ગુજરાતની 700 કિલોમીટર જમીનનું થયું ધોવાણ, દેશના રાજ્યોમાં સૌથી લાંબા દરિયાકાંઠા તરીકે મોખરે
Gujarat Longest Coastline: સરવે ઓફ ઇન્ડિયાએ અદ્યતન ટેક્નોલોજીની મદદથી સમગ્ર દેશનો દરિયાકાંઠાને માપ્યો છે. જેના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ગુજરાતનો દરિયાકાંઠો દેશમાં સૌથી લાંબો છે, જે અત્યાર સુધી 1600 કિલોમીટર નોંધાયેલો હતો. પરંતુ હવે 700 કિલોમીટરના વધારા સાથે ગુજરાતનો દરિયાકાંઠો 2300 કિલોમીટર થયો છે. આ વધારો એ ગુજરાતના દરિયાકાંઠાની જમીનના ધોવાણના કારણે થયો છે. જેમાં ખંભાતના અખાતથી કચ્છના સુધી અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે એક સમયના સ્થિર કિનારાઓ હવે ઝડપથી ક્ષીણ થઈ રહ્યા છે.
સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવતા રાજ્યોમાં ગુજરાત મોખરે
સર્વે ઓફ ઈન્ડિયાના લેટેસ્ટ આંકડા અનુસાર, દેશમાં કુલ 11,098 કિલોમીટર લંબાઈ ધરાવતો દરિયાકિનારો છે. જેમાં સૌથી વધુ લાંબો દરિયાકિનારો ગુજરાતમાં છે. પુનઃગણતરી અનુસાર, ગુજરાતના દરિયાકાંઠમાં વધારો થયો છે. જે વર્ષ 1970માં 1,214 કિલોમીટર હતો, બાદમાં 1660 કિલોમીટર થયો, ત્યારબાદ 1945 કિલોમીટર થયો. આમ, ગુજરાતનો દરિયાકાંઠો છેલ્લા 53 વર્ષમાં લગભગ બમણો થઈને 2,340 કિલોમીટર થયો છે. જો કે, આંદામાન અને નિકોબાર દરિયાકિનારો સૌથી લાંબો છે, પરંતુ તે ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ છે. તેનો દરિયાકિનારો 3083 કિલોમીટરથી પણ વધુનો છે.
ગુજરાતની હજારો એકર જમીનનું ધોવાણ થયું
પર્યાવરણમાં વૈશ્વિક સ્તરે થઈ રહેલા ફેરફારોની સીધી અસર ગુજરાત સહિત દેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ થઈ રહી છે. પરંતુ હવે, આગામી વર્ષોમાં આ લાંબો દરિયાકિનારો ચિંતાજનક સ્થિતિ ઉભી કરે તેવી કુદરતી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. એવું માની શકાય કે, ગત વર્ષોમાં દેશના દરિયાકિનારે દરિયાના પાણીનું સ્તર વધ્યું છે. તેના કારણે ધીમી ગતિથી દરિયાના પાણી આગળ વધી રહ્યા છે. દરિયાકિનારાની જમીનનું ધોવાણ થઈ રહ્યું છે. દરિયાકિનારાની આ જમીનમાં દરિયાના પાણી પ્રવેશી ચૂક્યા છે. હવે, ગુજરાત સરકાર માટે ચિંતાની બાબત એ છે કે, ગુજરાતમાં કિલોમીટર લાંબા દરિયા કિનારામાંથી કુલ 700 કિલોમીટર દરિયાકિનારાનું ધોવાણ થયું છે, જે મોટું સંકટ છે.
ગુજરાતના 13 જિલ્લાઓને સ્પર્શે છે દરિયો
ગુજરાતનો દરિયાકિનારો 13 દરિયાકાંઠાના જિલ્લાઓ અને 35 તાલુકાઓને સ્પર્શે છે. જેમાં 10 લાખથી વધુ લોકો વસવાટ કરે છે. કચ્છ જિલ્લામાં દરિયા કિનારાની જમીનોનું સૌથી વધુ ધોવાણ થયું છે, કચ્છના અખાત બાદ જામનગર, ભરૂચ અને વલસાડનો ક્રમ આવે છે. ગુજરાતના દરિયાકિનારામાંથી 703.6 કિલોમીટર વિસ્તારમાં ધોવાણ થઈ રહ્યું છે.જે રાજ્યના દરિયાકાંઠાના લગભગ 549 ગામોને અસર કરે છે. દક્ષિણ આ ધોવાણ સુરત જિલ્લાના દાંડીથી વલસાડ જિલ્લાના ઉમરગામ સુધી ફેલાયેલું છે.
આ પણ વાંચો: PM મોદીની સુરક્ષામાં ચૂક મામલે 25 ખેડૂતો વિરુદ્ધ ધરપકડ વોરંટ, પંજાબની મુલાકાત વખતની ઘટના