મનપાની જાહેરાત બાદ મહેસાણા બે ભાગમાં વહેંચાયું, સરકારી કામકાજ બનશે સરળ
Mehsana News: ગુજરાતમાં પહેલી જાન્યુઆરીના દિવસે રાજ્ય સરકાર દ્વારા 9 નવી મહાનગર પાલિકાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ હવે મહેસાણાવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, મહેસાણાને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. જે હેઠળ મહેસાણા-1 અને મહેસાણા-2 એમ બે ઝોનની ઑફિસ કાર્યરત રહેશે.
શું છે સમગ્ર માહિતી?
મહેસાણાને મનપાનો દરજ્જો મળ્યા બાદ મહેસાણાને બે ભાગમાં વહેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મહેસાણા-1 અને મહેસાણા-2 એમ બે અલગ-અલગ ઝોનની ઑફિસ બનાવવામાં આવશે. રાધનપુર રોડ પર આ ઝોનની નવી ઑફિસ કાર્યરત કરવામાં આવશે.
નાગરિકોને મળશે સુવિધા
નોંધનીય છે કે, નવી ઑફિસ બન્યા બાદ લોકોએ પાયાના કામ માટે મનપાની ઑફિસ સુધી ધક્કો નહીં ખાવો પડે. આ સિવાય 11 વૉર્ડ પ્રમાણે તમામ વૉર્ડમાં પણ જનસુવિધા કેન્દ્ર શરુ કરવામાં આવશે. તેમજ મનપામાં સામેલ કરવામાં આવેલા ગ્રામીણ વિસ્તારોમાં પણ આ સુવિધા કેન્દ્ર બનાવવામાં આવશે.
મહેસાણા ઝોન 1 અને ઝોન 2માં થશે વિભાજિત
સમગ્ર બાબતે વિગત આપતા ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નર દર્શનસિંહ ચાવડાના જણાવ્યા અનુસાર, 'મહેસાણાને બે ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું છે. જે મહેસાણા ઝોન 1 અને ઝોન 2 તરીકે બે ઝોન ઑફિસ બનાવવામાં આવશે. નવી ઝોન ઑફિસ રાધનપુર વિસ્તારમાં બનાવી ટૂંક સમયમાં કાર્યરત કરવામાં આવશે. જેમાં જનસુવિધા કેન્દ્રમાં જે સુવિધા હોય છે, તે તમામ સુવિધા ત્યાં આપવામાં આવશે. જેથી, નાગરિકોને મનપાની ઑફિસ સુધી આવવાની જરૂર નહીં પડે.'
રાજ્ય સરકારનો નિર્ણય
ઉલ્લેખનીય છે કે, પહેલી જાન્યુઆરી 2025ના રોજ ગુજરાત સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી. 9 નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. જેમાં મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી અને પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો હતો. આ પહેલાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર મહાનગરપાલિકા હતી. પરંતુ રાજ્ય સરકારે નવ નવી મહાનગરપાલિકાને મંજૂરી આપતા હવે મનપાની સંખ્યા વધીને 17 થઈ ગઈ છે.