બનાસકાંઠાના વિભાજનની રાજ્ય ચૂંટણી પંચને અગાઉથી ખબર હતી? આયોગના એક પત્રથી થયો મોટો ખુલાસો
Gujarat Local Body Elections: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજ્ય સરકાર દ્વારા 2 વર્ષથી વિલંબ કરવામાં આવી રહ્યો છે. તેમાં પણ હવે બનાસકાંઠા જિલ્લો જ્યાં જિલ્લા પંચાયતની ચૂંટણી થવાની હતી, તે બનાસકાંઠાનું વિભાજન કરીને અલગ જિલ્લો બનાવી દેવાયો છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લાની ચૂંટણી પર હાલના તબક્કે અલ્પવિરામ મૂકી દેવામાં આવ્યું છે.
પરંતુ આ સમગ્ર ઘટનામાં એક હકીકત બહાર આવી છે કે બનાસકાંઠા જિલ્લામાંથી અલગ જિલ્લો બનાવવાની જાહેરાત ભલે તારીખ 01-01-2025ના રોજ કરવામાં આવી હોય, પરંતુ આ અંગેની જાણકારી અગાઉથી જ રાજ્ય ચૂંટણી આયોગ પાસે હતી. તેવું ચૂંટણી આયોગના એક પત્રથી સાબિત થાય છે.
2 જાન્યુઆરી 2025ના રોજ અખબારી યાદી જાહેર કરાઈ
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજે (02-01-2025) એક અખબારી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં રાજ્યની જૂનાગઢ મહા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, 73 નગરપાલિકાની સામાન્ય-મધ્યસત્ર તથા ખેડા જિલ્લા પંચાયત, કઠલાલ, કપડવંજ તથા ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી તેમજ મહાનગરપાલિકા-નગરપાલિકા-જિલ્લા અને તાલુકા પંચાયતની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી આગામી સમયમાં યોજવાની થાય છે.
આ સ્વરાજ્યના એકમો માટે મતદારયાદીની તારીખ 19-12-2024ના રોજ સ્વરાજ્યના એકમોના સંબંધિત મતદાર નોંધણી અધિકારીઓએ સ્થાનિક કક્ષાએ પ્રાથમિક પ્રસિદ્ધ કરાઈ છે.
20 ડિસેમ્બર 2024ના રોજ તૈયાર થઈ હતી અખબારી યાદી!
આ અખબારી યાદીમાં તારીખ 20-12-2024 લખેલી છે, જેમાં જિલ્લા પંચાયત ચૂંટણી માટે માત્ર ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણીનો ઉલ્લેખ છે. જો ચૂંટણી આયોગને નવા જિલ્લા અંગે માહિતી ન હોય તો 20-12-2024ના રોજ તૈયાર થયેલી યાદીમાં ખેડા જિલ્લા પંચાયતની સાથે બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી યોજવાની પણ માહિતી અપાઈ હોત.
1 જાન્યુઆરી 2025ના રોજ નવા જિલ્લાની જાહેરાત થઈ
જણાવી દઈએ કે, બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદ નવા જિલ્લાની સત્તાવાર જાહેરાત રાજ્ય સરકાર દ્વારા તારીખ 01-01-2025ના રોજ કરવામાં આવી છે. તો આ સ્થિતિમાં એ સ્પષ્ટ થાય છે કે રાજ્ય ચૂંટણી આયોગને જાણકારી હતી જ કે રાજ્ય સરકાર બનાસકાંઠા જિલ્લામાંથી નવો જિલ્લો જાહેર કરવાની છે, નહિતર રાજ્ય ચૂંટણી આયોગ ખેડા જિલ્લા પંચાયત ચૂંટણી સાથે બનાસકાંઠા જિલ્લા પંચાયતનો પણ ઉલ્લેખ કરત.
સરકારના એક અધિકારીએ જણાવ્યું કે, સરકારમાં આવી ખાસ ગોપનીય બાબતો પર આંતરિક પત્ર વ્યવહાર થતો હોય છે. રાજ્ય ચૂંટણી આયોગ પર સરકારનું જ એક અંગ છે, જેથી આ મુદ્દે કોઈ આનુષંગિક નિર્ણય લેવાનો હોય અગાઉ માહિતીની આપ-લે કરવામાં આવતી હોય છે.
જણાવી દઈએ કે, 01-01-2025ના રોજ રાજ્ય સરકાર દ્વારા 9 મહાનગરપાલિકાની સાથે એક નવા જિલ્લાની જાહેરાત કરાઈ. રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં બનાસકાંઠાના વિભાજનની સાથે જ વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કરાયો છે. વાવ-થરાદમાં સમાવેશ કરીને નવો જિલ્લો જાહેર કરાયો છે. આ નવા જિલ્લાનું વડું મથક થરાદ રહેશે. ત્યારે હવે ગુજરાતમાં 33 નહીં કુલ 34 જિલ્લા છે.