નર્સિંગની પરીક્ષામાં છબરડાને લઈને આરોગ્ય મંત્રીએ બોલાવી બેઠક, વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા આશ્વાસન
Nursing Exam Blunder: ગુજરાતમાં છાશવારે પરીક્ષાના પેપર ફૂટવાથી લઈને પરીક્ષામાં થતાં ગોટાળાને લઈને પ્રશ્ન થતાં રહે છે. ત્યારે હવે ફરીથી નર્સિંગની પરીક્ષામાં પણ ગોટાળો સામે આવ્યો છે, જેને લઈને રાજ્યભરમાં વિવાદ થઈ રહ્યો છે. નર્સિંગ પરીક્ષાની આન્સર કીમાં એબીસીડી પ્રમાણે જવાબ ગોઠવાયા હતાં. લોકોનો આરોપ છે કે, ચોક્કસ લોકોને ફાયદો પહોંચાડવા માટે આ પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરિણામે ગુજરાત ટેક્નિકલ યુનિર્સિટી અને રાજ્ય આરોગ્ય વિભાગ શંકાના ઘેરામાં મૂકાયું છે. આ દરમિયાન જીટીયુએ આ સમગ્ર મામલે રાજ્ય આરોગ્ય વિભાગને એક રિપોર્ટ સુપરત કર્યો છે. આ મુદ્દે ગુરૂવારે (13 ફેબ્રુઆરી) આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં બેઠક કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાની વાત કરવામાં આવી છે.
આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક
નર્સિંગ પરીક્ષામાં છબરડાને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક બોલાવવામાં આવી હતી. લગભગ 2 થી 3 કલાક આ બેઠક ચાલી હતી, જેમાં સમગ્ર મુદ્દે GTU ના રજિસ્ટ્રાર અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી. આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓમાં તૃપ્તિ દેસાઈ અને આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ આ બેઠકમાં હાજર રહ્યાં હતાં. હાલ આ બેઠક પૂર્ણ થઈ ચુકી છે અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાશે તેવી વાત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ નર્સિંગની પરીક્ષા માન્ય રાખવી કે નહીં? GTU ને સોંપાયો રિપોર્ટ, ટૂંક સમયમાં લેવાશે નિર્ણય
વિદ્યાર્થીઓને અપાયું આશ્વાસન
સમગ્ર મુદ્દે આરોગ્ય કમિશનરે જણાવ્યું કે, GTU ના વાઇસ ચાન્સલર્સ અને અમે તમામ બાબતોને ધ્યાનમાં લઈને બ્રિફિંગ કરવામાં આવ્યું છે. આગળ તમામ બાબતોને ધ્યાનમાં લઈને સરકાર સક્ષમતા પૂર્વક નિર્ણય લેશે. આ સિવાય વિદ્યાર્થીઓને આશ્વાસન આપવામાં આવ્યું કે, નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં જ લેવાશે.
આ પણ વાંચોઃ નારાયણ સ્કૂલના ટ્રસ્ટીઓ સામે વાલીઓ-બાળકોના દેખાવો, દીવાલ પડયા સ્કૂલને સીલ મરાયું છે
53 હજાર પરીક્ષાર્થીઓએ આપી હતી પરીક્ષા
1903 સ્ટાફ નર્સની જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, ત્યારે સ્ટાફ નર્સની પરીક્ષા સામે સવાલો ઉઠ્યાં છે. આરોગ્ય વિભાગે ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીને પરીક્ષાની જવાબદારી સોંપી હતી. પરંતુ, અલગ-અલગ પ્રકારના પેપરના જવાબમાં આન્સર-કી માં એબીસીડી ક્રમમાં સાચા જવાબ લખાયા હતાં. જેથી પરીક્ષામાં કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સામાન્ય રીતે આન્સર કીમાં વિકલ્પરૂપી જવાબ ક્રમબદ્ધ નથી હોતા જેના કારણે આ મામલે વિવાદ થઈ રહ્યો છે.