DySPથી ઉપરના અધિકારીઓએ રિપોર્ટ કાર્ડ આપવું પડશે, ક્રાઈમ રેટ ઘટ્યો કે વધ્યો એ પણ જણાવવું પડશે
Gandhinagar News : હાલ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ લથડતી નજરે પડી રહી છે. અસામાજિક તત્ત્વો જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય એવી રીતે આતંક મચાવતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. એક ઘટના હજુ પતે નહીં ત્યાં બીજી ઘટના બને છે. થોડા દિવસ પહેલાં રાજ્યના પોલીસ વડાએ 100 કલાકમાં રાજ્યભરના અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરવા જણાવ્યું હતું. જ્યારે હવે રાજ્ય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.
'DySPથી ઉપરના અધિકારીઓએ રિપોર્ટ કાર્ડ આપવું પડશે'
રાજ્યના ગૃહ મંત્રીની અધ્યક્ષતામાં મળેલી કાયદો અને વ્યવસ્થાને લઈને યોજાયેલી બેઠકમાં પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનો આપવાની સાથે ટકોર કરવામાં આવી હતી. જેમાં DySPથી લઈને ઉચ્ચ કક્ષાના તમામ અધિકારીઓએ પોતાનો રિપોર્ટ કાર્ડ રજૂ કરવા સહિત તેમના વિસ્તારના ક્રાઈમ રેટની વિગતે માહિતી આપવા જણાવ્યું હતું. તેમજ 100 કલાકમાં રાજ્યભરના અસામાજિક તત્ત્વોની તૈયાર કરવામાં આવેલી યાદી પર યોગ્ય કાર્યવાહી કરવા આદેશ કર્યા હતા.
જ્યારે IPS અધિકારીઓના રિપોર્ટ કાર્ડ ગૃહ મંત્રી અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ દ્વારા રિવ્યુ કરવામાં આવશે. આ સાથે બેઠકમાં અરજદારોને અધિકારીઓ રૂબરૂ મળે તેના પર ભાર મુકાયો છે.