Get The App

હવે ઉમેદવારો નહીં કરી શકે પ્રચાર, ગુજરાતની 25 સહિતની 93 બેઠકો પર પ્રચાર પડઘમ શાંત

Updated: May 5th, 2024


Google NewsGoogle News
હવે ઉમેદવારો નહીં કરી શકે પ્રચાર, ગુજરાતની 25 સહિતની 93 બેઠકો પર પ્રચાર પડઘમ શાંત 1 - image


Lok Sabha Elections 2024 : આગામી 7મી મે (મંગળવાર)ના રોજ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે. જેનો પ્રચાર પડઘમ આજે (રવિવાર) સાંજે છ વાગ્યા બાદથી શાંત પડી ચૂક્યો છે. ચૂંટણીના 48 કલાક પહેલા આજે ગુજરાતની 25 સહિત કુલ 93 બેઠક પર પ્રચાર પડઘમ શાંત થયા છે. હવે આ બેઠકો પર લોકસભા ઉમેદવારો પ્રચાર નહીં કરી શકે. જણાવી દઈએ કે, છેલ્લી ઘડી સુધી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ખુબ જોરશોરથી પ્રચાર કર્યો હતો.

હવે કોઇપણ પક્ષના ઉમેદવાર પ્રચાર કરી શકશે નહીં

આજે સાંજે 6 વાગ્યાથી 48 કલાક સુધી કોઈપણ પક્ષના ઉમેદવાર ચૂંટણી માટે પ્રચાર કરી શકશે નહીં. હવે પ્રચાર પડઘમ શાંત થતા ડોર ટુ ડોર મીટિંગ અને ખાટલા બેઠકો શરૂ થશે. સાથે બહારથી આવેલા લોકોએ પણ મતવિસ્તાર છોડવો પડશે. આ તમામ લોકોના વાહનોની તપાસ કરવામાં આવશે. સાથે 48 કલાક માટે રાજ્યના તમામ જિલ્લામાં લાઉડ સ્પીકર પર પ્રતિબંધ રહેશે. મતદાન મથકો પર વોટર અવેરનેસ બૂથ ઉભા કરવામાં આવ્યા છે. સાથે રાજ્યમાં 175 આદર્શ મતદાન મથકો પણ તૈયાર કરાયા છે.

મતદાન મથક પર ગરમીથી બચવાની હશે સુવિધા

7મી તારીખે રાજ્યમાં હીટવેવની આગાહી છે. 40 ડિગ્રીથી વધુ તાપમાન રહેવાની સંભાવના છે. અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેને લઇને પૂરતા પ્રમાણમાં શેડની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન મથક પર મેડિકલ કીટ, જરૂરી દવાઓ અને ORS પણ ઉપલબ્ધ રહેશે, સેક્ટર ઓફિસર સાથે મેડિકલ ટીમ ખડેપગે રહેશે. જે બીમાર પહોંચશે તેમના માટે પણ બેસવાની વ્યવસ્થા કરાશે.

પોલીસ અને તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ

ગુજરાતમાં ત્રીજા તબક્કા હેઠળ સુરત સિવાયની 25 લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે. પોલીસ અને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ લગભગ પૂર્ણ કરી લેવાઈ છે. સુરક્ષા વ્યવસ્થાની સાથે રાજ્યમાં પોલીસ ફોર્સ અને અર્ધસૈનિક દળોની તૈનાતી કરી દેવાઈ છે. બીજી તરફ ચૂંટણી પંચ હવે ઈવીએમ સ્થળ પર પહોંચાડવા, પોલિંગ મથકોએ સુરક્ષાની સ્થિતિ સહિતની તમામ જરૂરી કામગીરીમાં જોતરાશે.

કુલ કેટલા ઉમેદવારો મેદાનમાં?

આ ચૂંટણીમાં 19 મહિલા સાથે કુલ 266 ઉમેદવારો મેદાનમાં છે. 2024ની આ ચૂંટણીમાં ગુજરાતમાં કુલ 4,97,68,677 મતદારોછે જેઓ 50, 788 મતદાન મથકો પરથી મતદાન કરશે. ગુજરાતમાં 20 જનરલ, 2 એસ.સી, 4 એસ.ટી સાથે કુલ 26 બેઠકો છે. એક બેઠક સુરત પર ચૂંટણી નથી થવાની કારણ કે ત્યાં ભાજપના ઉમેદવાર બિન હરીફ ચૂંટાયા છે. એટલે ગુજરાતની 25 બેઠકો પર ચૂંટણી યોજાવવાની છે.

ગુજરાતમાં મતદારોની સંખ્યા

• 17 થી 18 લાખ ભરૂચ,  અમદાવાદ વેસ્ટ, અમરેલી, પોરબંદર, મહેસાણા, આણંદ, સુરત, જૂનાગઢ

• 18 થી 19 લાખ જામનગર, છોટા ઉદેપુર, વસલાડ, દાહોદ, પંચમહાલ

• 19 થી 20 લાખ ભાવનગર, કચ્છ,  વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા

• 20 થી 21 લાખ ખેડા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ ઈસ્ટ, બારડોલી

• 21 થી 22 લાખ રાજકોટ અને ગાંધીનગર

• 22 લાખથી વધુ નવસારી


Google NewsGoogle News