Get The App

સ્ત્રી સશક્તિકરણની ખાલી વાતો: ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં મહિલા ઉમેદવારોનું પ્રમાણ 4 ટકાથી પણ ઓછું

Updated: Apr 12th, 2024


Google NewsGoogle News
સ્ત્રી સશક્તિકરણની ખાલી વાતો: ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં મહિલા ઉમેદવારોનું પ્રમાણ 4 ટકાથી પણ ઓછું 1 - image


Lok Sabha Elections 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે આવતીકાલથી ઉમેદવારીપત્ર ભરાવવાનું શરૂ થઇ જશે. સ્ત્રી સશક્તિકરણની વાતો ભલે કરવામાં આવતી હોય પણ મહિલાઓને લોકસભા ચૂંટણીમાં તક આપવામાં પણ ગુજરાત નીરસ રહ્યું છે. 1962માં ગુજરાતમાં પ્રથમ વખત લોકસભા ચૂંટણી યોજાઇ હતી અને ત્યારથી લઇને 2019 સુધી કુલ 3562 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. આ પૈકી મહિલા ઉમેદવારોનું પ્રમાણ અંદાજે માત્ર 160 છે. 

લોકસભા ચૂંટણીમાં કુલ 3562 ઉમેદવારોમાંથી માત્ર 160 મહિલા

સંસદમાં ગુજરાતમાંથી મહિલાઓનું ઓછું પ્રતિનિધિત્વ ચિંતા સમાન છે. 2019ની લોકસભા ચૂંટણી વખતે ગુજરાતમાંથી અત્યાર સુધીનાં સૌથી વધુ 6 મહિલા સાંસદો ચૂંટાયાં હતાં. ગુજરાત રાજયની સ્થાપના પહેલા સરદાર તથા વલ્લભભાઈ પટેલના પુત્રી મણીબેન તથા સાબરકાંઠા બેઠક પરથી જોહરાબેન ચાવડા સાંસદપદ શોભાવ્યું હતું. 1962માં અમરેલી બેઠક પરથી જયાબેન શાહ, બનાસકાંઠા બેઠક પરથી જોહરાબેન ચાવડા વિજેતા બન્યા હતા. 

મહિલા ઉમેદવારોનું પ્રમાણ 4 ટકાથી પણ ઓછું 

1977ની લોકસભાચૂંટણીમાં મહેસાણા બેઠક પરથી મણીબેન પટેલ એક માત્ર વિજેતા મહિલા ઉમેદવાર હતા.1980ની લોકસભા ચૂંટણીમાં એક પણ મહિલા ઉમેદવાર સાંસદ બન્યા ન હતા. જયારે 1984માં કચ્છ બેઠક પરથી ઉષાબેન ઠક્કર વિજેતા થયા હતા. 1998-99 અને 2004 એમ સળંગ 3 ટર્મ સુધી વડોદરા બેઠક પરથી જયાબેન ઠક્કર સાંસદ રહ્યા હતા. ગુજરાતમાં 1962માં બે, 1984માં બે, 1991માં 1, 1996માં બે, 1998માં ચાર, 1999માં 3, 2004માં 1, 2009માં ચાર, 2014માં ચાર, 2019માં 6 મહિલા સાંસદો ચૂંટાયાં હતાં.   2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપે કુલ ચાર સાંસદોને ટિકિટ આપી છે. કોંગ્રેસે અત્યારસુધથી જાહેર કરેલા ઉમેદવારોમાં   3 મહિલાઓ છે. જેમાં હાલના ચિત્ર મુજબ એકમાત્ર બનાસકાંઠા એવી બેઠક છે જેમાં બે મહિલા ઉમેદવારો વચ્ચે બંને મહિલા ઉમેદવાર વચ્ચે જંગ જામશે. 

9 બેઠકથી ક્યારેય મહિલા સાંસદ નહીં

ગુજરાતમાંથી અમદાવાદ પશ્ચિમ, ગાંધીનગર, પોરબંદર, પાટણ, પંચમહાલ, ખેડા, ભરૂચ, વલસાડ, નવસારી બેઠક એવી છે જ્યાંથી ક્યારેય મહિલા ઉમેદવારને ચૂંટીને સાંસદમાં મોકલવામાં આવ્યા નથી. 

ગુજરાતમાંથી બિનહરીફ મહિલા ઉમેદવાર

સુશીલા ગણેશ માવળંકર 1956માં   અમદાવાદ લોકસભા મતવિસ્તારથી બિનહરીફ ચૂંટાયાં હતા. ફેબુ્રઆરી 1956માં પતિ ગણેશ માવળંકરના નિધનથી અમદાવાદ લોકસભા બેઠક માટે પેટા ચૂંટણી યોજાઇ હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે સુશીલ માવળંકરને મેદાનમાં ઉતાર્યા હતા અને તઓ બિનહરીફ ચૂંટાયાં હતાં. આ પછીના વર્ષે જ તેમનો સાંસદ તરીકેનો કાર્યકાળ પૂરો થયો હતો. અલબત્ત, સુશીલા માવળંકર ચૂંટાયા ત્યારે ગુજરાત એ મહારાષ્ટ્રનો હિસ્સો હતું. 

કઇ ચૂંટણીમાં કેટલા ઉમેદવારો

વર્ષપુરૂષમહિલાકુલ
1962----68
1967----80
19711211122
19771102112
19801636169
198421811229
19892529261
199140317420
199655918577
19981327139
19991518159
200415111162
200933326359
201431816334
201934228371
કુલ32531603562

સ્ત્રી સશક્તિકરણની ખાલી વાતો: ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં મહિલા ઉમેદવારોનું પ્રમાણ 4 ટકાથી પણ ઓછું 2 - image


Google NewsGoogle News