ગુજરાતમાં પોલીસ ભરતી 'પંચવર્ષીય યોજના બની'! 2022ની જાહેરાત અને છેક 2026માં પ્રક્રિયા પૂર્ણ થશે?
Police Recruitment : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022 પહેલા પોલીસમાં ભરતી કરવાની જાહેરાત થઈ હતી જેની ભરતી લોકસભા ચૂંટણી પહેલા બહાર પાડવામાં આવી. હવે ઉમેદવાર પરીક્ષા પાસ કરીને નોકરી પર લાગશે ત્યાં પાંચ વર્ષ થઈ જશે. લોક સરકારના ગૃહ રાજ્ય મંત્રીએ વર્ષ 2022માં જાહેર મંચ પરથી જાહેરાત કરી હતી કે, રાજ્યના પોલીસ વિભાગમાં 12,000 જેટલી ભરતી કરવામાં આવશે. આ જ ભરતી વર્ષ 2022, 2023, 2024થી લઈ હવે છેક વર્ષ 2025માં પૂરી થશે એટલે કે એક ભરતી ચાર વર્ષ સુધી અને પછી પોલીસની ટ્રેનિંગ અને નોકરીમાં હાજર થતાં વર્ષ 2026 આવી જશે એટલે ભરતી પંચવર્ષીય યોજનાની જેમ પાંચ વર્ષ ચાલશે. સરકારની યુવાનોને રોજગારી આપવાના બહાને ‘તારીખ પે તારીખ’ જેવી સ્થિતિનું નિર્માણ ગુજરાતમાં થયું છે.
વર્ષ 2022માં કરવામાં આવેલી જાહેરાતના સમયથી રાજ્યભરમાં ઉત્સાહપૂર્વક તૈયારી કરતાં વિધાર્થીઓ ગાંધીનગર, સુરત, રાજકોટ ચાલતા કોચિંગમાં જોઇન થઈ ગયા હતા. સરકારના કોઈ નક્કર આયોજનનો અભાવ અને સરકારની મક્કમતા ઓછી હોવાને કારણે ભરતી વર્ષ 2022માં જાહેરમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, અમે આ વર્ષે પોલીસ વિભાગમાં મોટાપાયે ભરતી કરીશું. 2022માં વિધાનસભાનું ચૂંટણી હતી એટલે સરકાર દ્વારા એ સમયે આ કમિટમેન્ટ આપવામાં આવ્યું હતું. જેથી યુવાનો યુવતીઓએ આ સરકારની જાહેરાતના પગલે તૈયારી ચાલુ કરી, કોચિંગ ક્લાસ ચાલુ કર્યા.
ઉમેદવારોની વારંવાર રજૂઆત બાદ સરકારી જાગી, લોકસભા પહેલા ભરતી બહાર પાડી
આ પછી વર્ષ 2023ની વર્ષ ભરતી બોર્ડ બનાવવા નામે, આર આર બનાવવાના નામે પૂરું કરવામાં આવ્યું. પછી વર્ષ 2024ની લોકસભા ચૂંટણીની અગાઉ ઉમેદવારો દ્વારા વારંવાર રજૂઆત અને સોશિયલ મીડિયામાં સરકારને સીધા સવાલ પૂછવાનો જુવાળ ફાટી નીકળ્યો અને સરકારે જાહેરાત બહાર પાડી ભરતી માટે અરજીઓ મંગાવી. વર્ષ 2022, 2023 રાહ જોવામાં નીકળી ગયા અને લોકસભા ચૂંટણી જાહેર થાય એ પહેલા સરકાર હુંફાળી જાગી અને ભરતીની જાહેરાત 12 મી માર્ચે 2024ના રોજ કરી જેમાં 12,472 જગ્યાની પોલીસ સંવર્ગની ભરતી બહાર પાડવામાં આવી.
નવા ઉમેદવારોને મળશે તક, તો જૂના ઉમેદવારોએ કર્યો વિરોધ
હવે ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ દ્વારા ફરી એક (X) ટ્વિટ કરવામાં આવ્યું છે. જેમાં તેમણે લખ્યું કે- ‘ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં લોકરક્ષક તથા પીએસઆઇ બંનેની અરજી ફરી માગવામાં આવશે. જેથી શૈક્ષણિક લાયકાત ઉંમર વગેરે કોઈપણ કારણોસર અરજી ન કરી શકે ઉમેદવાર તે વખતે લાયક હશે તો અરજી કરી શકશે.' આ ટ્વિટમાં ઉમેદવારો દ્વારા રિટ્વિટ કરવામાં આવ્યું. જેમાં એક ઉમેદવાર બ્રિજેશ મિશ્રાએ રોષ ઠાલવ્યો કે, '12,000 જેટલી પોસ્ટ માટે 15 લાખ અરજી આવી ગઈ છે. હવે જૂના જે તૈયારી કરી રહ્યા છે એમને મોકો આપો. જૂના છોકરાઓને દર વખતે નવેસરથી તૈયારી કરવી પડે છે, હવે કોઈ નવાને એડ ના કરો.' અન્ય એક બિપિનકુમાર બારિયા નામના ઉમેદવારે લખ્યું કે, 'લગભગ 5 વર્ષ થાય ભરતી પ્રક્રિયા પૂર્ણ થતાં મારે ખાલી 2 દિવસ વધી જાય છે. તો સાહેબ શ્રીને નમ્ર વિનંતી કે માર્ચથી અને રનિંગ વર્ષની પણ પોલીસ કોન્સ્ટેબલ માટે ઉંમરની ગણતરી લેવામાં આવે.' જણાવી દઈએ કે, સબ ઈન્સ્પેક્ટરના પદ માટે ઉમેદવાર પાસે સ્નાતકની ડિગ્રી હોવી જોઇએ. તો લોકરક્ષક કેડરની નોકરી માટે ધોરણ 12 પાસ હોવું જરૂરી છે.
ગાંધીનગરનું સેક્ટર 6 બન્યું નાનું મુખર્જી નગર
ગાંધીનગરમાં અલગ અલગ પ્રકારની સરકારી ભરતીઓ માટેના કોચિંગ ક્લાસ ચાલે છે જેમાં સેક્ટર 6 મુખ્ય કેન્દ્ર છે. રાજ્યભરમાંથી યુવાનો-યુવતીઓ વિવિધ સરકારી પરીક્ષાની તૈયારી કરવા અને કોચિંગ ક્લાસમાં આવે છે, લાયબ્રેરીમાં મેમ્બર બની રીડિંગ કરે છે અને ગાંધીનગરમાં વિવિધ જગ્યાએ ચાલતા પીજી અને ભાડાના મકાનમાં રહે છે. જ્યારે જમવા-રહેવાની વ્યવસ્થા માટે ઓછામાં ઓછા 7,000 રૂપિયા વ્યક્તિએ ભરવા પડે છે અને તેમાં જો સુવિધામાં વધારો જોઈએ તો વધુ પૈસા ચૂકવવા પડે.
કોચિંગ ફી 30,000 થી 40,000 રૂપિયા
ગાંધીનગરમાં પોલીસ-પી.એસ.આઈ.ની તૈયારી માટેના કોચિંગ ક્લાસ 30 જેટલા છે, જેમાં ફી 30,000થી 40,000 રૂપિયા સુધીની છે. જે વધુમાં વધુ 3 મહિનાનું કોચિંગ આપે છે. ગાંધીનગરમાં 2 સરકારી અને 28 જેટલી ખાનગી લાયબ્રેરીઓ આવેલી છે, જેમાં સરકારીમાં 1000 જેટલું સિટિંગ અને ખાનગીમાં એવરેજ 100 વાચકોનું સિટિંગ આવેલ છે. જેમાં લગભગ 1200 રૂપિયા જેટલી ફી વસૂલ કરવામાં આવે છે.
'પહેલા ઘરે ઓર્ડર આવતો, હવે સરકાર પ્રચાર માટે નિમણુંક પત્રોના કાર્યક્રમ કરે છે'
એક સિનિયર પોલીસ અધિકારીએ કહ્યું કે, 'પહેલા જ્યારે અમે ભરતી થયા એ સમયે અમારા ઘરે પોસ્ટથી નિમણૂંક પત્ર આવી જતાં. હવે સરકાર સરકારી ભરતીમાં પોતાની મહેનતે પસંદગી પામેલા ઉમેદવારોને જાહેર કાર્યક્રમ રાખીને નિમણૂંક પત્રો આપે છે.
પોલીસ ભરતીમાં આ રીતે કરી શકશો અરજી, ક્લિક કરીને જાણો પ્રક્રિયા