મોરબીમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન સરકારી મેડિકલ કોલેજમાં સ્લેબ તૂટ્યું, 5 મજૂરો ઈજાગ્રસ્ત
એક મજૂર કાટમાળ નીચે ફસાઈ જતાં તેને બચાવવા ઓપરેશન ચલાવાયું
Image : Screen Grab |
Morbi medical Collage news | મોરબીમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં એક નિર્માણાધીન મેડિકલ કોલેજની ઈમારતનો સ્લેબ ધસી પડ્યો હતો. આ દુર્ઘટનામાં પાંચ કર્મચારી ઘાયલ થયાની માહિતી મળી રહી છે. એક અધિકારીએ કહ્યું કે આ ઘટના ગઇકાલે મોડી રાતે બની હતી.
નવી ઈમારતમાં ધાબું ભરવાનું કામ ચાલતું હતું ત્યારે જ બની ઘટના
માહિતી અનુસાર નવી ઇમારતના બાંધકામ દરમિયાન ધાબું ભરતી વખતે જ આ ઘટના બની હોવાના દાવા થઇ રહ્યા છે. કોલેજના અધિકારીઓ સહિત પોલીસ ટુકડી પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તરત જ રાહત તથા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. એક મજૂર કાટમાળ નીચે ફસાઈ ગયો હતો જેને બચાવવા માટે ઓપરેશન ચલાવાયું હતું.
ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા પહોંચ્યા ઘટનાસ્થળે
આ ઘટનાની જાણ થતાં જ ભાજપના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તેમણે કહ્યું કે મોરબીમાં એક સરકારી મેડિકલ કોલેજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. આ દરમિયાન સ્લેબ તૂટી પડ્યું હતું. આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના હતી. અમે સરકારને આગ્રહ કરીશું કે જે પણ તેના માટે જવાબદાર છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે.