રાજ્યમાં માવઠા વચ્ચે વીજળી કહેર બની ત્રાટકી, 6 લોકોના મોત, 15 ઈજાગ્રસ્ત
અમરેલી, કડી, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં વીજળીનો કહેર, બારડોલીમાં 8 મહિલા ઈજાગ્રસ્ત
સોમનાથમાં મંડપ ધરાશાયી : રાજ્યભરમાં કમોસમી માવઠાના કારણે પાકને નુકસાન
અમદાવાદ, તા.26 નવેમ્બર-2023, રવિવાર
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યભરમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે, અમદાવાદમાં પણ કડાકા-ભડાકા સાથે વરસાદ પડતા પાણી ભરાયા હોવાના અહેવાલો છે, ત્યારે રાજ્યમાં માવઠા વચ્ચે વીજળી કહેર બનીને ત્રાટકી છે. રાજ્યમાં કમોસમી વરસાદના કારણે વીજળી પડતા 6 લોકોના મોત નિપજ્યા હોવાની વિગતો મળી રહી છે. ઉપરાંત 15 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.
બારડોલીના મઢીમાં 8 મહિલાઓ ઈજાગ્રસ્ત
હવામાન ખાતાની આગાહી મુજબ રાજ્યભરમાં વાતાવરણ પલટાયું છે અને મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી છે. દરમિયાન રાજ્યમાં માવઠા વચ્ચે વીજળી પડવાના કારણે 6 લોકોના મોત અને 15 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. બરવાડાના હેબતપુરામાં, અમરેલીના રોહીસામાં, કડીના શિયાપુરામાં, બનાસકાંઠાના મોરખીમાં, ઈડરના કાસબો ગઢામાં તેમજ ચુડાના ભાણેજડામાં 1-1 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. રોહીસામાં સગીરનું તો કાસબો ગઢામાં એક મહિલાનું મોત નિપજ્યું છે. જ્યારે વીજળી પડવાના કારણે બારડોલીના મઢીમાં 8 મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ છે, જ્યારે સમી હરીપુરામાં 4, ગીર ધાવામાં 1 વ્યક્તિને ઈજા થઈ છે. જ્યારે સોમનાથમાં મંડપ ધરાશાયી થતાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ખેડૂતોના પાકને નુકસાન
રાજ્યમાં ચારેકોર કમોસમી માવઠુ પડી રહ્યું છે. ઘણા જિલ્લાઓમાં ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે, જેના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. જો જૂનાગઢમાં સુરક્ષાને ધ્યાને રાખી ગિરનાર રોપ-વે બંધ કરી દેવાયો છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના નરોડા, મેમ્કો, બોપલ, સરખેજ, ઈસ્કોન, એસજી રોડ, બોડકદેવ, વસ્ત્રાપુર, નારાણપુરા, ઘાટલોડિયા, શાસ્ત્રીનગર, નારોલ, નવરંગપુરા સહિતના વિસ્તારોમાં સવારે વરસાદ પડ્યા બાદ હજુ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ છે.
માવઠાને લીધે અનેક જગ્યાએ વીજ સપ્લાય ઠપ
હવામાન વિભાગે જણાવ્યું હતું કે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારત તરફ આગળ ધપી રહ્યું છે. આ સિસ્ટમ ગુજરાત સહિત અરબ સાગર તથા મહારાષ્ટ્ર સહિત અન્ય કેટલાક વિસ્તારોને આવરી લેશે. હાલમાં અમરેલીના ધારી અને જાફરાબાદના ગ્રામીણ વિસ્તારોમાં વહેલી સવારે કમોસમી વરસાદ નોંધાયો હતો. જેના લીધે ખેડૂતોની ચિંતા વધી ગઇ હતી. જ્યારે કચ્છના ભુજ તથા નખત્રાણા તાલુકામાં માવઠું પડ્યું હતું. મોડી રાતે આ માવઠાને લીધે અનેક જગ્યાએ વીજ સપ્લાય ઠપ થઈ ગયો હતો.