સૌરાષ્ટ્ર બાદ સુરતમાં અનરાધાર વરસાદ, 5 ઈંચ સાથે ઠેર ઠેર પાણી ભરાયા, જનજીવન અસ્ત-વ્યસ્ત

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
Gujarat Rain Update


Gujarat Rain Update: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 8 ઈચથી વધુ, સુરતના પલસાણામાં પણ 5 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે તાપીના નિઝરમાં  5 ઈંચથી વધુ, સુરતના મહુવામાં 5 ઈંચ, નવસારી 5 ઈંચ, ભરૂચના અંકલેશ્વરમાં 4 ઈંચથી વધુ, વલસાડના પારડીમાં 4 ઈંચથી વધુ, સુરતના ઓલપાડમાં 4 ઈંચથી વધુ નોંધાયો છે. 

સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા 

સુરતમાં અનરાધાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરમાં પાંચ ઈંચથી વધુ વરસાદ પડી ગયો છે. ભારે વરસાદને લીધે શહેરની મોટાભાગની ખાનગી સહિતની ગ્રાન્ટેડ શાળાઓ દ્વારા રજા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત વરાછા મેઈન રોડ પર આવેલી દુકાનોમાં વરસાદના પણ પાણી ઘૂસી ગયા હતા. 

હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં સૌષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી હતી, ત્યારે આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં આજે (22મી જુલાઈ) સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓમાં રેલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જુનાગઢ, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટને પગલે ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત 13 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાની ધડબડાટી, ઉત્તર-મધ્ય ગુજરાતમાં ઘટ, જાણો કયા કેટલો વરસાદ નોંધાયો


23મી જુલાઈના દિવસની આગાહી

આ દિવસે રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને સૌરાષ્ટ્રના ભાવનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, જામનગર જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના નવસારી અને ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામા આવ્યું છે. આ સિવાયના રાજ્યના 19 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, બોટાદ, રાજકોટ, આણંદ, ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, સુરત, ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે દ્વારા કરવામાં આવી છે. 

ગુજરાતમાં સિઝનનો 38.28 ટકા વરસાદ વરસી ચૂક્યો 

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સરેરાશ 13.30 ઈંચ સાથે સિઝનનો 38.28 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં 21મી જુલાઈ સુધીનો આ સૌથી ઓછો વરસાદ છે. 21મી જુલાઈ સુધી 2022માં 60.22 ટકા અને 2023માં 91.92 ટકા વરસાદ વરસ્યો હતો. વરસાદ મામલે ગુજરાતમાં વિપરિત ચિત્ર જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 50 ટકાથી પણ વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હજુ સુધી 25 ટકા પણ વરસાદ વરસ્યો નથી.

સૌરાષ્ટ્ર બાદ સુરતમાં અનરાધાર વરસાદ, 5 ઈંચ સાથે ઠેર ઠેર પાણી ભરાયા, જનજીવન અસ્ત-વ્યસ્ત 2 - image


Google NewsGoogle News