વડોદરામાં 33 એલઈડી પર જાહેરાતના ઇજારાનો વર્ક ઓર્ડર નહીં આપવા હાઇકોર્ટનો મનાઈ હુકમ
Vadodara Corproation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને રૂ.10 કરોડના ખર્ચે 33 એલઇડી સ્ક્રીન લગાવ્યા બાદ તેમાં જાહેર ખબર કરવાના કોન્ટ્રાક્ટ કોર્પોરેશનના બજેટમાં નક્કી થયેલી લાગત કરતા ઓછા ભાવના ટેન્ડર મંજૂર કરી માનીતા કોન્ટ્રાક્ટરને ફાયદો કરી આપવાનો કારસો રચાતા વિવાદ સર્જાયો હતો. આ સમગ્ર મામલો ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પહોંચતા કોર્ટે અરજીનો નિકાલ ન થાય ત્યાં સુધી વર્ક ઓર્ડર જારી ન કરવા હુકમ કર્યો છે.
વડોદરા કોર્પોરેશન દ્વારા દોઢ મહિના અગાઉ સ્થાયી સમિતિમાં દરખાસ્ત કરાઈ હતી કે, રોડ સાઇડની જગ્યામાં ઈન્સ્ટોલ કરેલા કુલ- 33 એલઇડી સ્ક્રીન ઉપર જાહેરાત કરવાનો પાંચ વર્ષ માટેનો કોન્ટ્રાક્ટ આપવાનો છે. જેમાં ત્રણ ટેન્ડર આવ્યા હતા. બે એજન્સી ટેકનીકલી કવાલીફાઇડ થઇ હતી. સન આઉટડોર કવાલીફાઇડ થયા નહીં. જે બે કંપની ક્વોલિફાઇડ થઈ તેમાં સૌથી વધુ ભાવ એકસેલન્ટ ગ્લોબલ એન્ડેવર્સ કંપની દ્વારા મીનીમમ અપસેટ વેલ્યુ રૂ.1,30,48,000/ની સામે સૌથી વધુ રૂ.1,43,00,000/- ની ઓફર આપી હતી. એકસેલન્ટ ગ્લોબલ એન્ડવર્સની 33 LED Screen ઉપર જાહેરાત કરવાનો પરવાનો પાંચ વર્ષની મુદત માટે વાર્ષિક લાઈસન્સ ફીની રકમ રૂ.1,43,00,000/ + 18% જી.એસ.ટી. સાથે દર વર્ષે 5 % વધારો ગણી ત્રિમાસિક ધોરણે એડવાન્સમાં ભરવાની શરતે આપવા તેમજ ટેન્ડરમાં થયેલ કૂલ વાર્ષિક આવકમાંથી ઈલેકટ્રીકસીટી બિલની રકમ બાદ કરતા વધતી રકમ મીનીમમ ગેરંટીની રકમ કરતાં વધુ હોય તો તેના 50% રકમ પ્રોફીટ શેરીંગ તરીકે જમા કરાવવાની શરતે આ ટેન્ડર મંજૂર કરવા કમિશનરે ભલામણ કરી હતી. એક્સેલેન્ટ ગ્લોબલ એન્ડવર્સ કંપનીની ઓફર મુજબ કોર્પોરેશન બજેટમાં મંજૂર કરેલી લાગત કરતા રૂપિયા 35 લાખ ઓછા થાય છે. જેથી નિયમ પ્રમાણે ઓછી લાગત લઈ શકાય નહીં. બજેટમાં દર્શાવ્યા પ્રમાણેની લાગત વસૂલ કરવામાં આવે તો એક બોર્ડના વાર્ષિક રૂ.5.40 લાખ વસુલ કરવા પડે અને કુલ 33 બોર્ડ હોવાથી વાર્ષિક રૂ.1.78 કરોડની રકમની વસુલાત કરવાની રહે છે. પરંતુ જે ટેન્ડરો આવ્યા છે તેની કુલ ટેન્ડરની રકમ રૂ.1.43 કરોડ થાય છે જે બજેટમાં નક્કી કરેલી લાગત કરતા 35 લાખ ઓછી રકમ મળે. અધિકારીઓએ અંદાજપત્રમાં નક્કી થયેલી લાગત કરતા પણ ઓછી રકમની અપસેટ વેલ્યુ 1.78 કરોડના બદલે 1.30 કરોડ અપસેટ વેલ્યુ ટેન્ડરમાં નક્કી કરવામાં આવી હતી. તદુપરાંત કંપની જે નફો બતાડે તેના જ માત્ર 50% રકમ મળશે જેથી કોર્પોરેશનને ખોટનો ધંધો કરવાનો વારો આવે.
આ અંગે સન આઉટડોર્સ પ્રિતિશ નાનુભાઈ શાહ દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વિરુદ્ધમાં ગુજરાત હાઇકોર્ટ પિટિશન દાખલ કરી હતી. સુનાવણી દરમિયાન બંને પક્ષોની દલીલો અને પુરાવાની ચકાસણી બાદ અદાલતે મૌખિક હુકમ કર્યો હતો કે, કોઈ વર્ક ઓર્ડર હજુ સુધી જારી કરવામાં આવ્યો નથી. અરજદારનો પ્રસ્તાવ નવા ઉમેરવાના પ્રતિવાદીઓ દ્વારા ઓફર કરવામાં આવેલા કરતાં ઘણો વધારે છે. તેથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને આ અરજીનો નિકાલ ન થાય ત્યાં સુધી વર્ક ઓર્ડર જારી ન કરવાનો નિર્દેશ આપવામાં આવે છે.