Get The App

નવસારીમાં ભારે વરસાદથી જળબંબાકાર, પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી, ઘરોમાં ઘૂસ્યાં પાણી

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
 Heavy rain in Navsari


Gujarat Rain Update: ગુજરાતના વિવિધ ભાગોમાં છેલ્લા ઘણાં દિવસોથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે નવસારીમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મોટાભાગની નદીઓ તોફાની બની છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. નવસારીથી ગણદેવીને જોડતો સ્ટેટ હાઇવે બંધ કરાયો છે. 

પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી

નવસારીમાં ભારે વરસાદને લીધે પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી છે. આ ઉપરાંત અડદા ગામમાં પાંચ લોકો ફસાઈ જતાં ફાયર વિભાગ દ્વારા બચાવ કામગીરી કરી તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. નદીઓની જળ સપાટીમાં વધારો થતા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરુ કરવામાં આવી છે.

પૂર્ણા નદીની જળસપાટી ભયજનક સપાટી કરતાં ઉપર જતાં પૂરના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસ્યા હતા. ઘરો તથા અનેક સોસાયટીમાં પાણી ભરાયા છે. જ્યારે નવસારીના ભેંસદ ખાડા વિસ્તારના ઘરોમાં પાણી ભરાતાં 150થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

નવસારીમાં ભારે વરસાદથી જળબંબાકાર, પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી, ઘરોમાં ઘૂસ્યાં પાણી 2 - image

ભારે વરસાદને પગલે વાહન વ્યવહાર બંધ

ભારે વરસાદના કારણે પૂર્ણા નદીનું જળસ્તર વધતાં નવસારી ગ્રામ્યમાંથી પસાર થતાં સુપા તરફના પુલને બંધ કરાતાં બસોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નવસારી જિલ્લામાં કુલ 74 રસ્તા પાણીમાં ગરક થઈ જતાં વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. 4 સ્ટેટ હાઇવે પર વાહન વ્યવહાર બંધ છે.

નવસારીમાં ભારે વરસાદથી જળબંબાકાર, પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી, ઘરોમાં ઘૂસ્યાં પાણી 3 - image

આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 111 તાલુકા તરબોળ, સૌથી વધુ ડોલવણમાં, આજે આ જિલ્લામાં એલર્ટ


બે દિવસમાં 14,552 નાગરિકોને સ્થળાંતરીત કરાયા: 1,617 નાગરિકોનું રેસ્ક્યું કરાયું 

રાજ્યભરમાં વરસી રહેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જનજીવનને અસર પહોંચી છે. જેને ધ્યાને લઈ છેલ્લા બે દિવસમાં કુલ 14,552 નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતરીત કરવામાં આવ્યા છે જેમાં સુરત જિલ્લામાં 3,707 નાગરિકો, નવસારીમાં 2,978, વડોદરામાં 1,877, પોરબંદરમાં 1,560, જુનાગઢમાં 1,364, ભરૂચમાં 1,017,  તાપીમાં 918, આણંદમાં 604, દેવભુમિ દ્વારકામાં 304, વલસાડમાં 150, પંચમહાલમાં 56 જ્યારે નર્મદા જિલ્લામાં 17 નાગરિકોને સ્થળાંતરીત કરાયા. 

આ ઉપરાંત ભારે વરસાદના કારણે પોતાના વિસ્તારમાં ફસાઈ ગયેલા નાગરિકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસમાં કુલ 1,617 નાગરિકોનું રેસ્ક્યું કરવામાં આવ્યા છે. જેમાં આણંદ જિલ્લામાં 540 નાગરિકો, સુરતમાં 353, વડોદરામાં 262, જામનગરમાં 151, પોરબંદરમાં 121, તાપીમાં 106, દેવભુમિ દ્વારકામાં 59, ભરૂચમાં 11 તથા નવસારી અને કચ્છમાં 7 નાગરિકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે.

આજે નવસારીની પૂર્ણા નદી તેની ભયજનક સપાટીની ઉપરથી વહી રહી છે. જેના પરિણામે નવસારી જિલ્લામાં હાલ સુધી અંદાજિત 2200 લોકોને આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નવસારી તાલુકાના અડદા ખાતે કનાઈ ખાડીમાં પાણી વધતા ફસાયેલા સાત લોકોનું નવસારી ફાયર ટીમ દ્વારા સલામ રીતે રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થાને સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. 

આજે આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (26મી જુલાઈ) સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદ પડી શકે છે.

નવસારીમાં ભારે વરસાદથી જળબંબાકાર, પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી, ઘરોમાં ઘૂસ્યાં પાણી 4 - image


Google NewsGoogle News