સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ, હવામાન વિભાગની છ દિવસની આગાહી

Updated: Jun 10th, 2024


Google NewsGoogle News
સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ, હવામાન વિભાગની છ દિવસની આગાહી 1 - image


Weather In Gujarat: ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ગયું છે. ત્યારે સતત બીજા દિવસે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આ દરમિયાન અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત જેતપુર સહિત જામકંડોરણ તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો. અસહ્ય ગરમી બાદ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.

અમરેલી જિલ્લામાં ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો

અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ધારી, ખાંભા, ગીર વિસ્તાર અને જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. બે દિવસ પહેલા પણ અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના બરવાળા બાવીશી અને જાળીયામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગામડાઓમાં ખેતરોમાં વરસાદી પાણી ભારાયા હતા. માત્ર 15 મિનિટ જેવા સમયમાં જ ધોધમાર વરસાદ વરસ્યો હતો. 

આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા

હવામાન વિભાગની આગાહી વચ્ચે રવિવારે (નવમી જૂન) અમદાવાદ, વડોદરા, સુરત, વલસાડ, ભરૂચ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો. હવામાન વિભાગે છ દિવસ વરસાદની આગાહી કરી છે. આજે (10મી જૂન) વડોદરા, ભરૂચ, નર્મદા,  સુરત, વલસાડ સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં હળવો વરસાદ વરસી શકે છે.

11મી જૂને ગીર સોમનાથ, ભાવનગર, પંચમહાલ, વલસાડ, દાહોદ, અમરેલી, છોટા ઉદેપુર, નવસારી, નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં હળવો વરસાદ થઇ શકે છે. 12મી અને 13 જૂન સુરત, ભાવનગર, તાપી, અમરેલી, ડાંગ, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત 14મી,15મી અને 16મી જૂનના રોજ નવસારી, અમરેલી, વલસાડ, ગીર સોમનાથ, ડાંગ જૂનાગઢ અને તાપીમાં વરસાદ થઇ શકે છે.



Google NewsGoogle News