ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 186 તાલુકામાં ભાદરવો મહેરબાન, મહુવામાં આભ ફાટ્યું!
Gujarat Rain Update: ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી, જેના લીઘે અનેક જિલ્લાઓ પ્રભાવિત થયા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 186 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં 6.8 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉમરલામાં 4 ઈંચ, વલભીપુરમાં 3.62 ઈંચ, જેસર 3.42 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 18 તાલુકામાં 2 ઈંચથી વધુ જ્યારે 56 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
મહુવામાં નદી-નાળા છલકાયા
મહુવામાં 6 ઈંચથી વધુ વરસાદ પડતાં અનેક વિસ્તારો પાણી પાણી થયા છે. શનિવાર (28મી સપ્ટેમ્બર) બપોર બાદ વરસાદ શરૂ થતાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદ પડતાં નદી-નાળા છલકાયા છે. ધોધમાર વરસાદના પરિણામે તાલુકાના બગડ, રોજકી અને માલણ ડેમ ઓવરફ્લો થયા હતા.
આ પણ વાંચો: એક રાતમાં 8 મંદિરોમાં લૂંટ, ગુજરાતના ભુજમાં ચોરોનો આતંક, પોલીસ તંત્રમાં દોડધામ મચી
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગે 29મી સપ્ટેમ્બરના રોજ રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અનેક સ્થળો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
રાજ્યમાં ચોમાસાની સિઝનનો 136 ટકા વરસાદ
રાજ્યમાં આજે (29મી સપ્ટેમ્બર) સુધીમાં સિઝનનો સરેરાશ 136 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 185 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 145 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 141 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં 132 ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં 114 ટકા વરસાદ નોંધાયો છે.