ડાંગના વઘઈમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ, 4 કલાકમાં 6 ઇંચ વરસાદ, નદીઓમાં ઘોડાપૂર

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
Gujarat-Rain-Update


Gujarat-Rain-Update: ગુજરાતમાં ફરી એકવાર વરસાદ શરુ થયો છે. આજે (બીજી સપ્ટેમ્બર) સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 72 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ડાંગના વઘઈમાં 6 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. ભારે વરસાદના કારણે રોડ-રસ્તા પર નદીની જેમ પાણી વહેતાં થયા હતા. બીજી તરફ ઉચ્છલમાં 3.18 ઇંચ, ડાંગ-આહવામાં 3.14 ઇંચ, ડોલવણમાં 2 ઇંચ, લુણાવાડામાં 2 ઇંચ, વાંસદામાં 1.8 ઇંચ વરસાદ વરસ્યો છે.

ઓલણ નદીની જળસપાટી વધી 

ઉપરવાસમાં ભારે વરસાદના પગલે તાપી જિલ્લા નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. ડોલવણથી પસાર થતી ઓલણ નદીની જળસપાટી વધી હતી. નદી પરનો લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો. બ્રિજ પર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. પંચોલ, પીઠાદરા સહિતના ગામને જોડતો પુલ પાણીમાં ગરકાવ થયો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ફરી વરસાદી વાદળો છવાયા, વહેલી સવારે અમદાવાદ સહિત 36 તાલુકામાં મેહુલિયો વરસ્યો


હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (બીજી સપ્ટેમ્બર) ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે જ્યારે અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડામાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

ગુજરાતમાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો

ગુજરાતમાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.ઑગસ્ટ સુધી રાજ્યમાં 26.62 ઇંચ સાથે સિઝનનો 76.57 ટકા વરસાદ હતો. જ્યારે 27 ઑગસ્ટ સવાર સુધીમાં 34.76 ઇંચ સાથે 100 ટકા વરસાદ વરસ્યો હતો. રાજ્યના 16 જિલ્લામાં 100 ટકાથી વધુ જ્યારે 66 તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

કચ્છમાં સૌથી વધુ 116.79 ટકા, દક્ષિણ ગુજરાતમાં 108.20 ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં 101.52 ટકા વરસાદ વરસ્યો છે. બીજી તરફ પૂર્વ મધ્ય ગુજરાતમાં સિઝનનો 100 ટકા વરસાદ હવે માત્ર 1.25 ટકા દૂર છે. ઉત્તર ગુજરાતમાં સિઝનનો 80 ટકા વરસાદ વરસ્યો છે.

ડાંગના વઘઈમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ, 4 કલાકમાં 6 ઇંચ વરસાદ, નદીઓમાં ઘોડાપૂર 2 - image


Google NewsGoogle News