ગુજરાત વિધાનસભામાં નેતાઓનો કાવ્યાત્મક અંદાજ, કોઈએ કર્યા વખાણ તો વિપક્ષે વ્યંગ કર્યો 'છલોછલ'
Gujarat Legislative Assembly : ગુજરાત વિધાનસભામાં આજે શુક્રવારે રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યપાલના ઉદબોધન પર બંધારણ અને કોંગ્રેસની સંવિધાન બચાવવાની વાતને લઈને ચર્ચા કરી હતી. જેમાં ઋષિકેશ પટેલે કહ્યું કે, 'કોંગ્રેસે ડૉ. બાબા સાહેબની હયાતીમાં બંધારણમાં છ સુધારા કર્યા છે ને હવે સંવિધાન બચાવાની વાત કરે છે. કોંગ્રેસે તેના કાર્યકાળમાં 86 વખત સુધારા કરીને બંધારણનું અપમાન કર્યું છે.'
ગુજરાત વિધાનસભામાં નેતાઓનો કાવ્યાત્મક અંદાજ રજૂ કર્યો હતો. નોંધનીય વાત એ છે કે ડૉ. કિરીટ પટેલે રાજ્યના લોકોને પડતી વિવિધ સમસ્યાઓના મુદ્દાઓને એકત્રીત કરી તેને સંકલિત કરી પોતાની કોઠાસૂઝથી કવિતા લખવાની મહેનત કરી હોય તેવું લાગે છે. જ્યારે મંત્રી ઋષિકેશ પેટેલે સરકારના વખાણ કરવા માટે પણ AIનો સહારો લીધો. આ બંને નેતાઓની કવિતાએ ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે. અને એમા પણ કિરીટ પટેલની 'છલોછલ' કવિતા ભારે વાયરલ થઈ રહી છે. ત્યારે તમે પણ વાંચો આ બન્ને કવિતા.
ધારાસભ્ય કિરીટ પટેલે વિધાનસભામાં કહેલી કવિતા 'છલોછલ'
જીએસટી-સીએસટીથી તિજોરી છલોછલ
વેપારીઓ ભરે કમરતોડ ટેક્સ છલોછલ
હવે પછી પાછી જંત્રી પણ થશે છલોછલ
તો પણ બજેટ છે મૂડી કરતા દેવાથી છલોછલ
ભરતીઓ માટે આવે અરજીઓ છલોછલ
ટેટ-ટાટ-નેટ-સ્લેટ અને પીએચડી વાળા છે છલોછલ
એમઈ-બીઈ-પીજી અને યુજી બેકારો પણ છલોછલ
તો પણ સાહેબ કહે કે રોજગારી તો છે જ છલોછલ
ગૌચરોમાં તો છે દબાણો થયેલા છલોછલ
ગરીબોના દબાણો પણ તૂટે છે છલોછલ
ખેતરો, વીજ લાઈન, ભૂંડ અને રોઝથી છલોછલ
ખેડૂતો પણ બન્યા દેવાના ડુંગરોમાં છલોછલ
તો પણ સાહેબ કહે કે સબસિડીઓ તો છે છલોછલ
હવે તો સ્કૂલો પણ થશે સહાયકોથી છલોછલ
હાઈસ્કૂલો પણ પ્રવાસીઓથી બની છલોછલ
સેલ્ફ ફાયનાન્સમાં લોકો ફી પણ ભારે છે છલોછલ
કર્મચારીઓ આઉટ સોર્સથી ભરેલા છલોછલ
ઓપીએસની રાહ જોતા કર્મીઓ પણ છલોછલ
પગાર વીનાના વીસીઇઓથી પંચાયતો છલોછલ
સરપંચ વિનાના ગામો છે વર્ષોથી છલોછલ
તો પણ સચિવાલય તો વયનિવૃતોથી છલોછલ
ફરજી સ્કીમોની ભરમાળ પણ છે છલોછલ
કોર્ટ કચેરીઓ કેસોથી ભરેલી છલોછલ
સાબરમતી બની પ્રદુષણથી છલોછલ
બની સરસ્વતી ગાંડા બાવળોથી છલોછલ
તો પણ સાહેબ કહે કે નદીઓ તો વહે છલોછલ
ખાનગી વાહનો મુસાફરો ભરે છલોછલ
એસટી તંત્ર ખખડધજ બસોથી છલોછલ
કચેરીઓ પણ બની નકલીઓથી છલોછલ
તો પણ એએમટીએસ તો દેવાથી છલોછલ
પોલીસ જીઆરડી અને ટીઆરબીથી છલોછલ
પરીક્ષાઓમાં પેપરો પણ ફૂટે છલોછલ
સાહેબના નામથી ભાસણો કાયમ છલોછલ
કાયદો અને વ્યવસ્થાની વાતો છે છલોછલ
તો પણ કાંઈ દો, તોજ થાય વ્યવસ્થા છલોછલ
ડીઝલ-પેટ્રોલના ભાવ છે છલોછલ
હવે તો મીટરો પણ બનશે સ્માર્ટ છલોછલ
મધ્યમવર્ગ તો બન્યો લોનોથી છલોછલ
સાયબર ક્રાઇમથી બનતા ગુનાઓ છલોછલ
દીકરીઓના વરગોડા પણ નિકળે છલોછલ
સામે વાળા પણ છે કોંગ્રેસથી ભરેલા છલોછલ
તો પણ સાહેબ કહે મારું ગુજરાત છે અગ્રેસર
હવે તો કંઈક કરો મારા સાહેબ નહીંતર
ગરવું ગુજરાત બનશે ડ્રગ્સ અને દેવાથી છલોછલ
કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની AI જનરેટેડ કવિતા
ગુજરાતની ધરતી પર સોનાનો સૂરજ ઉગ્યો,
વિકાસના પંથે ડગલેને પગલે ઝૂમ્યો.
નર્મદાના નીરથી ખીલી છે વાડીઓ,
ઉદ્યોગોના વિકાસથી દોડી રહી છે ગાડીઓ.
શિક્ષણ, આરોગ્ય, સૌને સમાન તક મળી,
ખેડૂત, વેપારી, સૌની મહેનત ફળી.
નમોના નેતૃત્વમાં ખીલ્યું છે ગુજરાત,
દેશના નકશામાં, અલગ છે એની ભાત.
સૌનો સાથ, સૌનો વિકાસ, મંત્ર થયો સાકાર,
ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં નવા વિકાસને આકાર...