Get The App

હવે અકસ્માત-ટ્રાફિક જામ પર લેવાશે તાત્કાલિક પગલાં, ગુજરાત પોલીસે શરૂ કરી આ ચાર નવી સુવિધા

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
Gujarat Police Helpline Number, Website, Email ID, Application


Gujarat Police Helpline Number : અમદાવાદ સહિત ગુજરાતભરના અનેક રસ્તાઓ પર અવાર-નવાર ટ્રાફિક જામ (Traffic Jam)ની સ્થિતિ જોવા મળે છે, તો કેટલાક માર્ગ અકસ્માતો (Road Accident)ના પણ અહેવાલો સામે આવતા રહે છે, ત્યારે હવે રાજ્યમાં માર્ગ અકસ્માત અને ટ્રાફિક જામની સ્થિતિ નિવારવા ગુજરાત પોલીસે હેલ્પલાઈન નંબર 18002331122 જાહેર કર્યો છે. આ નંબર પર રાજ્યના કોઈપણ ખૂણામાં થયેલા માર્ગ અકસ્માતની ઘટના, ટ્રાફિક જામની સમસ્યા અથવા ટ્રાફિક અંગેની કોઈપણ સમસ્યાની સૂચના આપી શકાશે. કૉલ આવ્યા બાદ સંબંધીત ક્ષેત્રના પોલીસ અધિકારીઓને સૂચના આપી તાત્કાલીક સમસ્યાનું નિવારણ લવાશે.

ગુજરાત પોલીસે જાહેર જનતા માટે ત્રણ સુવિધા પણ શરૂ કરી

ગુજરાત પોલીસે જાહેર જનતા માટે ટ્રાફિક સંબંધીત હેલ્પલાઈન ઉપરાંત અન્ય ત્રણ સુવિધા પણ શરૂ કરી છે. આમાં વેબસાઈટ, ઈ-મેઈલ આઈડી અને સ્માર્ટફોનનો ઉપયોગ કરનારાઓ માટે એક વિશેષ એપ્લીકેશન સેવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. હેલ્પલાઈન નંબર પર કૉલ આવતા જ સમસ્યાનું સમાધાન કરવા માટે જે-તે સંબંધિત પોલીસ અધિકારીને તાત્કાલીક કાર્યવાહી કરવાના નિર્દેશ અપાશે.

એપ્લીકેશનમાં સિટીઝન ફર્સ્ટની સુવિધા

કોઈપણ વ્યક્તિ ટ્રાફિક જામ અથવા માર્ગ અકસ્માતની ફરિયાદ એપ્લિકેશન મારફતે કરી શકશે. આ માટે એપ્લિકેશનમાં સિટીજન ફર્સ્ટની એક વિશેષ સુવિધા જોડવામાં આવી છે. કોઈપણ વ્યક્તિ મોબાઈલથી ફોટો ખેંચી એપ્લિકેશન દ્વારા પોલીસને સમસ્યા જણાવી શકે છે. આ સમસ્યા સામે આવ્યા બાદ પોલીસ લોકેશનના આધારે રિયલ ટાઈમ મોનિટરિંગ કરી સમસ્યાનું નિવારણ લાવશે.

વેબસાઈટ અને ઈ-મેલ પર પણ ફરિયાદની સુવિધા

આ ઉપરાંત રાજ્યના કોઈપણ ખૂણામાં માર્ગ અકસ્માત અથવા ટ્રાફિક જામ સંબંધીત પરેશાની થાય તો, કોઈપણ વ્યક્તિ તે સ્થળનો ફોટો ખેંચીને વેબસાઈટ 'https://gujhome.gujarat.gov.in/portal' પર અપલોડ કરી શકે છે. સમસ્યા કયા સ્થળે થઈ રહી છે, તેની માહિતી આપી શકે છે. ગુજરાત પોલીસ દ્વારા ઈ-મેઈલની પણ સુવિધા અપાઈ છે, જેમાં આવી સમસ્યા ઈ-મેઈલ આઈડી 'trafficgrievance@gujarat.gov.in' પર પણ મેઈલ કરી શકાશે.

આમ ગુજરાત પોલીસે રાજ્યના નાગરિકોની સમસ્યા નિવારવા માટે હેલ્પલાઈન નંબર સહિત એપ્લિકેશન, વેબસાઈટ અને ઈ-મેઈલ આઈડી સુવિધા કાર્યરત કરવામાં આવી છે, જેમાં કોઈપણ વ્યક્તિ આ ચારેય સુવિધા દ્વારા માર્ગ અકસ્માત તેમજ ટ્રાફિક સમસ્યા સંબંધિત ફરિયાદ કરી શકશે.


Google NewsGoogle News