VIDEO: વલસાડ જિલ્લાને મેઘરાજાએ ફરી ધમરોળ્યું, વાપીમાં 7 ઇંચ વરસાદથી જળબંબાકાર
Heavy Rain in Valsad: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. વલસાડ જિલ્લામાં ગઈકાલે મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેમાં વાપીમાં 7 ઇંચથી વધુ વરસાદ વરસતાં ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વલસાડ જિલ્લાના 45 મુખ્ય રસ્તાઓ ઉપર વરસાદી પાણી ફરી વળતાં રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.
ધોધમાર વરસાદથી વાપી જળમગ્ન બન્યું
વાપીમાં છેલ્લા 24 કલાકમાં 7 ઇંચથી વધુ વરસાદ વરસ્યો. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વાપી નગરપાલિકાના રેલવે અંડર પાસમાં વરસાદી પાણી ભરાતાં તેને બંધ કરવામાં આવ્યો છે. બીજી તરફ કપરાડામાં 6.3 ઇંચ, પારડ 4.6 ઇંચ, ધરમપુર 4 ઇંચ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ, વાપીમાં 7 ઇંચ, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાત અન સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વલસાડના વાપીમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (ત્રીજી ઑગસ્ટ) જેમાં અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા સહિત દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, કચ્છ, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરાયું છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, આણંદ, મહીસાગર જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવેલી છે.