Get The App

રાજ્યના તમામ બ્રિજના ઈન્સ્પેક્શન અને પીડિતોની સ્થિતિનો અહેવાલ રજૂ કરો, ગુજરાત હાઈકોર્ટનું ફરમાન

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
gujarat-high-court


Inspection of all bridges in Gujarat: મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટે દાખલ કરેલી સુઓમોટો જાહેરહિતની રિટની સુનાવણી દરમ્યાન આજે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે કોર્ટની આંખ અને કાન બનીને પીડિતો સાથે મુલાકાત કરી તેમની તમામ અપેક્ષાઓ અને જરૂરિયાતોની જાણ કરવા માટે સ્વતંત્ર અને નિષ્પક્ષ વકીલ તરીકે એડવોકેટ ઐશ્વર્યા ગુપ્તાની નિમણૂક કરી હતી.

બીજીબાજુ, હાઈકોર્ટે મોરબી નગરપાલિકા અને ઓરેવા ગ્રૂપના એમડી જયસુખ પટેલ સામે થયેલી કામગીરીનો અહેવાલ પણ રાજય સરકાર પાસેથી માંગ્યો હતો. હાઈકોર્ટે આગામી મુદત સુધીમાં રાજયના તમામ બ્રિજના ઇન્સ્પેકશન અને પીડિતોની સ્થિતિ બાબતનો અહેવાલ પણ રજૂ કરવા રાજય સરકારને હુકમ કર્યો હતો.

વિગતવાર અહેવાલ રજૂ કરવા માટે પ્રતિનિધિની નિમણૂક

ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠે મંગળવારે મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસના પીડિતોને મળવા અને તેમની જમીનની સ્થિતિ વિશે વિગતવાર અહેવાલ રજૂ કરવા માટે તેના પ્રતિનિધિ તરીકે એડવોકેટ ઐશ્વર્યા ગુપ્તાની નિમણૂક કરી હતી. હાઈકોર્ટે કહ્યું કે, એડવોકેટ સીધા હાઈકોર્ટના પ્રતિનિધિ તરીકે કામ કરશે અને જે કોર્ટની આંખ અને કાન બનીને કામ કરશે. 

વ્યકિતગત મળીને પીડિતોની સાચી સ્થિતિ ચકાસવી 

હાઈકોર્ટે પીડિતોને રૂબરૂ મળી તેમની સમસ્યાઓ, પીડા અને જરૂરિયાતો સમજવા આ સ્વતંત્ર એડવોકેટને અનુરોધ કર્યો હતો. હાઈકોર્ટે એમ પણ જણાવ્યું કે, નિષ્પક્ષ વકીલ તરીકે નીમાયેલ આ વકીલે પીડિતોને તેમના ઘેર જઇ રૂબરૂ મુલાકાત કરવાની રહેશે, તેઓને કોઈ એક જગ્યાએ બોલાવવા નહી. કલેકટર ઓફિસ તેમને લોજિસ્ટીક સપોર્ટ આપશે પરંતુ બધાને વ્યકિતગત રીતે મળશો તો જ ખ્યાલ આવશે કે પીડિતોની સાચી સ્થિતિ શું છે અને તેઓની શું જરૂરિયાત કે માંગ છે. 

આ કેસમાં કોર્ટ સહાયક તરીકે વરૂણ પટેલ પણ પીડિતોની મુલાકાત વખતે તેમની સાથે રહેશે. જો કે, હાઈકોર્ટના નિર્દેશાનુસાર, ઐશ્વર્યા ગુપ્તા દ્વારા જ પીડિતોની મુલાકાત અને તેમની બુનિયાદી સાચી સ્થિતિ અંગેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.

ઓરેવા ગ્રૂપના એમડી જયસુખ પટેલ વિરુદ્ધ પણ ક્રિમિનલ પ્રોસિક્યુશન ચાલુ

દરમ્યાન ગત સુનાવણીમાં સરકાર તરફથી મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં એકશન ટેકન રિપોર્ટ રજૂ નહી થતાં હાઈકોર્ટે ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી. જેને પગલે રાજ્ય સરકાર દ્વારા આજે કોર્ટમાં એક્શન ટેકાન રિપોર્ટ રજૂ કરાયો હતો અને જણાવાયુ હતું કે, પીડિતોની દેખરેખ અને કલ્યાણ માટે ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે. ટ્રસ્ટના પ્રતિનિધિ સમયાંતરે પીડિતોને મળશે. બેંક ખાતા અને કોપર્સ ફંડ બનાવવા ટ્રસ્ટ વ્યક્તિઓનો સંપર્ક કરવા માટે તેમના માટે એક સમર્પિત મોબાઈલ નંબર રજૂ કરવામાં આવ્યો હતો. 

હાઈકોર્ટે રાજય સરકારને મોરબી નગરપાલિકા અને ઓરેવા ગ્રૂપના એમડી જયસુખ પટેલ સામેની કામગીરીનો રિપોર્ટ પણ માંગ્યો હતો. સરકારે જણાવ્યું હતું કે, મોરબી નગરપાલિકાને સુપરસીડ કરી દેવાઈ છે અને ચીફ ઓફિસર વિરૂદ્ધ ખાતાકીય રાહે કાર્યવાહી ચાલુ છે. તો, ઓરેવા ગ્રૂપના એમડી જયસુખ પટેલ વિરૂધ્ધ પણ ક્રિમીનલ પ્રોસીકયુશન ચાલુ છે. 

આ પણ વાંચો: રાજકોટમાં ભાજપ નેતાના પુત્ર સહિત બે યુવાનો 10 લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે ઝડપાતા ખળભળાટ

ચોમાસા દરમ્યાન પુલો ધોવાઈ જાય છે, સાવધાની જરૂરી સરકારપક્ષ તરફથી જણાવાયું હતું કે, રાજયના તમામ બ્રિજનું ચોમાસા પહેલા અને ચોમાસા પછી ઈન્સ્પેકશન કરવામાં આવશે અને તેનો સ્થિરતા અંગેનો સ્ટેબિલિટી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. જેથી ચીફ જસ્ટિસે માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, ચોમાસા દરમ્યાન પુલો ધોવાઈ જાય છે તેથી આ બાબતે પહેલેથી જ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. ચીફ જસ્ટિસે ઉત્તરાખંડનું ઉદાહરણ પણ આપ્યું હતુ અને સરકારને આ મુદ્દે ગંભીરતા રાખવા ટકોર કરી હતી.

રાજ્યના તમામ બ્રિજના ઈન્સ્પેક્શન અને પીડિતોની સ્થિતિનો અહેવાલ રજૂ કરો, ગુજરાત હાઈકોર્ટનું ફરમાન 2 - image



Google NewsGoogle News