ઉપલેટામાં સાંબેલાધાર વરસાદ, લાઠ ગામમાં 11 ઈંચ ખાબકતાં પૂર જેવી સ્થિતિ, દુકાનોમાં ઘૂસ્યાં પાણી
Gujarat Rain Update: સૌરાષ્ટ્રમાં અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. ત્યારે લાઠ ગામમાં બે કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર નદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ધોરાજી સહિત ગ્રામ્ય પંથકમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે.
દુકાનોમાં પાણી ઘૂસ્યા
ઉપલેટાના લાઠ, ભીમોરા અને મજેઠીનો કોઝવે ભારે વરસાદને કારણે પાણીમાં ગરકાવ થયો છે. જેને લઈને ગ્રામ્ય વિસ્તાર તરફ જતો રસ્તો બંધ થયો છે. જ્યારે ઉપલેટાના ઝીકરિયા ચોક, નટવર રોડ, કટલેરી બજારની દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ હતી.
આ પણ વાંચો: સૌરાષ્ટ્ર બાદ સુરતમાં અનરાધાર વરસાદ, 5 ઈંચ સાથે ઠેર ઠેર પાણી ભરાયા, જનજીવન અસ્ત-વ્યસ્ત
કલ્યાણપુરમાં ધોધમાર વરસાદ
હવામાન વિભાગ અનુસાર, આજે(22મી જુલાઈ) સવારે 8થી 10 વાગ્યા દરમિયાન કુલ 94 તાલુકામાં વરસાદ નોંધાઈ છે. જેમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે જ કુલ 15 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં સૌષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી હતી, ત્યારે આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં આજે (22મી જુલાઈ) સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓમાં રેલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જુનાગઢ, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટને પગલે ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત 13 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.