Get The App

અરજદારો CMને ઓનલાઈન ફરિયાદ કરતાં થઈ ગયા પણ લાખોના ખર્ચ બાદ ગુજરાતના ધારાસભ્યો હજુ ડિજિટલ યુગથી દૂર

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
Gujarat VidhanSabha



Gujarat Politicians: ગુજરાત સરકાર દ્વારા અરજદારો સરકારને ઓનલાઇન ઓનલાઇન રજૂઆત કરી શકે એ માટે સ્વાગત પોર્ટલ થકી સુવિધા પૂરી પાડવામાં આવી છે. રાજ્યના ઘણાં અરજદારો ડિજિટલ થઇ પોતાની ફરિયાદની અરજી આ પોર્ટલ પર કરતાં થઇ ગયાં છે, પરંતું રાજ્યના ધારાસભ્યો હજી પણ ડિજિટલ યુગથી દૂર હોય તેવું જણાઇ રહ્યું છે. વિધાનસભામાં દરેક ધારાસભ્યને સરકાર દ્વારા લગભગ લાખ રૂપિયાના ડિજિટલ ઇક્વિપમેન્ટ આપવામાં આવ્યા છે છતાં તેઓ આ ઇક્વિપમેન્ટ ઉપયોગમાં લેતા નથી. સરકારને રજૂઆત કરવી હોય તો વિધાનસભામાં પેપર વર્ક દ્વારા જ અરજી કરવાની પ્રથા આગળ વધારી રહ્યા છે.

અરજદારો મુખ્યમંત્રી સમક્ષ ફરિયાદ કરવી હોય તો સરકાર સંચાલિત સ્વાગત વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરતાં હોય છે. જો કે, રાજ્યના ચૂંટાયેલા કેટલાક ધારાસભ્યો પોતે ઇ-મેલ આઇડી અને સોશિયલ મીડિયા એકાઉન્ટ ધરાવતા હોવા ઉપરાંત સરકાર દ્વારા દરેક ધારાસભ્યને પેડ આપવામાં આવ્યો હોવા છતાં હજી પણ લેખિતમાં રજૂઆતો કરતાં હોય છે. સરકાર દ્વારા લાખોનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં ધારાસભ્યો લેખિતમાં રજૂઆત કરે છે જ્યારે સામાન્ય નાગરિક પોતાના સાદા ફોનથી પણ સરકારને રજૂઆત કરી રહ્યા છે.  

સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ વિધાનસભા અધ્યક્ષની સૂચના અનુસાર નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન (NeVA) પર ઓનલાઈન માધ્યમથી ટૂંકી મુદતના પ્રશ્નોની સૂચના સ્વીકા૨વામાં આવશે. તારીખ 21 ઓગસ્ટ થી 23 ઓગસ્ટ ત્રણ દિવસ માટે વિધાનસભા દ્વારા પ્રશ્નોત્તરી માટેના પ્રશ્નો મંગાવવામાં આવ્યા છે જેમાં કેટલાય ધારાસભ્યોએ ઓનલાઇન પ્રશ્નો મોકલ્યા છે અને કેટલાય ધારાસભ્યો હજી પણ ઓફલાઈન એટલે કે હાર્ડ પેપરથી પ્રશ્નો મોકલી રહ્યા છે. બીજી બાજુ ડિજિટલ ઇક્વિપમેન્ટ આપવામાં આવ્યા હોવા છતાં દરેક ધારાસભ્યને સરકાર દ્વારા પગારમાં રૂપિયા 5000 જેટલા સ્ટેશનરી ખર્ચ પણ આપવામાં આવી રહ્યો છે. ધારાસભ્યોને ટપાલ અને સ્ટેશનરી ખર્ચ પેટે ગુજરાત વિધાનસભામાં રૂપિયા 5,000 દર મહિને આપવામાં આવે છે. શક્ય છે કે આ જ કારણસર રજૂઆત કરવા માટે ઇમેલ આઈડી છે અને રાજ્યના તાલુકાથી રાજ્યના મુખ્ય સચિવ, મુખ્યમંત્રી, તમામ કેબિનેટ કક્ષાના મંત્રીઓ અને રાજ્ય કક્ષાના મંત્રીઓના ઇ-મેલ આઇડી હોવા છતાં પણ ધારાસભ્યો પત્રો લખીને પોતાની રજૂઆતો કરી રહ્યા છે. 


Google NewsGoogle News