પોલીસ હવે દારૂની ખેપમાં વપરાતી ગાડીઓનો હરાજી કરશે: ગુજરાત વિધાનસભાએ બહુમતીથી પસાર કર્યું સુધારા વિધેયક
Gujarat Police Will Auction Vehicles Used In Liquor Case: ગુજરાતમાં નશાબંધીના કાયદાનો અમલ કરવામાં આવ્યા પછી રાજ્યમાં અવારનવાર દારૂની ખેપમાં વપરાતા વાહનોના નિકાલ માટે હવે રાજ્ય સરકારે મુખ્ય અધિનિયમમાં સુધારો કરીને 'સુધારા વિધેયક' પસાર કર્યું છે. જેમાં હવે ખેપના વાહનોનો નિકાલ કોર્ટના અંતિમ નિર્ણય પહેલાં અને કોર્ટની પરવાનગી સાથે કરી શકાશે.
બુટલગેરો હવે દારૂની તસ્કરીમાં ટૅક્નોલૉજીનો ઉપયોગ કરી રહ્યા છે
ગુજરાત વિધાનસભામાં ગુજરાત નશાબંધી સુધારા વિધેયક રજૂ કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, 'રાજ્યમાં બુટલગેરો હવે દારૂની તસ્કરીમાં ટૅક્નોલૉજીનો ઉપયોગ કરી રહ્યા છે અને દારૂના ધંધા કરીને સમૃદ્ધ થઈ રહ્યા છે. જેથી દારૂની હેરાફેરીમાં વપરાતાં વાહનોને હવે સરકાર હરાજી કરીને સમાજના સારા કામો માટે ઉપયોગ કરવામાં આવશે.'
બે વર્ષમાં રાજ્યના વિવિધ પોલીસ 22442 વાહનો ભેગા થયા
તેમણે ગૃહમાં જણાવ્યું હતું કે, 'લોકતંત્રમાં ન્યાયિક પ્રક્રિયામાં ખામી શોધીને આરોપીઓ ગાડીઓ છોડાવી લે છે. આ દરમિયાન, છેલ્લા બે વર્ષમાં રાજ્યના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં 22442 જેટલાં વાહનો ભેગા થઈ ગયા છે. આ વાહનો પોલીસ સ્ટેશનની બહાર મૂકી દેવામાં આવતા ગંદકી ઊભી થાય છે અને વાહનોને કાટ લાગી જવાથી ખરાબ થઈ જાય અને છેલ્લે આરોપીની નહિ પરંતુ રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન થાય છે. જેથી આવા ગુનામાં પકડાયેલા વાહનોની હરાજી કરીને તેની રકમનો ઉપયોગ સમાજ અને મધ્યમ વર્ગના ઉત્થાનના કામ કરવા માટે ઉપયોગ કરવામાં આવશે. કોઈ કેસમાં જો આરોપી સુપ્રીમ કોર્ટમાં કેસ જીતી જશે તો તેને તેના વાહનની હરાજીની કિંમત સાથે દર વર્ષે 5 ટકાના દરે રકમ ચૂકવવામાં આવશે, જેથી તેની જોડે પણ અન્યાય ન થાય.'
આ પણ વાંચો : 'વિકાસ થયો ધડામ': સુરતમાં મેટ્રોની ક્રેન ઘર પર પડી, તંત્રએ કહ્યું- ખબર નહીં કઈ રીતે થયું, તપાસ કરીશું
વિધેયકને લઈને AAP ધારાસભ્યએ શું કહ્યું?
ગૃહ રાજ્યમંત્રીએ ગૃહના સભ્યોને આ વિધેયકને સર્વ સંમતિથી પસાર કરવાની વાત કરી હતી, ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ જણાવ્યું હતું કે, 'રાજ્ય સરકાર દ્વારા અવાર-નવાર સુધારો કરવામાં આવે છે. જે રીતે ગુજરાતમાં દારૂ પીવાની પરમીટ આપવામાં આવે છે અને તેની આવક જરૂરી છે, તો સામન્ય માણસને કોઈ દિવસ મેડિકલ ગ્રાઉન્ડ પર પરમીટ મળશે જ નહિ. ઝોમેટોની જેમ દારૂની ઘેર ડિલિવરી થાય છે. જ્યારે બીજી તરફ, 6-7 જિલ્લાની બોર્ડર ક્રોસ કરીને જામનગરમાં દારૂ આવે છે, ત્યારે કેવી રીતે દારૂ આવી રહ્યો છે તેને લઈને ચર્ચા થવી જોઈએ. 2004થી 2014ની અંદરમાં 10 કરોડ યુનિટ અને 2014થી 2022 દરમિયાન 22 કરોડ યુનિટ ડ્રગ્સ પકડાયું છે, જે ચિંતાનો વિષય છે. શા માટે ગુજરાતમાંથી ડ્રગ્સ પકડાયું છે? ગુજરાતનો દરિયા કિનારો સલામત હોય તો આટલું બધું ડ્રગ્સ કેમ પકડાય છે? ડ્રગ્સ કોઈ દિવસ નાની હોડીમાં વિદેશથી ના આવે, કોઈ મોટી સ્ટીમરમાં જ આવે છે, ત્યારે નાની-નાની માછલીઓને પકડી તપાસ રફેદફે કરવામાં આવે છે.
300 જેટલી લકઝુરીયસ કાર જપ્ત થયેલી પડી
ગૃહ રાજ્યમંત્રીના જણાવ્યા પ્રમાણે, 'વર્તમાન સ્થિતિમાં ગુજરાતમાં વિવિધ પોલીસ સ્ટેશનમાં નશાબંધીના ગુનાઓમાં 300 જેટલી લકઝુરીયસ કાર જપ્ત થયેલી પડી છે.'