Get The App

ગુજરાતમાં અમદાવાદ સહિત 10થી વધુ શહેરોમાં પારો 43ને પાર, રાજકોટમાં રેકોર્ડબ્રેક ગરમી

Updated: Apr 10th, 2025

GS TEAM


Google News
Google News
Gujarat Extreme Heatwave


Gujarat Extreme Heatwave: ગુજરાતમાં સુર્યએ તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા હાલ ગરમી તેજગતિએ છે ત્યારે આવતીકાલે રાજકોટમાં સીઝનનું રેકોર્ડબ્રેક સૌથી વધુ 45.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ હતુ અને આ સાથે રાજકોટ રાજ્યનું સૌથી વધુ ગરમ શહેર રહ્યુ હતુ. રાજકોટમાં 133 વર્ષમાં એપ્રિલનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. ઉનાળામાં ગરમીના વધતા તાપમાનને લઈને રાજકોટ DEOએ પરિપત્ર જાહેર કરીને શહેર અને જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓનો સમય સવારે 7થી 11નો કરવા સૂચનો આપ્યા છે. 

8 શહેરમાં હીટવેવ

આ વર્ષે ઉનાળાની શરૂઆત સાથે જ રાજકોટ સૌથી વઘુ તાપમાનની નોંધણીમાં ટોપ પર રહ્યુ છે. એકતરફ દેશના કેટલાક ભાગમાં વરસાદ વરસ્યો છે ત્યારે ગુજરાતમાં આભમાંથી જળને બદલે આગ વરસવાનું જોર વઘ્યું છે. આજે મૌસમ વિભાગ અનુસાર ઈ.સ.1892 થી એપ્રિલ માસના મહત્તમ તાપમાનની થતી નોંધ મૂજબ રાજકોટમાં આજે 133 વર્ષનું સૌથી વઘુ 45.2 સે. વિક્રમજનક તાપમાન નોંધાયું છે. ગઈકાલ સુધી રાજકોટમાં એપ્રિલ માસનું 133 વર્ષનું સૌથી વઘુ તાપમાન તા.14-04-2017ના નોંધાયું હતું જે રેકોર્ડ આજે તૂટ્યો છે. 

10 થી વઘુ શહેરોમાં ગરમીનો પારો 43થી વધુ ડિગ્રી પર

રાજ્યના આજે સર્વાધિક તાપમાન કંડલામાં 45.6 નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રીથી વઘુ નોંધાયુ હતું. અમદાવાદ, અમરેલી, વડોદરા, ચાણસ્મા, ડીસા, દીયોદર, ગાંધીનગર, રાજકોટ, હિંમતનગર ,ભુજ અને પોરબંદર સહિતના 10 થી વઘુ શહેરોમાં ગરમીનો પારો 43 કે તેથી વધુ ડિગ્રી પર રહ્યો હતો. જ્યારે રાજકોટ બાદ સૌથી વધુ 44 ડિગ્રી જેટલુ તાપમાન હિંમતનગર, ડિસા અને અમરેલીમાં નોંધાયુ હતું. 

બપોરના સમયે રસ્તાઓ પર વાહનોની અવર જવર ઘટી

આજના દિવસે અમદાવાદ, સુરત, રાજકોટ, પોરબંદર, ભાવનગર, ભુજ, ડીસા અને ગાંધીનગર સહિતના 8 જેટલા શહેરોમાં હિટવેવ રહી. દિવસ દરમિયાન અને ખાસ કરીને બપોરના સમયે ગરમ પવન સાથે શહેરીજનો લૂથી હેરાન થઈ ગયા હતા. અમદાવાદની વાત કરીએ તો સીઝનનું સૌથી વઘુ મહત્તમ તાપમાન 43.2 ડિગ્રી આજે નોંધાયુ હતુ. જ્યારે આજે બપોરે 12 વાગ્યાથી જ તાપમાન 40 ડિગ્રી પર પહોંચી ગયુ હતુ અને બપોરના સમયે બેથી ત્રણ કલાક રસ્તાઓ પર વાહનોની અવર જવર પણ ઘટી હતી.  

રાજકોટ, પોરંબદર, ભાવનગર, ભુજમાં ઓરેન્જ એલર્ટ 

અમદાવાદ અને સુરતમાં આજે યલો તેમજ રાજકોટમાં ઓરેન્જ તથા પોરંબદરમાં ઓરેન્જ અને ભાવનગર તથા ભુજમાં ઓરેન્જ એલર્ટ રહ્યુ હતું. ગુજરાતમાં એપ્રિલની શરૂઆતથી ગરમીએ જોર પકડ્યુ છે ત્યારે છેલ્લા બે દિવસથી મહત્તમ તાપમાન એકથી બે ડિગ્રી વઘ્યુ છે અને ગરમી સાથે ગરમ પવનો-લૂ એટલે કે હિટવેવનું પ્રમાણ પણ વઘ્યુ છે. જો કે આવતીકાલે મહત્તમ તપામાન એકથી બે ડિગ્રી ઘટવા સાથે 10 એપ્રિલે હીટવેવ અને ગરમીનું પ્રમાણ થોડું ઘટવાની હવામાન વિભાગની આગાહી છે.

અમદાવાદમાં આજે 42 ડિગ્રી, રાજકોટમાં 44, સુરતમાં 39, ભુજમાં 43, ભાવનગરમાં 40, પોરબંદરમાં 39, વડોદરામાં 41 અને ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. જો કે રાજકોટ અને ભુજમાં આવતીકાલે પણ હિટવેવની આગાહી છે.

ગુજરાતમાં અમદાવાદ સહિત 10થી વધુ શહેરોમાં પારો 43ને પાર, રાજકોટમાં રેકોર્ડબ્રેક ગરમી 2 - image

Tags :