VIDEO: પરિવારે જેને મૃત સમજી આપ્યો હતો અગ્નિદાહ, બેસણા બાદ અચાનક ઘરે આવી પહોંચ્યો તે વ્યક્તિ
Mehsana News: મહેસાણાના વિજાપુર શહેરમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો હતો. વિજાપુરનો એક વ્યક્તિ ધંધાકીય પરેશાનીના માનસિક તણાવના કારણે ઘર છોડીને જતો રહ્યો હતો. આ દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વણઓળખાયેલી ગુમ વ્યક્તિના શારીરિક બાંધા જેવા મૃતદેહને તેના પરિવારજનોએ લઈ આવી અંતિમ સંસ્કાર કરી દીધાં હતા. બાદમાં ગુમ થયેલા વ્યક્તિ જીવતો ઘરે પરત આવતાં પરિવારજનો વિમાસણમાં મુકાઈ ગયા હતાં. જેના અગ્નિ સંસ્કાર કરાયા તે કોણ હશે તેવો પ્રશ્ન ઊભો થયો હતો.
ધંધામાં મુશ્કેલીના કારણે ઘરથી જતો રહ્યો વ્યક્તિ
વિજાપુર શહેરની પ્રભુનગર સોસાયટીમાં રહેતો બ્રિજેશ સુથાર નામનો વ્યક્તિ ધંધામાં મુશ્કેલીના કારણે તણાવમાં આવી જઈ પરિવારને જાણ કર્યા વગર ગત 27 ઓક્ટોબર 2024ના દિવસે ઘર ત્યાગીને ચાલી નીકળ્યો હતો. તેથી પરિવારજનો ચિંતામાં મૂકાયા હતાં. આ અંગે પરિવાર દ્વારા અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાણવાજોગ અરજી કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ વડોદરામાં અટલાદરા-માંજલપુર રેલવે ઓવર બ્રિજનું કામ પૂર્ણ થતાં હજુ ત્રણ મહિના વીતી જશે
આ દરમિયાન અમદાવાદની સાબરમતી પોલીસે અટલબ્રિજ પાસેથી પાણીમાંથી કોહવાયેલી હાલતમાં મળી આવેલા મૃતદેહની ઓળખવિધિ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ઓળખવિધિ માટે જાણ કરી હતી. જેથી ગુમ વ્યક્તિના પરિવારજનોએ ઓળખ પરેડમાં લાશ ગુમ થયેલાં બ્રિજેશભાઈ ઊર્ફે પીન્ટુભાઈ સુથાર જેવા શરીરના બાંધા જેવો લાગતા મૃતદેહને લઈ આવી હિન્દુવિધિ પ્રમાણે સ્મશાનમાં અગ્નિ સંસ્કાર કરી દેવાયા હતા. તેમજ ગત 14 નવેમ્બરે તેનું બેસણું પણ રાખ્યું હતું. જેમાં સગા સબંધીઓ પણ આવ્યા હતાં.
પરિવારજનોને લાગ્યો ઝટકો
જોકે, 15 નવેમ્બરના દિવસે ગુમ થયેલો બ્રિજેશ જીવિત હાલતમાં ઘરે પરત આવતા પરિવારજનો કઈ વ્યક્તિના અગ્નિ સંસ્કારને લઈને ભારે વિમાસણમાં મુકાયો હતો. આ સાથે જ ઘરે આવેલો બ્રિજેશ પણ ટેન્શનમાં મૂકાઈ ગયો હતો. આ બાબતની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જોકે, જેનો અગ્નિ સંસ્કાર કરાયો તે વણઓળખાયેલ મૃતદેહ કોનો હશે તે એક રહસ્યમય પ્રશ્ન ઊભો થવા પામ્યો છે.