'સરકાર ફક્ત કોણીએ ગોળ ચોંટાડે છે...' આરોગ્ય વિભાગના 25000 કર્મચારી અચોક્કસ મુદત સુધી હડતાળ પર
Gujarat Health Employees on Strike: ગુજરાત રાજ્યના પંચાયતી સેવા વર્ગ-3ના કર્મચારીઓ 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવા ખોરવાય તેવી શક્યતા છે. આરોગ્ય કર્મચારી જિલ્લા કક્ષાના સુપરવાઇઝર સહિત 25 હજાર જેટલા કર્મચારીઓ આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે.
આરોગ્ય કર્મચારી મહાસંઘે કરી જાહેરાત
રાજ્યના આરોગ્ય કર્મચારી મહાસંઘે નાણાંકીય અને વહીવટી પડતર પ્રશ્નો નહીં ઉકેલતા આ એલાન આપ્યું છે. આરોગ્ય કર્મચારી મહાસંઘે એલાન કર્યું કે, તારીખ 17 માર્ચથી આરોગ્ય કર્મચારી હડતાળ પાડીશું. ટેક્નિકલ ગ્રેડ-પે મુદ્દો ઉકેલાયો નથી. ખાતાકીય પરીક્ષા રદ કરવાનો પ્રશ્ન હજુય યથાવત્ રહ્યો છે. અન્ય પ્રશ્નો મામલે આરોગ્ય કર્મચારીઓએ ધરણા કર્યાં, દેખાવો કર્યાં, માસ સીએલ પર જઈને વિરોધ પ્રદર્શન કર્યું તેમ છતાંય સરકારના પેટનું પાણી હલતું નથી.
સરકાર ફક્ત કોણીએ ગોળ ચોંટાડે છે
આ વખતે નક્કી કરાયું છે, જ્યાં સુધી મંત્રણા ન થાય અને ખાતરી આપવામાં ન આવે ત્યાં સુધી સરકાર સાથે વાટાઘાટો કરવામાં નહીં આવે. હડતાળ ચાલુ રહેશે કારણ કે, આ અગાઉ પણ સરકારના મંત્રીઓએ ખાતરી આપી હતી પરંતુ, અત્યાર સુધી અમલ નથી કરાયો. નવાઈની વાત તો એ છે કે, ખુદ આરોગ્ય વિભાગના અધિકારીઓની એક કમિટીએ વર્ષ 2022માં લેખિતમાં ભલામણ કરી હતી. કર્મચારીઓને સરકાર કોણીએ ગોળ ચોંટાડી દે છે પણ લાભ નથી આપતી.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ડ્રગ્સ ટ્રાફિકિંગનું વધતું દૂષણ, 3 વર્ષમાં 1743 કેસ નોંધાયા પણ દોષિત ફક્ત 16
ગામડાઓમાં ઊભી કરાઈ વૈકલ્પિક વ્યવસ્થા
હડતાળને કારણે ગામડાઓમાં આરોગ્ય કેન્દ્ર પર સેવાઓ ખોરવાશે. આ કારણોસર આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. આ ઉપરાંત વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.