ગૌચર જમીનની માલિકી સરકારની નહીં પ્રજાની, અદાણીને આપેલી જમીન પરત કરો : હાઈકોર્ટે સરકારે ઝાટકી

Updated: Jul 5th, 2024


Google NewsGoogle News
gujarat high court on adani land case



હાઈકોર્ટનો ચુકાદો: અદાણીએ પરત આપવી પડશે જમીન 

મુન્દ્રા પોર્ટમાં સરકાર દ્વારા અદાણીને ફાળવી દેવામાં આવેલી જમીન મામલે ગુજરાત હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે. વર્ષ 2011માં મુન્દ્રાના નવીનાળ ગામના 12 લોકોએ હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરી હતી. હાઇકોર્ટના આદેશ બાદ હવે અદાણીએ 100 હેક્ટર જમીન નવીનાળ ગામના લોકોને પરત આપવી પડશે. 

કેમ આપી દેવાઈ હતી જમીન? 

નોંધનીય છે કે વર્ષ 2005માં SEZ (સ્પેશિયલ ઇકોનોમિક ઝોન) તથા અદાણી મુન્દ્રા પોર્ટને જમીન આપી દેવામાં આવી હતી. જેના લીધે નવીનાળ ગામના લોકો પાસે ગૌચર જમીન બચ નહોતી. ગૌચર જમીન પરત લેવા માટે અરજદારોએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. અરજી બાદ સરકારે હાઇકોર્ટમાં બાહેંધરી આપી હતી કે ગામના લોકોને પૂરતી ગૌચર જમીન મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવશે. 

સરકાર સુપ્રીમ કોર્ટ સુધી ગઈ હતી 

બાહેંધરી આપ્યા બાદ સરકારે જણાવ્યું કે જમીન આપી શકાય તેમ નથી સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરી. જોકે ત્યાંથી પણ સરકારને ઝટકો મળ્યો અને સુપ્રીમ કોર્ટે મેરીટના આધારે હાઇકોર્ટને જ નિર્ણય લેવા જણાવ્યું. 

નવીનાળની 276 એકર જમીન સરકારે આપી હતી

મુન્દ્રા પોર્ટને નવીનાળ ગામની આશરે 276 એકર જેટલી જમીન સરકારે આપી હતી. જ્યારે ગામના પ્રાણીઓને જોતા 310 એકર ગૌચર જમીનની જરૂર છે. ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ સરકારે જણાવ્યું હતું કે, સમયાંતરે નવીનાળ ગામમાં 700થી વધુ પ્રાણીઓ છે. કુલ 129 હેક્ટર જેટલી જમીન ગ્રામવાસીઓને મળી શકે તેમ છે. જે સંદર્ભે કોર્ટે રેવન્યૂ વિભાગના સેક્રેટરી અને કલેક્ટર સહિતની એફિડેવિટ માગી હતી. એ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે, આ 129 હેક્ટર જમીનમાં જંગલની જમીન નહીં હોય. કોર્ટે નોંધ્યું હતું કે, ગૌચરની જમીન એ લોકોના ઉપયોગની જમીન છે.

સરકારી વકીલે અદાણીના વકીલ થવાની જરૂર નથી: હાઈકોર્ટ 

બાદમાં સરકારે હાઇકોર્ટમાં એફિડેવિટ સાથે જણાવ્યું હતું કે નવીનાળ ગામમાં 700થી વધુ પ્રાણીઓ છે. તે માટે 129 હેક્ટર જેટલી જમીન આપવામાં આવશે. જોકે આ જમીન ગામથી સાતથી આઠ કિમી દૂર હોવાથી હાઇકોર્ટે સરકારની દરખાસ્ત ફગાવી દીધી હતી. હાઇકોર્ટે કહ્યું હતું, કે કચ્છમાં પશુઓને સાતથી આઠ કિમી દૂર લઈ જવા અશક્ય છે. હાઈકોર્ટે કહ્યું- ગૌચર જમીન કોઈને આપી શકાય નહીં. સરકારની નીતિઓ લોકોના હિટ માટે હોય. આટલું જ નહીં હાઈકોર્ટે ઝાટકણી કાઢતા એમ પણ કહ્યું હતું, કે 'સરકારી વકીલે અદાણીના વકીલ બનવાની જરૂર નથી.' 

સરકારે આખરે કહ્યું- અદાણીની જમીન ગામને પાછી આપીશું 

હાઈકોર્ટની ઝાટકણી બાદ સરકારે કહ્યું હતું કે ગૌચર જમીન અદાણી પાસેથી લઈને ગામને આપવામાં આવશે. જેના પર કોર્ટે કહ્યું હતું, કે જમીન કાગળ પર નહીં પરંતુ ખરેખર આપવામાં આવે તેવા પગલાં લો. 

અદાણીએ કહ્યું- ત્યાં તો હવે ફેક્ટરી લાગી ચૂકી છે 

જમીન પરત આપવાના સરકારના ઠરાવ પર અદાણીના વકીલે જણાવ્યું હતું કે, 2005માં આ જમીન અદાણીએ નાણાં આપીને લીધી હતી. ત્યાં તો હવે ફેક્ટરી પણ લાગી ચૂકી છે. જોકે હાઈકોર્ટે આ દલીલ ફગાવતા કહ્યું હતું કે 2005માં જમીન આપવાનો નિર્ણય ખોટો હતો અને હવે તેને સુધારવામાં આવી રહ્યો છે. 

ગ્રામજનોના વકીલે શું કહ્યું? 

ગ્રામજનો તરફથી કેસ લડી રહેલા એડ્વોકેટ આનંદ યાજ્ઞિકે જણાવ્યું હતું, કે '2005માં અદાણીને SEZના 17 ગામની ગૌચર જમીન મફતના ભાવે આપી દેવામાં આવી હતી. 2011માં ગૌચર જમીન અદાણીને આપવા વિરુદ્ધ અરજી કરવામાં આવી કે ગૌચર માટે 200થી 300 એકરની જમીનની જરૂર છે અને માત્ર 40 એકર આપવામાં આવી હતી તે કેટલું વ્યાજબી? સરકારે પહેલા જમીન આપવાની વાત કરી પછી કહ્યું કે અમારી પાસે ફક્ત 8 એકર જમીન આપવા માટે છે. 2014માં કેન્દ્રમાં સરકાર બનતા જ સરકાર સુપ્રીમ કોર્ટ સુધી ગઈ. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેસ ફરી હાઇકોર્ટમાં આવ્યો. ખંડપીઠે કહ્યું- ગૌચર જમીનની માલિક સરકાર નથી, લોકો તેના માલિક છે. હાઇકોર્ટના આદેશ બાદ સરકારે સાતથી આઠ કિમી દૂર જમીન આપવાનો વિચાર કર્યો પણ અમે તેનો વિરોધ કર્યો હતો.' 

એડ્વોકેટે વધુમાં જણાવ્યું હતું, કે 'હાઇકોર્ટે અમારી રજૂઆત બાદ કહ્યું કે કે જો એજ ગામની અંદર ગૌચર જમીન આપવાની હોય તો અદાણીને આપેલ જમીન પાછી લો. આજે ગુજરાત સરકારે ઠરાવ કર્યો છે  કે અદાણી SEZને 2005માં જે જમીન આપી હતી એ 282 એકર તથા ઢોરની સંખ્યાને ધ્યાને રાખીને અમારી પાસેની જમીન ગૌચરના નામે નવીનાળ ગામને આપીએ છીએ.' 


Google NewsGoogle News