Get The App

VIDEO : ગિરનાર પર્વત પર સીડી પરથી નદીના પ્રવાહની જેમ પાણી વહ્યા, ધોરાજીમાં આભ ફાટ્યું, ભાવનગર પણ જળબંબાકાર

જૂનાગઢ અને ગીર સોમનાથમાં ઘણા જિલ્લાઓમાં પાણી ભરાયા : સુત્રાપાડામાં આભ ફાટતા 22 ઈંચ વરસાદ ખાબક્યો

વડોદરા, સુરત, રાજકોટ સહિતના જિલ્લાઓમાં વરસાદ : અમદાવાદમાં પણ અનેક શહેરો જળબંબાકાર

Updated: Jul 19th, 2023


Google NewsGoogle News

VIDEO : ગિરનાર પર્વત પર સીડી પરથી નદીના પ્રવાહની જેમ પાણી વહ્યા, ધોરાજીમાં આભ ફાટ્યું, ભાવનગર પણ જળબંબાકાર 1 - image

અમદાવાદ, તા.19 જુલાઈ-2023, બુધવાર

હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે આગાહી મુજબ આજે અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘરાજાએ માજા મુકી છે. તો જૂનાગઢ અને ગીર સોમનાથમાં મેઘતાંડવનું રૌદ્રસ્વરૂપ જોવા મળી રહ્યું છે. વરસાદને પગલે ઘણા જિલ્લાઓમાં પાણી ભરાયા છે. જ્યારે સુરતમાં પણ વરસાદી પાણી ભરાતા અડાજણ પાટિયા વિસ્તારમાં ટ્રાફિક જામ થતાં વાહન ચાલકો કલાકો સુધી ફસાયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. જામનગર જિલ્લામાં મેઘરાજાનો ચોથો રાઉન્ડ જોવા મળી રહ્યો છે, અહીં સાર્વત્રિક અડધાથી અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. દમણમાં 24 કલાકમાં 9.5 ઈંચ વરસાદ પડતા નિંચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. જ્યારે વાપીમાં માત્ર ચાર કલાકમાં 6 ઈંચ વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું છે. દરમિયાન સુત્રાપાડામાં આભ ફાટતા 22 ઈંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે અહીં જળબંબાકારની સ્થિતિ સર્જાતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને ભાદર-2 ડેમના 6 દરવાજા 4 ફુટ ખોલવામાં આવ્યા છે. વડોદરાની વાત કરીએ તો બપોરે બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદથી પાણી ભરાયા છે. બારડોલીમાં બે, કામરેજમાં એક ઇંચ સહિત અન્ય તાલુકામાં છુટોછવાયો વરસાદ નોંધાયો છે.

ગિરનાર પર્વત પર સીડી પરથી નદીના પ્રવાહની જેમ પાણી વહ્યા


  • જૂનાગઢ : ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ, ગિરનાર પર ચાર ઈંચ જેટલો વરસાદ ખાબકયો, સીડી પરથી પાણી વહેતા થયા
  • રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં સૌથી વધુ 21.64 ઈંચ તથા વેરાવળ તાલુકામાં 19.24 ઈંચ વરસાદ નોંધાયો 
  • તાલાલા તાલુકામાં 11.96 ઈંચ તથા રાજકોટના ધોરાજી તાલુકામાં 11.08 ઈંચ  વરસાદ નોંધાયો 
  • જામજોધપુર, લાલપુર તાલુકામાં સાર્વત્રિક વરસાદ - લાલપુર પંથકમાં ભારે વરસાદ, એસટી ડેપો પાસે આવેલ રાધેશ્યામ મંદિરમાં પણ ઘુસ્યા પાણી
  • રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આભ ફાટ્યું, ધોરાજીમાં બે કલાકમાં 4 ઇંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને ખસેડાયા, મામલતદાર પોતે રેસ્ક્યુ કામગીરીમાં જોડાયા, નીચાણવાળા અનેક વિસ્તારમાં જઇ લોકોને ખસેડ્યા
  • જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ચાર ઈંચ જેટલો વરસાદ ખાબકયો
  • ભાવનગર જિલ્લામાં ઝરમરથી લઈ 6 ઇંચ સુધી વરસાદ, વલ્લભીપુરમાં 6 ઇંચ, ભાવનગરમાં 4, ઉમરાળામાં સવા 3, સિહોરમાં 2.5, ધોધમાં 2.5, ગારિયાધાર, પાલીતાણા અને તળાજામાં 1-1 ઈંચ વરસાદ
  • ભાવનગરમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ, પ્રશાસનની પ્રિમોનસુન કામગીરી પાણીમાં, અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા, લોકોના ઘરમાં ઘુસ્યા પાણી
  • જૂનાગઢ માંગરોળમાં ખાબક્યો 12 ઈંચ વરસાદ, રોડ-રસ્તા અને હાઈવે પાણીમાં ગરકાવ
  • માંગરોળમાં સવારથી અત્યાર સુધીમાં 12 ઈંચ, માળીયા હાટીનામાં 8 તો કુતિયાણામાં 5 ઈંચ વરસાદ
  • રાજકોટ જિલ્લાના જામકંડોરણાના પીપરડી ગામે આભ ફાટ્તા 5 કલાકમાં વરસ્યો 13 ઈંચ વરસાદ

આગામી 12 કલાક હજુ આ 8 જિલ્લાઓ માટે અતિભારે, તો 11 જિલ્લા માટે ભારે

હાલ રાજ્યના ઘણા જિલ્લાઓ અને શહેરોમાં વરસાદ પડી રહ્યો છે. તો ઘણા સ્થળોએ પાણી ભરાઈ જવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી હજુ 12 કલાક 8 જિલ્લાોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો 11 જિલ્લાઓ માટે ભારે વરસાદની આગાહી કરાઈ છે. દરમિયાન આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદની તોફાની બેટીંગ જોવા મળી રહી છે. તો ગઈકાલે ગીર સોમનાથમાં આવેલા સૂત્રાપાડા જિલ્લામાં 22 ઈંચ તો વેરાવળમાં 20 ઈંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે આજે સવારથી જ મેઘરાજાનું રાજ્યના ઘણા જિલ્લાઓમાં તાંડવ જોવા મળી રહ્યું છે. દરમિયાન આગાહી મુજબ 19 જુલાઈના રોજ વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ અને ભાવનગરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે આ જિલ્લામાં આજે અતિથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે અમદાવાદ, વડોદરા, સુરત, ગીર સોમનાથ, ખેડા, આણંદ, ભરૂચ, ડાંગ, નવસારી, તાપી અમરેલી, દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે આ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. ઉપરાંત હવામાન વિભાગ દ્વારા આજે દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ, નર્મદા, વડોદરા, સુરેન્દ્રનગર, મોરબી અને બોટાદમાં સામાન્યથી હળવો વરસાદ પડી શકે છે. તો મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર, સાબરકાંઠા, મહિસાગર, અરવલ્લી, અને કચ્છમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

VIDEO : ગિરનાર પર્વત પર સીડી પરથી નદીના પ્રવાહની જેમ પાણી વહ્યા, ધોરાજીમાં આભ ફાટ્યું, ભાવનગર પણ જળબંબાકાર 2 - image

અમદાવાદમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરુ

રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરુ થઈ ગયો છે. આજે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. જો કે શહેરમાં સવારે 8 વાગ્યા બાદ વરસાદનું જોર વધતા અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. શહેરમાં અનેક વિસ્તારોમાં બે ત્રણ દિવસમાં વરસાદી ઝાંપટા જોવા મળ્યા હતા ત્યારે આજે એસ.જી હાઈવે, સેટેલાઈટ, ગોતા, બોડકદેવ, પાલડી, શિવરંજની, શ્યામલ ચાર રસ્તા, પ્રહલાદગર, વસ્ત્રાપુર, રખિયાલ, બાપુનગર, નારોલ, મણિનગર તેમજ ચાદલોડિયા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વિઝિબિલિટી ઓછી હોવાને કારણે વાહન ચાલકો તેમજ કાર ચાલકોને વાહનોની લાઈટ ચાલુ રાખવાની નોબત આવી છે.

જૂનાગઢ- ગીર સોમનાથમાં મેઘતાંડવ, નદીઓમાં ઘોડાપૂર

આજે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેમાં જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ સટાસટી બોલાવતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જૂનાગઢ શહેર તેમજ તાલુકામાં પડેલા ભારે વરસાદને પગલે નદી નાળાઓમાં પૂર આવ્યા છે આ સિવાય જૂનાગઢનો વિલીંગ્ડન ડેમ પણ છલકાઈ ગયો છે. ગિરનાર તળેટીમાં તેમજ દાતાર પર પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના પગલે ગિરનાર પર્વત પરથી ઝરણા વહેતા થયા હતા. આ સાથે જ સોનરખ નદી પણ વહેતી થઈ હતી. માંગરોળમાં સવારના 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં પોણા બાર ઇંચ વરસાદ ખાબકતાં અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. માંગરોળ સિવાય કેશોદમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો છે જેના પગલે નદી-નાળાઓમાં ઘોડાપૂર આવ્યા છે. કેશોદમાં સિલોદર ગામના પુલનો એક બાજુનો ભાગ તૂટ્યો હતો તેમજ પુલ પર બે વિદ્યાર્થીઓ ફસાયા હતા જેને મહામહેનતથી બચાવી લેવાયા હતા. કેશોદના ગ્રામ્ય પંથકની વાત કરીએ તો રેવદ્રા ગામમાં અનરાધાર વરસાદથી વાહનો તેમજ ઘરવખરી, અનાજ તેમજ માલઢોર પાણીમાં ગરકાવ થયા હતા.

VIDEO : ગિરનાર પર્વત પર સીડી પરથી નદીના પ્રવાહની જેમ પાણી વહ્યા, ધોરાજીમાં આભ ફાટ્યું, ભાવનગર પણ જળબંબાકાર 3 - image

સુરતમાં વરસાદી પાણી ભરાતા અડાજણ પાટિયા વિસ્તારમાં ટ્રાફિક જામ

સુરતમાં આજે બીજા દિવસે વરસાદની ધુંવાધાર બેટિંગના કારણે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. વરસાદી પાણી ભરાવવાની સૌથી વધુ અસર શહેરમાં ટ્રાફિક પર પડી રહી છે. રાંદેર ઝોનમાં દબાણ માટે કુખ્યાત એવા અડાજણ પાટીયા વિસ્તારમાં  આજે વરસાદી પાણીના ભરાવા, સતત વરસાદ અને દબાણના કારણે આ જગ્યાએ કલાકો સુધી વાહન ચાલકો ટ્રાફિક જામમાં ફસાયા હતા. સુરત ડુમસ ( એરપોર્ટ) રોડ પણ પાણીનો ભરાવો થયો હતો તેની સાથે સુરતના સીટી વિસ્તાર અને અડાજણ પાટિયા વિસ્તાર, ઋષભ ટાવર વિસ્તારમાં આજે ફરીવાર વરસાદના પાણી ભરાયા હતા.

જામનગરમાં અઢી ઈંચ વરસાદ, ડેમોમાં નવા નીર આવ્યા, કંકાવટી ડેમ ઓવર ફ્લો

જામનગરમાં ગઈકાલે મોડી રાત્રે હવામાનમાં પલટો આવ્યો છે અને મેઘરાજાનો ચોથો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. સમગ્ર જિલ્લામાં અડધાથી પોણા ત્રણ ઇંચ વરસાદ પડયો છે, જેને લઈને અનેક ડેમોમાં ફરીથી નવા નીર આવ્યા છે. અને આઠ જળાશયો ફરી ઓવરફ્લો થયા છે. ગઈકાલે મોડી રાતથી જ ધીમીધારે છાંટા શરૂ થયા હતા, ત્યારબાદ આજે વહેલી સવારે 10.00 વાગ્યા થી 11.00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન અડધો ઇંચ વરસાદ વરસી ગયો હતો. હજુ પણ વરસાદી માહોલ બંધાયેલો છે. 

દમણમાં જળબંબાકાર : નિંચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

વલસાડ જિલ્લાના સંઘપ્રદેશ દમણમાં વિતેલા 24 કલાકમાં 9.5 ઈંચ વરસાદ પડતા ઠેરઠેર પાણીપાણી થઇ જતા જળબંબાકારની સ્થિતિ ઉભી થઇ હતી. મળસ્કે ચાર વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં જ 8.5 ઈંચ જેટલો ભારે વરસાદ પડતા જનજીવન પર ભારે અસર થઇ હતી. આજે સવારે 24 કલાક સુધીમાં દમણમાં 9.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. 24 કલાકમાં માત્ર આજે મળસ્કે ચારથી સવારે આઠ વાગ્યા સુધીમાં જ 8.5 ઈંચ વરસાદ ઝીંકાયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં નિંચાણવાળા ભાગોમાં પાણી ઘુસી જતા આ વિસ્તાર તળાવ રૂપાંતરિત થઇ ગયો હતો. આ ઉપરાંત પટલારા ગામે ખાડી ઉભરાતા પાણી રોડ પર ફરી વળ્યું હતું. જ્યારે દાદરાનગર હવેલીમાં 3 ઈંચ વરસાદ પડ્યો હતો. ચોમાસાની મૌસમ દરમિયાન અત્યાર સુધીમાં દમણમાં 49 ઈંચ અને દા.ન.હવેલીમાં 47 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે.

VIDEO : ગિરનાર પર્વત પર સીડી પરથી નદીના પ્રવાહની જેમ પાણી વહ્યા, ધોરાજીમાં આભ ફાટ્યું, ભાવનગર પણ જળબંબાકાર 4 - image

વાપીમાં માત્ર ચાર કલાકમાં 6 ઈંચ વરસાદ

વાપી શહેરમાં જળબંબાકારની સ્થિત ઉભી થતા જનજીવન પ્રભાવિત થયું હતું. મળસ્કે 4થી 8 વાગ્યા સુધીમાં માત્ર 4 કલાકમાં જ 150 મીમી (6 ઈંચ) વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ગઇકાલે મંગળવારે સાંજે 4 વાગ્યાથી આજે બુધવારે સવારે 8 વાગ્યા સુધીનાં 16 કલાકમાં જિલ્લામાં સરેરાશ 2.5 ઈચ વરસાદ નોંધાયો હતો. જિલ્લાના વાપી શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે જનજીવન ખૂબ જ પ્રભાવિત થયું હતું.

સુત્રાપાડામાં આભ ફાટ્યું, 22 ઈંચ વરસાદથી જળબંબાકાર

સૌરાષ્ટ્રમાં ગઈકાલે આભ ફાટ્યું હતું અને ગીર સોમનાથના સુત્રાપાડામાં 22 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતી જોવા મળી હતી. આ સિવાય વેરાવળમાં 19 ઈંચ સહિત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 176 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તાલુકાઓને ઘમરોળ્યુ હતું. રાજ્યમાં છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 176 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો જેમા રાજ્યના 5 તાલુકાઓમાં 10થી 22 ઈંચ, 11 તાલુકાઓમાં ત્રણથી 5 ઈંચ જ્યારે 5 તાલુકાઓમાં બેથી ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. આજે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ વચ્ચે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. 

VIDEO : ગિરનાર પર્વત પર સીડી પરથી નદીના પ્રવાહની જેમ પાણી વહ્યા, ધોરાજીમાં આભ ફાટ્યું, ભાવનગર પણ જળબંબાકાર 5 - image

ધોરાજી : ભાદર-2 ડેમના 6 દરવાજા 4 ફુટ ખોલાયા

રાજકોટ સિંચાઈ વર્તુળ તરફથી મળેલ સૂચના અનુસાર, ભારે વરસાદને કારણે ધોરાજી તાલુકાના ભાદર-2 ડેમનાં 6 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે તથા 47364 કયુસેક પાણીની આવક સામે 31590 ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો હોવાથી ધોરાજી તાલુકાના ભોળા, ભોળગામડા, છાડવાવદર અને સુપેડી તેમજ ઉપલેટા તાલુકાના ડુમિયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગાધા, ગંદોડ, હાડફોડી, ઈસરા, કુંઢેચ, લાઠ, મેલી મજેઠી, નિલાખા, તલગણા તથા ઉપલેટાના લોકોને નદીના પટમાં અવરજવર નહિ કરવા તેમજ સાવચેત રહેવા જણાવાયું છે.

VIDEO : ગિરનાર પર્વત પર સીડી પરથી નદીના પ્રવાહની જેમ પાણી વહ્યા, ધોરાજીમાં આભ ફાટ્યું, ભાવનગર પણ જળબંબાકાર 6 - image

બારડોલીમાં બે, કામરેજમાં એક ઇંચ સહિત અન્ય તાલુકામાં છુટોછવાયો વરસાદ

સુરત જિલ્લામાં બે તાલુકામાં એક ઇંચ અને બે ઇંચ વરસાદ વરસ્યા બાદ અન્ય તાલુકામાં છુટાછવાયા વરસાદના ઝાપટા પડયા હતા. સુરત જિલ્લામાં બારડોલી તાલુકામાં બે ઇંચ, કામરેજમાં એક ઇંચ, ચોર્યાસી, પલસાણા, માંડવી તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. દરમ્યાન ઉકાઇ ડેમના કેચમેન્ટમાં પણ વરસાદ ધીમો પડતા આજે પાણીની આવક ઘટીને ૧૦ હજાર કયુસેક થઇ હતી. અને સપાટીમાં આખો દિવસમાં સામાન્ય વધારો થઇને મોડી સાંજે છ વાગ્યે ૩૧૪.૫૦ ફુટ નોંધાઇ હતી. જે ઉકાઇ ડેમના રૃલલેવલ ૩૩૩ ફુટ કરતા ૧૮.૫૦ ફુટ ઓછી છે.

સુરતમાં વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

સુરતમાં ધોધમાર વરસાદને કારણે રઘુકુળ ગરનાળા તથા સહારા દરવાજા રેલ્વે ગરનાળામાં પાણી ભરાયા હતા. સહરાટ દરવાજામાં ભરાયેલા પાણીમાં પેસેન્જર ભરેલી એક બસ ફસાતા મુસાફરોના જીવ અધ્ધર થયા હતા. ત્યારબાદ આસપાસના લોકોની મદદથી મુસાફરોને સલામત બહાર કડાતા મુસાફરોના જીવ હેઠા બેઠા હતા.વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેમાં સહરા દરવાજા અને રઘુકુળ માર્કેટના ગરનાળામાં પાણી ભરાયા હતા. રઘુકુળ માર્કેટના ગરનાળા ભરાયેલા પાણીમાંથી સેકડો લોકો જીવના જોખમે નોકરી ધંધે જતા જોવા મળ્યા હતા.

NDRFની 6 ટીમ તૈનાત કરવામાં આવી

રાજ્યમાં ભારે વરસાદને પગલે તેમજ આગામી સમયમાં પણ વરસાદની આગાહી હોય તેને ધ્યાનમાં રાખી NDRFની 6 ટીમ તૈનાત કરવામાં આવી છે જેમાં ગીર સોમનાથ, કચ્છમાં 1-1 ટીમ, નવસારી, વલસાડમાં 1-1 ટીમ, અમરેલી અને રાજકોટમાં 1-1 ટીમ તૈનાત કરવામાં આવી છે. ગઈકાલે ગીર સોમનાથમાં આભ ફાટ્યું હતું અને 21 ઈંચ કરતા પણ વધુ વરસાદ નોંધાયો હતો. ગીર સોમનાથમાં અત્યારસુધીમાં 160 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે.

આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે શહેરમાં વહેલી સવારથી જ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે. આ સાથે જ રાજ્યમાં આજે અમદાવાદ સહિત સુરત, ભરૂચ, ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ રહેશે.


Google NewsGoogle News