અમદાવાદમાં નવરાત્રિમાં કેટલા વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડી શકાશે? ગરબા આયોજકો માટે ગાઇડલાઇન જાહેર
Ahmedabad Garba Night Guideline : અમદાવાદ સહિત ગુજરાતભરમાં નવારાત્રિની ધામધૂમથી તૈયારીઓ થવા લાગી છે. હાલ નવરાત્રિના શોખીન ખેલૈયાઓ પૂરા ઉત્સાહ સાથે રિહર્સલમાં વ્યસ્ત છે. ત્યારે ગરબા આયોજકો માટે મહત્ત્વપૂર્ણ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. આ મુજબ નવરાત્રિ દરમ્યાન રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
અમદાવાદ પોલીસ પણ ખેલૈયાઓની સુરક્ષાની તૈયારીઓમાં વ્યસ્ત
નવરાત્રિ દરમિયાન ગુજરાતભરના પંડાલોમાં નવ દિવસ સુધી ખેલૈયાઓ થનગનાટ મચાવવાના છે અને તેની તૈયારી અગાઉથી જ જોવા મળી રહી છે. શહેરના અનેક સ્થળોએ ગરબા ક્લબોમાં અગાઉથી રિહર્સલ કર્યા બાદ ખેલૈયાઓ નવ દિવસ થનગનાટ કરવા સજ્જ થઈ ગયા છે. અમદાવાદ પોલીસ પણ ખેલૈયાઓની સુરક્ષાની તૈયારીઓમાં વ્યસ્ત છે. પોલીસે મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક્શન પ્લાન તૈયાર કર્યો છે. પોલીસે જણાવ્યું હતું કે પાર્ટી પ્લોટ અને ગરબા મેદાનના પાર્કિંગ અને અંધારાવાળી જગ્યાએ ફરજિયાત લાઇટ લગાવવી પડશે. આ ઉપરાંત દુકાનોમાં CCTV લગાવવાના રહેશે.
મહિલાઓની સુરક્ષા માટે એક્શન પ્લાન તૈયાર
અમદાવાદ શહેર પોલીસે મહિલા સુરક્ષા માટે ફૂલપ્રૂફ એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે. નવરાત્રિમાં મહિલાઓ સાથે છેડતી ન થાય અને ગરબા રમવા જતી વખતે તેમને કોઈ ભય ન રહે તે માટે અમદાવાદ પોલીસે તૈયારીઓ શરુ કરી દીધી છે. જેમાં પાર્ટીપ્લોટ અને ગરબા ગ્રાઉન્ડના પાર્કિંગ અને આજુબાજુના ડાર્ક સ્પોટ પર ફરજિયાતપણે લાઇટો લગાવવાથી લઈને દુકાનો અને રેસ્ટોરન્ટ પર CCTV લગાવવાની સૂચના આપી દીધી છે. નવરાત્રિ દરમિયાન શી ટીમ (SHE TEAM) ટ્રેડિશનલ ડ્રેસમાં રોમિયોગીરી અને મહિલાઓની છેડતી કરનાર અસમાજિક તત્ત્વો પર ચાંપતી નજર રાખશે.
ફરજિયાત CCTV અને લાઇટ લગાવવી પડશે
અમદાવાદ પોલીસ શહેરના તમામ પાર્ટી પ્લોટ, શેરી ગરબા તેમજ અન્ય જગ્યા જ્યાં ગરબાનું આયોજન કરવામાં આવે છે, તેનું લિસ્ટ બનાવીને તમામ જગ્યાએ CCTV કેમેરા અને લાઇટો લગાવવા માટે ફરજ પાડી રહી છે. આ ઉપરાંત સ્થાનિક પોલીસની મદદથી ગરબા દરમિયાન ખાસ બંદોબસ્તનું આયોજન કરાશે. આ દરમિયાન જે પણ રોમિયોગીરી કરતાં ઝડપાશે તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
એન્ટી રોમિયો સ્ક્વોડ
નવરાત્રિના બંદોબસ્તને લઈને મહિલા પોલીસ સ્ટેશનના એસપી હિમાલા જોષીએ જણાવ્યું કે, ‘પાર્ટી પ્લોટ અને દુકાનો સિવાય સિગ્નલ, ચાર રસ્તા સહિત મુખ્ય માર્ગો અને અંદરના ગલીવાળા માર્ગ ઉપર પણ સીસીટીવીથી ચાંપતી નજર રાખવામાંઆવશે. આ ઉપરાંત એન્ટી રોમિયો સ્ક્વોડની પણ રચના કરવામાં આવશે, જે પોલીસ વાન અને પોલીસ ડ્રેસ સિવાય ટ્રેડિશનલ વેશભૂષામાં કોઈપણ વાહનમાં આવીને ગરબા સ્થળ પર ચાંપતી નજર રાખશે અને રોમિયોગીરી કરનારને દબોચીને યોગ્ય પગલાં લેશે.’