ગુજરાતમાં વધુ એક લેટરકાંડ: ભાવનગરમાં 40 કરોડના ભ્રષ્ટાચારના આરોપ સાથેનો પત્ર વાઈરલ
Gujarat News : ગુજરાતમાં અમરેલી બાદ ભાવનાગરમાંથી ભાજપનો લેટરકાંડ આવ્યો સામે. સિહોર જિલ્લા ભાજપના કાર્યકર્તાઓએ કરોડોનો ભ્રષ્ટાચાર કરતાં ત્રણ પરિવારોના ઉલ્લેખ સાથે આ લેટર લખવામાં આવ્યો છે. ભાવનગર જિલ્લાના સિહોરમાં નગરપાલિકાની ચૂંટણીના રિઝલ્ટ બાદ એક લેટર વાઇરલ થયો છે. આ લેટર સિહોરના ભાજપના કાર્યકર્તાઓએ લખ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં 40 કરોડનો ભ્રષ્ટાચાર કરનાર ત્રણ પરિવારોથી સિહોરને બચાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ લેટર સી.આર.પાટીલ, રત્નાકરજી, આર.સી.મકવાણા અને મુકેશભાઇ લંગાળીયાના નામે પત્ર લખવામાં આવ્યો છે.
લેટરમાં શું ઉલ્લેખ કર્યો હતો?
કાર્યકર્તાઓ પત્રમાં લખાયું છે કે, ‘ત્રણ પરિવારમાં નકુમ પરિવાર કારડીયા રાજપુત માનસંગભાઈ દાનસંગભાઈ નકુમ, બીજો પરિવાર મકવાણા પરિવાર તળપદા કોળી નટુભાઈ ઘનશ્યામભાઈ મકવાણા(રાધે પેંડા વાળા), ત્રીજો પરિવાર રાઠોડ પરિવાર ચતુરભાઈ જસમતભાઈ રાઠોડ, તળપદા કોળી આ ત્રણ પરિવાર છેલ્લા 30 વર્ષથી સતત નગરપાલિકાનું સંચાલન કર્યું છે. આ ત્રણ પરિવારના સભ્યો જ પ્રમુખ, ઉપપ્રમુખ અથવા કારોબારી ચેરમેન પૈકીનાં હોદ્દા પર રહેતા હોવાથી નગરપાલિકાનું સંચાલન આ ત્રણ પરિવારમાંથી જ થતો હોય અને ભ્રષ્ટાચાર કરેલો હોય છે. જેમાં 40 કરોડની ગટર યોજના, 30 કરોડ પીવાના પાણીની યોજના, રોજમદારની રોજની હાજરી આ તમામ ભ્રષ્ટાચારનું કારણ આ ત્રણ પરિવાર છે. નગરપાલિકા સરખી ચલાવવા ભાજપનો રીપીટ થીઅરી લાવ્યું હતું. પરંતુ આ નગર પાલિકામાં માનસંગને બદલે ધીરુ, નટુના બદલે ઉમેશ અને ચતુરના બદલે મહેશ આ લોકો વારાફરતી ચૂંટણી લડતા હતા.’
આ પણ વાંચો : મકરબા અંડરબ્રિજમાં ટ્રાફિક સમસ્યા બની માથાનો દુ:ખાવો, રોડનું અણઘડ પ્લાનિંગ જવાબદાર
10 કાર્યકર્તાઓએ મળી લખ્યો પત્ર
કાર્યકર્તાઓએ પત્રમાં આક્ષેપ કર્યો છે કે, ‘સિહોર નગરમાં ત્રણ પરિવાર છેલ્લા 30 વર્ષથી નગરપાલિકાને લૂંટવા જનમ્યા હોય તેવા ત્રણ પરિવારથી આખું નગર ત્રાહિમામ છે. પરંતુ ત્રણ પરિવાર માથાભારે અને ભાજ૫ના બળથી પાપ કરે છે અને લોકો મૂંગા મોઢે સહન કરે છે. જોકે શિહોર નગરના લોકો પણ બિચારા માયકાંગલા થઈ ગયેલા છે, પણ ભાજ૫ના આગેવાનોમાં થોડીક નિષ્ઠા, થોડીક પ્રમાણિકતા, થોડીક વિચારવાની શક્તિ, થોડીક સુજબૂજ, થોડીક હિંમત, થોડીક માખણ પટ્ટી ઓછી, કરીને નિર્ણય કરે તો પાપમાં ન પડે તેવું કરે તેવી અપેક્ષાથી 10 કાર્યકર્તા મળી આ પત્ર લખવાનું નક્કી કર્યું છે.
ભાજપ જિલ્લા પ્રમુખની પ્રતિક્રિયા આવી સામે
10 જેટલા અજાણ્યા કાર્યકરોએ મળીને લેટર લખ્યો હાવાનો ખુલાસો થતાં આ મામલે ભાજપ જિલ્લા પ્રમુખ આર.સી.મકવાણાની પ્રતિક્રિયા સામે આવી છે. આર.સી.મકવાણાએ કહ્યું કે, ‘ભાજપને બદનામ કરવાનું એક કાવતરૂ છે, નપામાં ભાજપને મોટો જનાદેશ મળ્યો છે’.
આ પણ વાંચો : રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક-રિક્ષા વચ્ચે ભયાનક અકસ્માત, પાંચ લોકોના કમકમાટીભર્યા મોત