ગુજરાત મોડલની પોલ ખુલી: સગર્ભાને ઝોળીમાં લઇ હોસ્પિટલ પહોંચ્યા, સમયસર સારવાર ન મળતાં મોત
Gujarat Health Department : ગુજરાત આરોગ્ય ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે તેવા બણગાં ફૂંકવામાં આવી રહ્યા છે. ત્યારે આજે પણ છેવાડાના ગામડા સુધી આરોગ્યની સુવિધા પહોંચી શકી નથી. રાજ્ય આરોગ્ય વિભાગના દાવાઓના લીરેલીરાં ઉડ્યાં છે કેમ કે, છોટા ઉદેપુરના આંતરિયાળ વિસ્તારમાં રસ્તાના અભાવે ગ્રામજનોએ એક સગર્ભાને ઝોળીમાં નાંખીને હોસ્પિટલ સુધી લઇ જવામાં આવી હતી પણ કમનસીબે સમયસર સારવાર ન મળતાં સગર્ભાએ હોસ્પિટલના પ્રાંગણમાં જ અંતિમ શ્વાસ લીધા હતાં.
આ ઘટનાએ ગુજરાત મોડલની પોલ ઉઘાડી પાડી છે. રાજકોટમાં એક પરપ્રાંતિય સગર્ભાને હોસ્પિટલના પ્રાંગણમાં પ્રસૃતિ કરાવી પડી હતી. વિકસિત રાજકોટમાં આ શરમજનક ઘટનાએ આરોગ્ય તંત્ર સામે સવાલો ખડા કર્યા હતાં. જોકે, હોસ્પિટલ સત્તાધીશોએ આ વાતનો ધરાર નકારી કાઢી હતી.
રાજકોટમાં પરપ્રાંતિય સગર્ભાની હોસ્પિટલના પ્રાંગણમાં જ પ્રસૂતિ કરાવાઇ
રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના મઘ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે નર્મદા ડેમના ઉપરવાસના વિસ્તારમાં તુરખેડા ગામની એક પ્રસૂતાને રસ્તાના અભાવે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
આ ગામમાં આવવા જવા માટે કોઈજ આંતરિક પાકા રસ્તા નથી એટલે જ્યારે ગામમાં જ્યારે કોઇને સારવારની જરૂર પડે તો તેને ઝોળી બનાવી તેમાં સુવડાવી ઊંચકીને પાંચ કિ.મી. સુધી લઇ ગયા બાદ કોઇ વાહનની સુવિધા મળતી હોય છે. તુરખેડા ગામના બસકરિયા ફળિયાની એક સગર્ભાને વહેલી સવારે પાંચ વાગે પ્રસૂતિની પીડા ઉપડતા તેને સારવારની જરૂર પડી હતી.
આ પણ વાંચો: નવરાત્રિમાં 12 વાગ્યા સુધી જ માઇકની પરવાનગી, પોલીસની ગાઇડલાઇનથી ગૃહમંત્રીની રાજકીય શેખીનું સૂરસૂરિયું!
પ્રસૂતિની પીડાથી કણસતી સગર્ભાની તબિયત પણ લથડી રહી હતી. ગામમાં આવવા જવા માટે કોઇ રસ્તો તેમજ મોબાઇલ નેટવર્ક નહી હોવાથી ગંભીર સ્થિતિ સર્જાઇ હતી જેથી પરિવારજનો પ્રસૂતાને ઝોળીમાં નાખી હોસ્પિટલ લઇ જવા નીકળ્યા હતા.
પાંચ કિલોમીટર જેટલું અંતર પગપાળા કાપે તે દરમિયાન જ રસ્તામાં મહિલાને પ્રસૂતિ થઈ ગઈ અને તેણે એક નવજાત બાળકીને જન્મ આપ્યો પરંતુ પ્રસૂતાની તબિયત એટલી બધી લથડી ગઈ કે તાત્કાલિક સારવાર ન મળતા તેનું મોત નિપજ્યું હતું.
ગુજરાતમાં મેડિકલ ટુરિઝમનો ધૂમ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દેશવિદેશના દર્દીઓ સારવાર મેળવવા માટે ગુજરાત આવે છે. વાસ્તવમાં કડવી હકીકત એ છે કે, આજે પણ છેવાડાના ગામડા સુધી આરોગ્ય સુવિધા પહોંચી શકી નથી. મંગળવારે બે ઘટના એવી બની જેણે ગુજરાત મોડલની વરવી વાસ્તવિકતાને છતી કરી દીધી હતી.
ગુજરાતની સરકારી હોસ્પિટલમાં તુમારશાહીનો વરવો નમુનો આજે રાજકોટમાં જોવા મળ્યો છે. પ્રસુતિની પીડા સાથે રાજકોટમાં ગુંદાવાડી-કેનાલ રોડ પર આવેલી પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલમાં 108 વાન મારફતે લાવવામાં આવી હતી. આ દરમિયાન મહિલાના પતિને હોસ્પિટલ સ્ટાફ દ્વારા પહેલા કેસ કઢાવવા મોકલવામાં આવ્યો હતો.
જેથી મહિલાને પીડા થતી હોવા છતાં તે પતિની પાછળ કેસબારી તરફ ચાલીને જઇ રહી હતી. તે દરમિયાન હોસ્પિટલના પરિસરમાં જ પરસાળમાં તેને અસહ્ય દુખાવો ઉપડતા ત્યાં જ ડીલીવરી થઈ ગયાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટના વાવડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા બિહારના હિન્દીભાષી પરિવારમાં 26 વર્ષની મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા 108 મારફત સવારે 10 વાગ્યે પદ્મકુંવરબા હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.
આ પણ વાંચો: આજવા સરોવરના 62 દરવાજા ખોલી પાણી વિશ્વામિત્રીમાં ઠાલવવાનું શરૂ: સપાટી 18 ફૂટે પહોંચવાની શક્યતા
આ મહિલાને એક રૂમમાં પલંગ ફાળવાયો હતો પરંતુ, તેના પતિને પહેલા કેસ કઢાવી આવવા જણાવાયું હતું. પતિ હોસ્પિટલના મેદાનમાં આવેલી કેસબારી તરફ જતા આ મહિલા તેની પાછળ જવા લાગી અને ત્યારે હોસ્પિટલ સ્ટાફમાંથી આ મહિલાને રોકવા કે તેની શારિરીક સ્થિતિની તપાસણી કરવાની તસ્દી લીધી નહીં.
આ મહિલા દાખલ થયા બાદ અડધા કલાકમાં આશરે 10.30 વાગ્યે થોડા ડગલાં ચાલી ત્યાં જ તેને એકદમ દુખાવો થતા તે નીચે ઢળી પડી હતી અને હોસ્પિટલ સ્ટાફ ત્યાં પહોંચતા જ મહિલાના ગર્ભમાંથી બાળકનું મુખ બહાર આવી ગયું હતું.
આ અંગે વિશેષમાં હોસ્પિટલના અધિક્ષક ડો.નૂતનબેન લુંગાસરે જણાવ્યું કે આ મહિલાને હોસ્પિટલમાં રૂમ ફાળવાયો હતો , તેની સાથે માત્ર તેના પતિ જ હતા. તેના પતિ કેસ કઢાવવા નીકળતા આ મહિલા તેની પાછળ ઉભી થઈને ચાલવા લાગી તેથી ડીલીવરી કરાય છે તે ઓ.ટી.થી માત્ર સો એક મીટર દૂર ડીલીવરી થઈ ગઈ હતી.