દાંતામાં મેઘરાજાની સટાસટી, 4 કલાકમાં સાંબેલાધાર 8 ઈંચ વરસાદ, લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી
Heavy Rain in Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. લાખણી, દાંતીવાડા અને હવે દાંતામાં સાંબેલાધાર વરસાદ પડી રહ્યા છે. આજે (ચોથી જુલાઈ) સવારેના 6 વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધીમાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. દાંતાની સરકારી હોસ્પિટલ, સોસાયટીઓ અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.
દાંતામાં મેઘ સવારી
દાંતા આજે સવારથી જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. આ ઉપરાંત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી આવ્યું હતું. નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. મોટાભાગના ખેતરો પણ બેટમાં ફેરવાઇ ગયા હતા. દાંતા તાલુકામાં અંતરિયાળ પહાડી વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો હતો.
આ પણ વાંચો: ગુજરાતના આ જિલ્લામાં પાણી-પાણી કરી નાખવાની મેઘરાજાની તૈયારી, અંબાલાલ પટેલની આગાહી
પાલનપુરમાં પણ બે ઇંચ વરસાદ
ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દાંતા, વડગામ, પાલનપુર અને અમીરગઢમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જો બનાસકાંઠામાં સવારે 6 વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધીના વરસાદના આંકડાની વાત કરીએ તો, દાંતામાં સૌથી વધુ 8 ઈંચ, વડગામમાં 2 ઈંચ, પાલનપુરમાં 2 ઈંચ અને અમીરગઢમાં 8 મિ.મી. વરસાદ નોંધાયો છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આજે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે અને અમદાવાદના કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત આગામી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરમાં છઠ્ઠી જુલાઈ અને આઠમી જુલાઈ એક સિસ્ટમ બની રહી છે, જે ફરીથી રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આઠમીથી 16મી જુલાઈ દરમિયાન રાજ્યના ઘણાં ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. અષાઢી બીજના દિવસે રાજ્યના ભાગોમાં વાદળો છવાયેલા રહેશે.