પાવાગઢ: મહાકાળી મંદિરમાં ચોરી કરનાર ઝડપાયો, 78 લાખના આભૂષણ ચોરી કરી ટ્રકમાં છૂપાવ્યા હતા
Pavagadh Temple : વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ પાવાગઢના મહાકાળી મંદિરમાં માતાજીના આભૂષણોની ચોરી થઈ હતી. જે તે સમયે ચોરીની આશંકા જતાવાઈ હતી. કારણ કે, મંદિરમાં સામાન વેરવિખેર પડ્યો હતો. આ મામલે પાવાગઢ પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસને અંતે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.
માતાજીના આભૂષણોની ચોરી
પાવાગઢના મહાકાળી મંદિરમાંથી છ હાર અને અન્ય ધાતુના બે મુગટ ચોરી થયા હોવાની પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઈને જિલ્લા LCB, SOG સહિત અન્ય પોલીસ મથકોની અલગ અલગ છથી સાત ટીમો બનાવીને સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી.
ચોરી કરેલો સામાન એક ટ્રકમાં સંતાડ્યો
પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ ઈન્ટેલિજન્સીની મદદથી વિદુર ચંદ્રસિંહ વસાવાની ધરપકડ કરવામાં આવી. જે મુળ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના નસરપુરનો વતની છે. તેની પાસેથી 78 લાખની રકમના સોનાના છ હાર અને સોનાના ઢાળ ચડાવેલા બે મુગુટ પણ જપ્ત કરાયા છે. આરોપીએ ચોરી કરેલો સામાન એક ટ્રકમાં સંતાડ્યો હતો તેવો ખુલાસો થયો છે. પોલીસ પુછપરછમાં આરોપીએ દાવો કર્યો છે કે તેણે પહેવાર જ ચોરી કરી છે.
આ પણ વાંચો : રાજ્યના અનેક માર્કેટ યાર્ડ આજથી થયા ધમધમતા, વેપારીઓ-ખેડૂતોએ કર્યું લાભ પાંચમનું મુહૂર્ત
આ તમામ મુદ્દે સવાલ એ થાય છે કે, મંદિરમાં ભારે સુરક્ષા વ્યવસ્થા છે. સીસીટીવી કેમેરા અને પોલીસનો બંદોબસ્ત હોવા છતાં ચોર મંદિરમાં પ્રવેશ્યો કેવી રીતે? અને ચોરીને અંજામ આપી ભાગવામાં પણ સફળ કેવી રીતે થયો? આ સમગ્ર ઘટના મંદિરની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલ ઉભા કરે છે.