રાજકોટ અગ્નિકાંડ: તત્કાલીન મ્યુનિ. કમિશનરોએ પીડિતોને અંગત ધોરણે વળતર ચૂકવવું જોઇએ
Rajkot Game Zone Fire: રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકો ભડથું થઇ જવાના ચકચારભર્યા પ્રકરણમાં ગુજરાત હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો જાહેરહિતની રિટ અરજી અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા દાખલ કરાયેલી અરજીના કેસમાં આજે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે મૌખિક રીતે બહુ મહત્ત્વનો અભિપ્રાય વ્યકત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ કરૂણાંતિકામાં માર્યા ગયેલાઓના પરિવારજનોને રાજકોટના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરોએ અંગત રીતે પોતાના ખિસ્સામાંથી દસ-દસ હજાર રૂપિયા વળતર ચૂકવી આપવું જોઇએ. જો કે, હાઇકોર્ટે આ તેમનો હાલ પૂરતો મત હોવાનું સ્પષ્ટ કર્યું હતું.
સરકારની દલીલો સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય આપવાની સ્પષ્ટતા
રાજકોટના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરોને આ દુર્ઘટના માટેની જવાબદારીમાંથી મુકિત આપી શકાય નહીં, તેઓ પણ જવાબદાર હાઇકોર્ટે એવી પણ મૌખિક ટકોર કરી હતી કે, આ સમગ્ર દુર્ઘટના મામલે રાજકોટના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરોને જવાબદારીમાંથી મુકિત આપી શકાય નહી. અલબત્ત હાઇકોર્ટે મ્યુનિસિપલ કમિશનરો મામલે રાજય સરકારની દલીલો સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય આપશે તેવું પણ સ્પષ્ટ કર્યું હતું.
આ પણ વાંચો: અમદાવાદમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો પાણીમાં, મીઠાખળી અંડરપાસ બંધ
ઉલ્લેખનીય છે કે, રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે નિમાયેલી ફેકટ ફાઈન્ડિંગ કમિટીના રિપોર્ટમાં રાજકોટના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરો અમિત અરોરા અને આનંદ પટેલની જવાબદારી બનતી નહી હોવાનું તારણ આપ્યું હતું. જો કે, હાઇકોર્ટે પોતાના મૌખિક અભિપ્રાયમાં સ્પષ્ટ કર્યું હતું કે, રાજકોટના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરોને આ દુર્ઘટના માટેની જવાબદારીમાંથી મુકિત આપી શકાય નહી.
કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓએ પોતાના ખિસ્સામાંથી વળતર ચૂકવવું જોઇએ
આ કેસમાં પીડિત પરિવારો તરફથી વધુ વળતર મામલે રજૂઆત કરાઇ હતી. પીડિત પરિવારોને રાજય સરકાર અને ગેમ ઝોનના સંચાલકો તરફથી વળતર ચૂકવાયું હોવા બાબતે અદાલતનું ઘ્યાન દોરાયુ હતું ત્યારે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે પૃચ્છા કરી હતી કે, રાજકોટ મ્યુનિસપિલ કોર્પોરેશનનું શું? રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓએ પણ તેમના ખિસ્સામાંથી વળતર ચૂકવવું જોઇએ. આ દુર્ઘટના માટે તેઓ પણ એટલા જ જવાબદાર છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની પણ ગેમ ઝોનના સંચાલક જેટલા જ જવાબદાર ઠરે છે.
આ દુર્ઘટના માટે અધિકારીઓ જવાબદાર
હાઇકોર્ટે રાજકોટ મનપાના કયા અધિકારીઓને જવાબદાર ઠરાવાયા છે તે અંગે પણ પૃચ્છા કરી હતી. જેને લઇ અદાલતનું ધ્યાન દોરાયું હતું કે, સીટના રિપોર્ટ મુજબ, આ દુર્ઘટના માટે રાજકોટ મનપાના ટીપીઓ મનસુખ સાગઠિયા, આસિસ્ટન્ટ ટીપીઓ ગૌતમ દેવશંકર જોષી, આસિસ્ટન્ટ એડિશનલ એન્જિનિયર અને ફાયર બ્રિગેડ સહિતના દસ જેટલા અધિકારીઓને પોતાની ફરજમાં બેદરકારી બદલ જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, 12 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
તેથી હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આ અધિકારીઓએ પોતાના ગજવામાથી વળતર આપવું જોઇએ કારણ કે આ દુર્ઘટના માટે તેઓ જવાબદાર છે અને તેમાંથી તેઓ છટકી શકે નહી. એડવોકેટ અમિત પંચાલ દ્વારા આ કેસમાં રજૂ કરાયેલા સોગંદનામાના પ્રત્યુતરમાં જવાબી સોગંદનામું રજૂ કરવા સત્તાવાળાઓને નિર્દેશ કરી હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી તા.13 સપ્ટેમ્બરે રાખી હતી.
કોઇ એવી દલીલ ના કરી શકે કે, મ્યુનિ.કમિશ્નર નિર્દોષ હતા...
રાજય સરકાર તરફથી મ્યુનિસિપલ કમિશનરોના બચાવનો પ્રયાસ કરતાં જણાવાયું હતું કે, મ્યુનિ.કમિ. દ્વારા ટાઉન પ્લાનિંગ ઓફિસરો અને ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારીઓને જવાબદારી સોંપાઇ હતી, તેથી મ્યુનિસિપલ કમિશનરોની જવાબદારીને લઇ ચીફ જસ્ટિસે વધુમાં મૌખિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, તેઓ નિર્દોષતાની દલીલ કરી શકતા નથી.
ભલે તેઓ (તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરો) સીધી રીતે જવાબદાર ના હોઇ શકે પરંતુ જે પ્રકારે રિપોર્ટમાં (ફેક્ટ ફાઈન્ડિંગના) તેમને નિર્દોષ જાહેર કરાયા છે તે રીતે તેઓને મુકત કરી શકાય નહી. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે મૌખિક રીતે સરકારને એવું પણ જણાવ્યું કે, કોર્પોરેશનના વડા તરીકે સુપરવિઝન મ્યુનિસિપલ કમિશનર પાસે છે તેઓ સત્તા સોંપ્યા પછી પણ આંખો બંધ કરી શકે નહી. ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીનો રિપોર્ટ જોયા પછી અમે અમારા ઓર્ડરમાં એ નોંઘ્યું છે કે, ભલે તેઓ (મ્યુનિ.કમિશનરો) સીધા જવાબદાર ના હોય પરંતુ તેઓ સુપરવિઝનની તેમની ફરજ નહી નિભાવવા બદલ જવાબદાર ઠરે છે.