ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો: રાજકોટ, જામનગર અને નવસારી સહિત અનેક ભાગોમાં ધોધમાર વરસાદ

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
Gujarat Rain


Gujarat Rain: ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે. ત્યારે આજે (15મી જૂન) રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજકોટમાં સતત બીજા દિવસે કાલાવડ રોડ, એરપોર્ટ રોડ, હનુમાન મઢી ચોક, જિલ્લા પંચાયત ચોક, કલેક્ટર ઓફિસ, યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત અમરેલી, જામનગર, નવસારી, ડાંગ અને ભરૂચમાં મેઘરાજાએ પધરામણી કરી હતી.

સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો 

સૌરાષ્ટ્રમાં આજે પણ વરસાદી માહોલ જામ્યો હતો. આજે બપોર બાદ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ તૂટી પડ્યો હતો. જેમાં  રાજકોટ, અમરેલી, જામનગર, ભાવનગર, જામનગર, દ્વારકા સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. અચાનક ધોધમાર વરસાદ તૂટી પડતા અનેક નીચાણવાળા ગામોમાં પાણી ભરાઈ ગયા હતા. 

અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વડિયા શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધામર વરસાદ ખાબકતાં રસ્તાઓ પર પાણી વહેતાં થયાં હતાં. નવસારીમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

છેલ્લા 24 કલાકમાં 25 તાલુકામાં વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 25 તાલુકામાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ભાવનગર જિલ્લાના પાલિતાણામાં 30 મિમી વરસાદ નોંધાયો છે. પાલિતાણા બાદ  ડાંગના વઘઈમાં 12 મિમી, ભાવનગરના તળાજામાં 11 મિમી, જ્યારે  ગાંધીનગરના માણસામાં 9 મિમી વરસાદ નોંધાયો છે.

ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થઈ શકે છે!

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજ્યના વિવિધ ભાગોમાં છુટોછવાયો વરસાદ પડશે. પરંતુ 17મીથી 22મી જૂન દરમિયાન જે વરસાદ પડશે તે ભારે પવન સાથે હશે. જેમાં કેટલાક સ્થળોએ વૃક્ષો પડવાની અને કાચા મકાનોના છાપરા ઉડી જવાની પણ શક્યતા છે.'


Google NewsGoogle News