Get The App

સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ: રાજકોટમાં એક ઈંચ વરસાદમાં વાહનચાલકો ફસાયા, જુઓ ક્યાં કેવી હાલત

રાજકોટમાં સાંજ પછી એક જ કલાકમાં એક ઈંચ વરસાદ પડતાં તંત્રના કામગીરીની પણ પોલ ખૂલી ગઈ હતી.

Updated: Jul 16th, 2024


Google NewsGoogle News
rain in gujarat


Gujarat Rain : ગુજરાતના અલગ અલગ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ બાદ હવે સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે રાજકોટમાં સાંજ પછી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. 

રાજકોટમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ 

રાજકોટમાં સાંજ પછી એક જ કલાકમાં એક ઈંચ વરસાદ પડતાં તંત્રના કામગીરીની પણ પોલ ખૂલી ગઈ હતી. ઠેર ઠેર રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા હતા. મહિલા કોલેજ ચોક નજીકના અંડરપાસમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 

સૌરાષ્ટ્રમાં મેઘરાજાની બઘડાટી 

બીજી તરફ જૂનાગઢ અને જામનગરમાં પણ આજે ધોધમાર વરસાદ પડ્યો હતો. જૂનાગઢના કેશોદમાં ભારે વરસાદના કારણે ગલપુર, જોનપુરનો રસ્તો બંધ કરવાની નોબત આવી ગઈ હતી. આટલું જ નહીં ગીર સોમનાથ જિલ્લામાં ગાજવીજ સાથે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા.  વેરાવળમાં એક મકાન પર વીજળી પણ પડી હતી, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ધોધમાર વરસાદના કારણે ગ્રામીણ વિસ્તાર જ નહીં નેશનલ હાઇવે પર પાણી ફરી વળ્યા હતા. 

ગુજરાતમાં હાલ ચોમાસાની ત્રણ ત્રણ સિસ્ટમ એકસાથે સક્રિય થઈ છે. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે. હવે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ  વરસાદની આગાહી કરવામાં આવી છે.  એવામાં આવતીકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ વરસી શકે છે. 

દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ચાલુ જ રહેશે. સાથે સાથે મેઘરાજા સૌરાષ્ટ્ર પર પણ ભરપૂર હેત વરસાવશે તેવા એંધાણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા છે. 

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના 

હવામાન વિભાગના ડિરેક્ટરે આગાહી કરતાં જણાવ્યું હતું, કે '20 જુલાઇ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આટલું જ નહીં 18મી જુલાઇએ દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાવવાની શક્યતા છે. પવનની ગતિ 65 કિમી પ્રતિ કલાક સુધી પણ જઈ શકે છે. 

કયા જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદ? 

16 જુલાઇ:

આ દિવસે સુરત, નવસારી, વલસાડ, દમણ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટમાં અતિભારે વરસાદનું રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તાપી, ડાંગ, દાહોદ, છોટા ઉદેપુર, મોરબી, ભરૂચ, નર્મદા, સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ અને બોટાદમાં ઓરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે. 

17 જુલાઇ:

ઓરેન્જ ઍલર્ટ: પોરબંદર, દ્વારકા, રાજકોટ, જૂનાગઢ, સુરત, નવસારી, વલસાડ, પંચમહાલ 

18 જુલાઇ:

ઓરેન્જ ઍલર્ટ: પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, જૂનાગઢ, સુરત, નવસારી, વલસાડ, નર્મદા 


Google NewsGoogle News