ગુજરાતના બનાસકાંઠામાં જળબંબાકાર, સિઝનની શરૂઆતમાં જ 12 ઈંંચ વરસાદથી ઠેર ઠેર તારાજી

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
Heavy Rain in Banaskantha


Heavy Rain in Banaskantha: બનાસકાંઠા જિલ્લાના લાખણીમાં ચોમાસાની સિઝનનો પ્રથમ વરસાદ 12 ઇંચ ખાબક્યો હતો. જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. તો ચોમાસુ પાકનું વાવેતર કરાયેલા ખેતરો પણ તળાવમાં ફેરવાયા હતા. તેમજ ખેતરોના પાળા તૂટતાં જમીનનું ધોવાણ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. જેની જન જીવન પર અસર થવા પામી હતી. દેતાલી પ્રાથમિક શાળામાં પાણી ભરાતાં બાળકોના અભ્યાસ ઉપર અસર પડી હતી. તો ભારે વરસાદથી 45 પોલ ધરાશાયી થતાં વીજ પુરવઠો ખોરવાયો હતો.

નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા 

બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા મંગળવાર અને બુધવાર એમ બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેના પગલે લાખણી ખાતે મંગળવારથી બુધવારના સવારના 6 વાગ્યા સુધી ચોવીસ કલાકમાં 299 મિ.મી. એટલે કે 12 ઈંચ વરસાદ નોંધાયો હતો. મંગળવારના રોજ એકા એક ધોધમાર વરસાદ વરસવા લાગતા 8 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને લઇ લાખણીમાં નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ગેળા રોડ ઉપર આવેલા શોપિંગ સેન્ટરની દુકાનોમાં પાણી ઘૂસી જતા જેનો નિકાલ કરવા માટે લાખણી ગ્રામ પંચાયત દ્વારા દિયોદરથી બે વેક્યુમ મશીન બોલાવી તેમજ વોટર પંપ મૂકી શોપિંગ સેન્ટરની દુકાનોમાંથી પાણી નિકાલ કરવાની પ્રક્રિયા હાથ પરી હતી. શોપિંગ સેન્ટરની દુકાનોમાંથી પાણી કઢાવ્યા બાદ તે વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો અને દુકાનોમાં સફાઈ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી.

આ પણ વાંચો: ઓલિમ્પિકની તૈયારીને 'ઝટકો'! અમદાવાદના ડ્રીમ પ્રોજેક્ટ સામે આર્થિક સંકટ, 'ટ્રાન્સસ્ટેડિયા'ના પાટિયાં પડી જશે


ચોમાસાની સિઝનના પ્રથમ વરસાદમાં12 ઈંચ વરસાદ ખાબકતા નીચાણ વાળા ખેતરો પાણી ભરાઈ જવાથી બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. જેથી વાવેતર કરાયેલા ખેતરોમાં ખેડૂતોએ ફરીથી વાવેતર કરવાની નોબત આવી હતી. ખેતરોમાં પાણી ભરાવવાથી બંધ પાળાઓ પણ તૂટી જવાથી વાવલી કરેલ પાક પોવાઈ જવા પામ્યો હતો. લાખણી તાલુકાના દેતાલ ગામે આવેલી પ્રાથમિક શાળામાં ત્રણ થી ચાર ફૂટ જેટલું પાણી ભરાઈ જવાથી ગ્રામજનો દ્વારા શાળા કંપાઉન્ડની દિવાલને તાત્કાલિક તોડી પાડી પાણીનો નિકાલ કરવવામાં આવ્યો હતો. છતાં પણ મધ્યાહન ભોજનના રૂમમાં પાણી ઘૂસી જવાથી અનાજનો બગાડ થવા પામ્યો હતો.

ગુજરાતના બનાસકાંઠામાં જળબંબાકાર, સિઝનની શરૂઆતમાં જ 12 ઈંંચ વરસાદથી ઠેર ઠેર તારાજી 2 - image



Google NewsGoogle News