી, ખેડાના નડિયાદ, આણંદના આંકલાવનો સમાવેશ થાય છે.

વડોદરાની સ્કૂલોમાં આજે રજા જાહેર

ભારે વરસાદને પગલે વડોદરાની સરકારી-ગ્રાન્ટેડ-નોન ગ્રાન્ટેડ- પ્રાથમિક-માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક એમ વડોદરા મહાનગરપાલિકાની તમામ શાળાઓમાં આજે (30મી સપ્ટેમ્બર) રજા જાહેર કરી દેવાઈ છે.

અનેક વિસ્તારમાં પાણી ભરાયા

છેલ્લા એક સપ્તાહથી વડોદરામાં વરસાદી માહોલ સર્જાયેલો રહ્યો છે. ગુરુવારે (26મી સપ્ટેમ્બર) 110 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદ વરસ્યા બાદ શુક્રવાર અને શનિવારે પણ વરસાદી માહોલ યથાવત્ રહ્યો હતો. શહેરમાં અતિભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરો તેમજ દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. એક મહિના પહેલાં ધોધમાર વરસાદ અને બાદમાં આવેલા પૂરના દૃશ્યો લોકોની નજર સમક્ષ ફરી વળ્યા હતા. બે ક્લાકમાં ત્રણ ઇંચ વરસાદથી શહેરની મધ્યમાં આવેલ રાવપુરારોડ તેમજ દાંડિયાબજાર રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. કેટલીક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં વેપારીઓને ફરી નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં આવેલા કેટલાંક ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા હતાં. સંગમ સવાદ ક્વાટર્સમાં પણ પાણી ભરાતાં લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. આ ઉપરાંત વાઘોડિયારોડ પર આવેલી પ્રભુનગર સોસાયટીમાં અનેક લોકોના ઘરોમાં પાણી ભરાતાં પાણીમાં ફર્નિચર ફરતા હોય તેવા દૃશ્યો સામે આવ્યા હતા. ભારે વરસાદના પગલે અલકાપુરી ગરનાળું ભરાઈ જતાં વાહન વ્યવહાર માટે ફરી બંધ કરવું પડ્યું હતું જો કે વરસાદનું જોર ઘટ્યા બાદ પાણી ઓસરતાં ગરનાળું વાહનોની અવરજવર માટે ફરી શરુ કરી દેવામાં આવ્યું હતું.

ભાદરવામાં મેઘરાજાએ ગુજરાતને ઘમરોળ્યું, વડોદરામાં જળબંબાકાર, જાણો ક્યા જિલ્લામાં કેટલો થયો વરસાદ 2 - image

વડોદરામાં ફરી પૂરસંકટ તોળાઈ રહ્યું છે

વડોદરામાં શનિવારની રાતથી જ વિશ્વામિત્રીની સપાટીમાં વધારો થતાં પૂરનો ખતરો ઊભો થયો હતો. કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકતાં બે કલાકમાં તો જળબંબાકારની સ્થિતિ શહેરમાં સર્જી દીધી હતી. વિશ્વામિત્રી નદીનું જળસ્તર રવિવારે બપોરે જ એક ફૂટ વધ્યું હતું, તેમાં ધરખમ વધારો થવાની શરુઆત થતાં જ વડોદરામાં ફરી પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે.

ભાદરવામાં મેઘરાજાએ ગુજરાતને ઘમરોળ્યું, વડોદરામાં જળબંબાકાર, જાણો ક્યા જિલ્લામાં કેટલો થયો વરસાદ 3 - image


Google NewsGoogle News