Get The App

રાષ્ટ્રના ગૌરવ સમાન સિંહોના મોત અંગે ઝીરો અકસ્માત પોલિસી અપનાવો, ગુજરાત હાઈકોર્ટની ટકોર

હવે ગીરમાં સિંહોના મૃત્યુને અદાલત સાંખી લેશે નહીઃ રેલ્વે અને ફોરેસ્ટ વિભાગ સાથે બેસી ચોક્ક્સ માર્ગદર્શિકા-નીતિ બનાવે

Updated: Mar 27th, 2024


Google NewsGoogle News
રાષ્ટ્રના ગૌરવ સમાન સિંહોના મોત અંગે ઝીરો અકસ્માત પોલિસી અપનાવો, ગુજરાત હાઈકોર્ટની ટકોર 1 - image


Zero accident policy for lions in Gujarat: ગીરના જંગલ-અભયારણ્ય ક્ષેત્રમાં સિંહોના મોત મામલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા દાખલ જાહેરહિતની રિટ અરજીની સુનાવણી દરમ્યાન આજે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને અનિરૂધ્ધા માયીની ખંડપીઠે રેલ્વે સત્તાવાળાઓ અને રાજય સરકારના સત્તાધીશોને બહુ માર્મિક ટકોર કરી સિંહોના મોત મુદ્દે ઝીરો અકસ્માત પોલિસીનો અમલ કરવા કડક તાકીદ કરી હતી. 

માનવીની અસંવેદનશીલતાથી ઘણા સિંહોના અકાળે મૃત્યુ

હાઇકોર્ટે રેલ્વે ઓથોરીટીની ઝાટકણી કાઢી સાફ શબ્દોમાં ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, માનવીની અસંવેદનશીલતાથી ઘણા સિંહોના અકાળે મૃત્યુ થયા છે. પરંતુ હવે કોર્ટ તેને સહન કરી લેશે નહીં. તમને ખબર છે કે, એક સિંહને ગુમાવતા બીજો સિંહ તૈયાર થતાં કેટલો સમય વહી જાય છે.. જાન્યુઆરી મહિનામાં જ બે સિંહોના આકસ્મિક મૃત્યુ થયા હતા, જે બહુ ગંભીર વાત કહી શકાય. સિંહો આ રાષ્ટ્રનું ગૌરવ છે, તેથી રેલ્વે અને ફોરેસ્ટ મુદ્દે વિભાગ સાથે બેસી ચોક્કસ માર્ગદર્શિકા બનાવે કે જેથી સિંહોના અકસ્માત અને અકાળે મૃત્યુ ઝીરો દરે લાવી શકાય.

ઝીરો અકસ્માત પોલિસીના અસરકારક અમલ માટેનો પ્લાન બનાવો 

હાઇકોર્ટે વધુમાં જણાવ્યું કે, રેલ્વે ઓથોરીટીના વકીલ તેમના અધિકારીઓને બચાવવાનો પ્રયત્ન ના કરે પરંતુ કોર્ટસમક્ષ ઝીરો અકસ્માત પોલિસીના અસરકારક અમલ માટેનો પ્લાન રજૂ કરે. રેલ્વે પોતાની જવાબદારી વન વિભાગ કે અન્ય કોઈ વિભાગ પર ઢોળે નહી. જરૂર પડયે રેલ્વે ઓથોરીટી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે બેસીને યોગ્ય આયોજન કરે પરંતુ સિંહાના આ પ્રકારે મોતને કોઈપણ પ્રકારે સાંખી લેવાશે નહી. ખંડપીઠે બહુ ગંભીર ચેતવણી આપતાં સરકાર અને રેલ્વે ઓથોરીટીને જણાવ્યું હતું કે, સિંહો જ નક્કી કરશે કે તેમને કર્યો રહેવું અને શું કરવું.. આખરે તો સિંહ જ જંગલનો રાજા છે. 

સિંહોના ગંભીર અકસ્માત મામલે રેલ્વેએ કશું જ કર્યું નથી- હાઈકોર્ટ

દરમ્યાન ગીર ક્ષેત્રમાં વિવાદીત અકસ્માત સંદર્ભે રેલ્વે ઓથોરીટી તરફથી કોઇ તપાસ રિપોર્ટ નહી મૂકાતાં હાઈકોર્ટે તે વાતની પણ ગંભીર નોંધ લઈ નારાજગી વ્યકત કરી હતી. હાઇકોર્ટે ગર્ભિત ટકોર કરીકે, તાજેતરના આ બને અકસ્માત મામલે રેલ્વેએ કશું જ કર્યું નથી. ડ્રાઇવર તરફથી બચાવ કરાયો હતો કે, બ્રેક મારવા છતાં સિંહોને બચાવી શકાય નથી. ગીરમાં રેલ્વેની સ્પીડ 45 કિ.મી પ્રતિ કલાકની હોય છે. જો. કે, હાઈકોર્ટે રેલ્વેના તમામ બચાવને ફગાવી દઈ તપાસ રિપોર્ટ વિનાના અને ચોક્કસ માહિતીઓ વિનાના સોંગદનામાને પણ સ્વીકારવાનો સાફ ઈનકાર કરી દીધો હતો અને રેલ્વે ઓથોરીટીને નવેસરથી વિગતવાર ખુલાસા અને માહિતી સાથેનું સોગંદનામું રજૂ કરવા હુકમ કર્યો હતો અને કેસની વધુ સુનાવણી એપ્રિલ માસમાં રાખી હતી.

જંગલમાંથી પસાર થતાં 150 હેક્ટર બ્રોડગેજ પ્રોજેક્ટને પણ કેન્સલ

દરમ્યાન કોર્ટ સહાયક હેમાંગ શાહે જણાવ્યું હતું કે, ગીર જંગલમાંથી પસાર થનારી કુદરતી ગેસના પાઈપલાઈન પ્રોજેક્ટને રોકી દેવામાં આવ્યો છે. જંગલમાંથી પસાર થતાં 150 હેક્ટર બ્રોડગેજ પ્રોજેક્ટને પણ કેન્સલ કરવામાં આવ્યો છે. પરંતુ વેરાવળ, વિસાવદર અને તાલાલામાં ગેજ કન્વર્ઝન હાથ ધરવામાં આવી રહ્યું છે. 

સિંહોના અકસ્માત પણ બ્રોડગેજ રેલ્વે લાઈનમાં જ થાય છે

જેના માટે રાજ્ય અને રાષ્ટ્રીય વાઈલ્ડ લાઇફ બોર્ડની પરવાનગી લેવી જરૂરી બને છે. જેમના તરફથી રેલવે બોર્ડને કોઈ કલીયરન્સ મળ્યું નથી. આ ગેજ કન્વર્ઝન જૂનાગઢથી વિસાવદર, ખીજડીયાથી વિસાવદર અને વિસાવદરથી તાલાલા સુધીનું છે. સિંહોનો વિસ્તાર હવે વધ્યો છે. તેઓ અમરેલી સુધી પહોંચ્યા છે. સિંહોના અકસ્માત પણ બ્રોડગેજ રેલ્વે લાઈનમાં જ થાય છે. કોર્ટ સહાયક તરફથી કેટલાક મહત્ત્વના સૂચનો પણ હાઇકોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા.

નહીં તો તમામ ગુડ્સ ટ્રેનના ટ્રેક બદલવા કોર્ટ આપશે આદેશ

હાઇકોર્ટે કેસની સુનાવણી દરમ્યાન રેલ્વે ઓથોરીટીના વલણ પરત્વે ભારોભાર નારાજગી વ્યકત કરી એક તબક્કે એવી ગંભીર ચીમકી આપી હતી કે, જો રેલ્વે ઓથોરીટી યોગ્ય રીતે કામ નહી કરે તો, ગીરના જંગલમાંથી પસાર થતી તમામ ગુડ્સ ટ્રેનના ટ્રેક બદલવા માટે અદાલતને ના છૂટકે આદેશ આપવો પડશે. હાઈકોર્ટે રેલ્વેને સાફ શબ્દોમાં જણાવ્યું કે, તમારે જે કરવું હોય તે કરો પણ સિંહના અકાળે મૃત્યુ ના થાય તે માટે ઝીરો અકસ્માત પોલિસીને પરિણામલક્ષી અમલ કરો.

સ્પીડ ઓછી કરતા હોવ તો અકસ્માતો કેમ સર્જાય છે..?

હાઇકોર્ટે રેલ્વે ઓથોરીટીને વેધક સવાલ કર્યા હતા કે, સિંહોના અકસ્માત કેવી રીતે થાય છે, તેની તપાસ કરવા કોઈ કમીટી રચાઈ છે કે કેમ..? જેથી રેલવે તરફથી જણાવ્યું કે, રેલવે અને ફોરેસ્ટ વિભાગની એક સંયુક્ત કમિટી આ મુદ્દે બનાવાઈ છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ સિંહોની મુવમેન્ટની રેલવેને જાણ કરાય છે, જેથી ટ્રેનની સ્પીડ ઘટાડવામાં આવે છે., તેથી કોર્ટે સીધો જ સવાલ કર્યો કે, જો ટ્રેનની સ્પીડ ઘટાડી દેવાતી હોય તો પણ અકસ્માતો કેમ સર્જાય છે…? તેનું કારણ શું…? જેથી રેલ્વે બચાવ કરતાં જણાવ્યું કે, જયારે ફોરેસ્ટ વિભાગ દ્વારા સિંહોની મુવમેન્ટની માહિતી રેલ્વેને મળતી નથી હોતી ત્યારે કયારેક સિંહ અચાનક રેલ્વે ટ્રેક પર આવી જવાથી અકસ્માત સર્જાતા હોય છે. જો કે, રેલ્વેના આ પ્રકારના બચાવે હાઈકોર્ટે ફગાવ્યો હતો.

સિંહનું પેટ ભરેલું હોય તા તે પ્રાણીઓ સામે જોતો પણ નથી 

દરમ્યાન ચીફ જસ્ટિસે તેમના એક અનુભવને વર્ણવતાં જણાવ્યું હતું કે, તેઓ પોતે ગીરના જંગલની મુલાકાતે ગયા ત્યારે તેમના જીપ્સી વાનના ડ્રાઈવરે તેમનું ધ્યાન દોર્યું હતું કે, જયારે સિંહનું પેટ ભરેલું હોય તો તે પ્રાણીઓ તરફ જોતો પણ નથી. સિંહ દિપડો કે વાઘ નથી તે અલગ પ્રકારનું પ્રાણી છે, તે જંગલનો રાજા છે અને રાજાની જેમ રહે છે. જો સિંહ ભૂખ્યો ના હોય તો તે કોઈને નુકસાન કરતો નથી.

રાષ્ટ્રના ગૌરવ સમાન સિંહોના મોત અંગે ઝીરો અકસ્માત પોલિસી અપનાવો, ગુજરાત હાઈકોર્ટની ટકોર 2 - image


Google NewsGoogle News