પત્નીએ બ્રહ્મચર્યનો માર્ગ અપનાવતા પતિની વહારે આવી હાઈકોર્ટ, અપાવ્યો ન્યાય
પત્ની 'બ્રહ્મચર્ય' પર અડગ રહીને પતિને શારીરિક સંબંધ બાંધવાની ના પાડી દીધી હતી
Gujarat High Court divorces husband: ગુજરાત હાઈકોર્ટે છૂટાછેડાના કેસની મહત્ત્વપૂર્ણ સુનાવણી કરી હતી. જેમાં એક યુવકને છૂટાછેડાની મંજૂરી આપી દીધી હતી. કારણ કે, આ યુવકની પત્ની એક પંથથી પ્રભાવિત હતી અને તેણે બ્રહ્મચર્યનું પાલન કરવા માટે એક દાયકા સુધી શારીરિક સંબંધ બાંધવાની ના પાડી દીધી હતી. આ કપલના 2009માં લગ્ન થયા હતા પતિ એમડી છે જ્યારે પત્ની આયુર્વેદ ડોક્ટર છે.
મળતી માહિતી અનુસાર, વર્ષ 2012માં પતિએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી, જેમાં તેની પત્ની સ્કિઝોફ્રેનિક દર્દી અને આધ્યાત્મિક પંથની અનુયાયી હોવાના આધારે ક્રૂરતાનો આરોપ લગાવ્યો હતો અને તેની સાથે શારીરિક સંબંધ બનાવવા માગતી નહતી. પતિના જણાવ્યાં મુજબ પત્ની બ્રહ્મચર્ય પર એ હદે અડગ ગઈ હતી કે તેણે શારીરિક સંબંધ બનાવવા પર આત્મહત્યા કરવાની પણ ધમકી આપી દીધી હતી.
પતિએ કહ્યું કે, 'લગ્ન પહેલા તેને પત્નીની માનસિક સ્થિતિને લઈને અંધારામાં રાખવામાં આવ્યો હતો અને આ ક્રુરતા સમાન છે.' 2018માં ફેમિલી કોર્ટે પતિના દાવાને ફગાવતા પત્નીના એ તર્કને સ્વીકારી લીધો કે પતિએ પોતાના પુરાવામાં સુધારો કર્યો હતો.
ત્યારબાદ પતિએ ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો, જ્યાં તેમણે પત્નીની સ્કિઝોફ્રેનિયાની સારવાર કરનારા ડોકટરોનું સહિત અન્ય સાક્ષીઓની જુબાની રજૂ કરી હતી, જેમણે ફેમિલી કોર્ટમાં જુબાની આપી હતી કે પત્ની 2011થી સાસરિયામાં રહેતી નથી.
ગુજરાત હાઈકોર્ટે સુનાવણી કરતા જણાવ્યું હતું કે,'પત્નીની તબીબી સ્થિતિ, તેના વૈવાહિક સંબંધો જાળવવાનો ઇનકાર અને 12 વર્ષ સુધી સાસરિયાથી દૂર રહેવું એ પૂરતા કારણો છે કે, સંબંધો તૂટી ગયા છે.'