ગુજરાત હાઈકોર્ટે સગીરાને ગર્ભપાતની મંજૂરી આપી, DNA સાચવવા હુકમ: માનસિક દિવ્યાંગ સગીરા શારીરિક શોષણનો બની હતી શિકાર

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News
Gujarat High Court


Gujarat High Court : તાપીમાં માનસિક દિવ્યાંગ સગીરાનું એક વ્યક્તિ દ્વારા શારીરિક શોષણ કરતાં સગીરા 27 સપ્તાહ ગર્ભવતી જાણવા મળી હતી. સગીરા સાથે બનેલી શારીરિક શોષણની ઘટનાની ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. બીજી તરફ, સગીરાની ઉંમર નાની હોવા સામે ગર્ભાવસ્થા આગળ વધારવી જોખમી હોવાથી હાઈકોર્ટમાં ગર્ભપાત માટે સગીરાના પિતા દ્વારા અરજી કરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટ દ્વારા સગીરાની યોગ્ય મેડિકલ તપાસના આદેશ કરીને ગર્ભપાત માટે મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે કોર્ટે ગર્ભની પેશીના DNA પુરાવા સાચવવા માટે FSLમાં મોકલવા આદેશ કર્યા હતા.

15 વર્ષની દિવ્યાંગ સગીરાના ગર્ભપાત કરાવવા હાઈકોર્ટમાં અરજી કરાઈ

તાપીની 15 વર્ષ 09 માસની સગીરાના 27 સપ્તાહના ગર્ભપાત માટે પિતાએ એડવોકેટ પી.વી.પાટડિયા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં જજ નિર્ઝર દેસાઈની કોર્ટમાં એડવોકેટે જણાવ્યું હતું કે, એક આરોપીએ માનસિક દિવ્યાંગ સગીરનું શારીરિક શોષણ કરતાં ગર્ભવતી બની હતી. આ બનાવ અંગે તાપીના ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.

કુટુંબે ગર્ભપાત માટે મંજૂરી આપી

સગીરા માનસિક દિવ્યાંગ હોવાના સાથે ગર્ભ વધુ સમય રાખવા સક્ષમ ન હોવાથી કુટુંબે ગર્ભપાત માટે મંજૂરી આપી હતી. બીજી તરફ, હાઇકોર્ટે સગીરાના મેડિકલ તપાસના આદેશ આપતાં, સુરતની સ્મિમેર હોસ્પિટલના મેડિકલ સુપરિટેન્ડન્ટને એક્સપર્ટ ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર્સ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવી હતી. તપાસના રિપોર્ટમાં સગીરાને 28 સપ્તાહનો ગર્ભ છે. તેવામાં ડોક્ટરે જણાવ્યું હતું કે, સગીરાની ઉંમર નાની હોવાથી ગર્ભાવસ્થા આગળ વધારવી જોખમી છે. 

ગર્ભની પેશીના DNA પુરાવા સાચવવા માટે FSLમાં મોકલવા કોર્ટનો આદેશ

સગીરાની માનસિક સ્થિતિ સારી ન હોવાની સાથે ગર્ભપાત સમયે બ્લીડિંગ અને ઇન્ફેક્શનનું જોખમ ઉભું થાય તેમ છે. ત્યારે કોર્ટે સ્મિમેર હોસ્પિટલને જણાવ્યું હતું કે, ઓપરેશન દરમિયાન લોહીની જરૂર પડે તો અગાઉથી વ્યવસ્થા કરવી. આ સાથે કોર્ટે પૂરતી સુરક્ષા અને પ્રોટોકોલ સાથે સગીરાના ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી હતી. આ ઉપરાંત, સગીરા સાથે આ પ્રકારનું કૃત્ય કરનાર આરોપીની પરખ કરવા માટે ગર્ભની પેશીના DNA પુરાવા સાચવવા માટે FSLમાં મોકલવા આદેશ કર્યા હતા. સગીરાના ઓપરેશન કરવામાં થતાં ખર્ચ સામે સરકારી યોજનાનો લાભ અપાવવા હોસ્પિટલને સૂચના આપવામાં આવી હતી.


Google NewsGoogle News