ગુજરાતમાં ભારે વરસાદને પગલે કેન્દ્ર સરકાર સતર્ક, ઝડપી રાહત-બચાવ કાર્ય માટે આ છ જિલ્લામાં મોકલી આર્મી
Gujarat Rain : ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યા છે, જેના કારણે રાજ્યના અનેક જિલ્લાઓ અને શહેરોમાં પૂર અને જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહ્યા છે. ત્યારે હવે કેન્દ્ર સરકારે પણ ગુજરાતના વરસાદમાં રાહત-બચાવ કામગીરી પુરજોશમાં કરાવવા માટે મોટો નિર્ણય લીધો છે. ગુજરાતમાં ભારે વરસાદની આપત્તિમાં રાહત-બચાવ તેમજ આપત્તિ વ્યવસ્થાપન માટે કેન્દ્ર સરકારે રાજ્યમાં આર્મીની 6 કોલમ ફાળવી છે. આ આર્મી કોલમ વરસાદથી વધુ પ્રભાવિત એવા દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટના જિલ્લા વહીવટી તંત્રને મદદરૂપ થવા માટે મોકલવામાં આવી છે.
વડોદરામાં ભયાનક સ્થિતિ, અનેક સોસાયટીઓ જળબંબાકાર
વડોદરાની વાત કરીએ તો અહીં પાદરા અને વડોદરા તાલુકામાં, પંચમહાલના ગોધરામાં અને મોરબીના વાંકાનેર તાલુકામાં 12 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. શહેરમાં વર્ષ 2019માં આવેલા 19 ઇંચ જેટલા ભારે વરસાદ અને પૂરમાં જેટલી ખરાબ સ્થિતિ સર્જાઈ હતી તેના કરતાં પણ વધારે ભયાનક સ્થિતિનું નિર્માણ આ વર્ષે માત્ર 12 ઇંચ વરસાદમાં થયું છે. હરણી વિસ્તારમાં મોટનાથ મહાદેવની આસપાસની સેંકડો સોસાયટીઓ અને એપાર્ટમેન્ટો વિશ્વામિત્રી નદીની સપાટી વધ્યા બાદ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મોટનાથ મહાદેવની આસપાસ આવેલી સોસાયટીઓ અને એપાર્ટમેન્ટોના લોકોના વાહનો પણ પાણીમાં ડૂબી ગયા છે. પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતાં તેના બિહામણા દ્રશ્યો પણ વાયરલ વિડિયોમાં સામે આવી રહ્યા છે.
મગરો શહેરમાં ઘૂસ્યા, મોંઘીદાટ ગાડીઓ પૂરની ચપેટમાં, વડોદરાના તમામ બ્રિજ બંધ
વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગરોનો વસવાટ છે. જ્યારે પણ ભારે વરસાદના લીધે નદીના પાણી શહેરમાં ઘૂસે છે. ત્યારે મગરો શહેરના માર્ગો પર જોવા મળે છે. હાલમાં મગરોની વચ્ચે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેક્સ્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.
કેટલાક લોકોએ પોતાની મોંઘીદાટ ગાડીઓને બચાવવા માટે રસ્તા પર મૂકી હતી પણ ત્યાં પણ પૂરના પાણી ફરી વળ્યા છે. આ વિસ્તારમાંથી રેસ્ક્યુ માટે પણ સંખ્યાબંધ કોલ ફાયર બ્રિગેડ તેમજ એન.ડી.આર.એફ.ને મળ્યા છે. એક સ્થાનિક રહેવાસીએ કહ્યું હતું કે, આ વિસ્તારમાં પાણીનુ વહેણ એટલું બધું છે કે, શક્તિશાળી બોટ સિવાય એન.ડી.આર.એફ. કે ફાયર બ્રિગેડના જવાનો પણ રેસ્ક્યુ કરી શકે તેમ નથી.
વડોદરા શહેરમાં ગત 24 કલાકમાં વરસેલા વરસાદના લીધે શહેર જળમગ્ન બની ગયું છે. વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી રહી છે, જ્યારે વિશ્વામિત્રી નદીનું જળસ્તર 35 ફૂટની આસપાસ પહોંચી જતાં શહેરના 10 બ્રિજ બંધ કરી દેવામાં આવ્યા છે. જેમાં વિશ્વામિત્રી બ્રિજ, અકોટા દાંડિયા બજાર બ્રિજ, સમા સાવલી બ્રિજ, સમા હરણી બ્રિજ, મંગલ પાંડે બ્રિજ, અટલાદરા માંજલપુર બ્રિજ, મુજ મોહુડા બ્રિજ સહિતના બ્રિજ બંધ કરવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડ અને બચાવ ટુકડીઓ બચાવની કામગીરી શરૂ કરી દીધી છે. અત્યાર સુધીમાં 3500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
રાજકોટમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ
રાજકોટમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અહીં શનિવારે મોડી રાત્રીના 3 વાગ્યાથી મંગળવારની સવાર સુધી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે રાજકોટની જીવાદોરી સમાન આજીડેમ 67 વર્ષમાં 20મી વખત ઓવરફ્લો થયો છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં સતત 10 ઇંચ વરસાદને પગલે ઠેર ઠેર કેડ સમા પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પણ પાણીમાં ડૂબી ગયા છે. નોકરિયાત લોકો અને ધંધાર્થીઓ માટે તેમના ગંતવ્ય સ્થળ સુધી પહોંચવું પણ મુશ્કેલ થઈ ગયું છે. આખી રાત ધોધમાર વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અવિરત વરસાદને પગલે અંડર પાસ પણ બંધ કરી દેવામાં આવતા અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. બીઆરટીએસ સેવા પણ ઠપ થઈ ગઈ છે. ઉપલેટાના મોજીરા પાસે આવેલ મોજ ડેમ ઓવરફ્લો થઈ ગયાની માહિતી મળી રહી છે. શહેરનો મહિલા અંડર પાસ પાણીમાં ગરકાવ થતા બંધ કરવાની ફરજ પડી હતી.
દેવભૂમિ દ્વારકા: ભાણવડ તાલુકાના વર્તુ-2 ડેમના 10 દરવાજા ખોલાયા, 14 ગામને એલર્ટ કરાયા
ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં અવિરત વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે, અનેક ડેમો છલકાયા છે, અનેક સોસાયટીઓ જળબંબાકાર થઈ છે, ત્યારે આવી સ્થિતિ દેવભૂમિ દ્વારકામાં પણ જોવા મળી રહી છે. વરસાદની ગંભીર સ્થિતિને ધ્યાને રાખી તંત્ર દ્વારા જિલ્લામાં તેમજ પોરબંદર જિલ્લાના 14 ગામોના લોકોને નદીના પટમાં ન જવા એલર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ત્રણ રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્.યા છે. દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકામાં ભેનકવડ ગામ પાસેના વર્તુ -2 ડેમમાં ઉપવાસમાં પાણીની આવક ચાલુ રહેતા ડેમના 10 દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલાયા છે. દેવભૂમિ દ્વારકા માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ૩ રસ્તાઓ હાલ બંધ છે. માર્ગ અને મકાન વિભાગના અહેવાલ પ્રમાણે ઓવર ટોપિંગ થવાના કારણે ખંભાળિયા તાલુકાના સલાયા ગોઇંજ રેકલેમેસન રોડ, બેહ બારા રોડ તેમજ ભાણવડ તાલુકાના ભવનેશ્વર ઝારેરા રોડ બંધ છે. જિલ્લામાં આજે સવારના 6.00 થી 12.00 વાગ્યા સુધીમાં કલ્યાણપુરમાં પાંચ ઈંચ, ખંભાળિયામાં ચાર ઈંચ, દ્વારકામાં પોણા ચાર ઈંચ, ભાણવડમાં સવા ત્રણ ઈંચ વરસાદ પડી ગયો છે.