દાહોદની પાનમ નદીમાં અચાનક પૂરની સ્થિતિ, કાગળની હોડીની જેમ નદીમાં ટ્રેક્ટર તણાયું
Panam River In Dahod: ગુજરાતના વિવિધ ભાગોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે મંગળવારે (25મી જૂન) વડોદરાના રાવપુરા, માંજલુપર વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ભાવનગર, પાલીતાણા અને બનાસકાંઠાના ડીસામાં પણ મેઘરાજાનું આગમન થયુ છે. આ દરિયાન દાહોદ પંથકમાં ભારે વરસાદ પગલે દેવગઢ બારીયા તાલુકાના બૈણા ગામે પાનમ નદીમાં ટ્રેક્ટર તણાયું હોવાની ઘટના સામે આવી છે. ઉપરવાસમાં વધુ વરસાદના કારણે પાનમ નદીમાં અચાનક આવ્યું પૂર આવ્યું છે.
ગ્રામજનોની મદદથી બે યુવક સહિત ટ્રેકટરને બહાર કાઢ્યુ
મળતી માહિતી અનુસાર, દેવગઢ બારીયા તાલુકાના બૈણા ગામે પાનમ નદીમાં રેતી ભરવા ગયેલા ટ્રેકટર નદીના પ્રવાહમાં ફસાયુ હતુ. ટ્રેક્ટર ચાલક સહિત અન્ય એક યુવક પણ નદીમાં ફસાયો હતો. જો કે, સમગ્ર ઘટનાની જાણ થતા ગ્રામજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા અને બે યુવક સહિત ટ્રેકટરને બહાર કાઢ્યુ હતું.
રાજ્યમાં વરસાદનું યલો એલર્ટ
હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આજથી પાંચ દિવસ ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત ત્રણ દિવસ માટે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજયમાં સાર્વત્રિક વરસાદ મામલે અગમચેતીના ભાગરૂપે ગીર સોમનાથ, ભાવનગરમાં દ્વારકા અને નર્મદામાં NDRFની ટીમ તહેનાત કરવામાં આવી છે.